Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ભાગોળે કચરાથી ખદબદતી નદીઓ અને રોગચાળા વચ્ચે ગંદકીથી ઘેરાયેલી જી. જી. હોસ્પિટલ

સમગ્ર શહેરમાં નગરનું નાક કપાવે તેવી બદબૂ મારતી ગંદકી-ઉકરડાનું નિરીક્ષણ કરવા તો નીકળો... સફાઈ તો કરાવો... દવા છંટકાવ તો કરાવો...

ગુજરાતમાં વરસાદી માહોલમાં અનેક ગામો-શહેરોમાં સીઝનલ રોગચાળો ચિંતાજનક રીતે વ્યાપક બન્યો છે. જેમાં વળી ખાસ જાતની માખી દ્વારા ફેલાઈ રહેલો ચાંદીપુરા વાયરસ બાળકો માટે જીવલેણ બની રહ્યો છે. જામનગરમાં પણ ચાંદીપુરા વાયરસના કેસો નોંધાય રહ્યા છે, તેમાં વળી હાલારના એક બાળકનું  મૃત્યુ નિપજવાના સમાચારથી લોકોમાં ભય અને ચિંતાની લાગણી ફેલાઈ છે.

જામનગરમાં માંડ એક-બે ઈંચ જેવો વરસાદ જ પડ્યો છે, તેમ છતાં ચારેતરફ ખાડાઓમાં, શેરી-ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા. આ પાણી ભરેલા ખાડા માખી-મચ્છર-જીવાતોના ઉત્પાદન કેન્દ્રો બની રહ્યા છે. પરિણામે તાવ, ઝાડા, ઉલ્ટી, મેેલેરીયા જેવા રોગના અસંખ્ય દર્દીઓથી સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ-દવાખાના ઉભરાઈ રહ્યા છે. તેમાંય ચાંદીપુરા વાયરસનો ફેલાવો થઈ રહ્યો હોવાથી બાળકોના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. આવા અત્યંત કપરા સંજોગોમાં આપણી મહાનગરપાલિકાનું તંત્ર સફાઈ બાબતમાં સદંતર નિષ્ફળ ગયું છે તે હકીકત છે.

શહેરના પ્રવેશદ્વાર પાસે સુભાષ બ્રીજ નીચેથી વહેતી રંગમતિ-નાગમતિ નદીમાં વરસાદી પાણીની આવક તો થઈ.. પણ આખી નદીના સ્તર ઉપર કચરો અને ગંદકી ફેલાવેલા છે. બ્રીજ પરથી નીકળો તો નાક ઉપર રૂમાલ રાખવો પડે તેવી દુર્ગંધ ફેલાયેલી રહે છે. આ વ્યાપક રીતે ફેલાયેલું ગંદકીનું સામ્રાજ્ય શહેરમાં રોગચાળાને આમંત્રણ આપી રહ્યું છે અને મનપાનું તંત્ર ઘોર નિંદ્રામાં છે!

 ઉપરોકત તસ્વીરમાં રંગમતિ-નાગમતિ નદીમાં ફેલાઈ ગયેલા કચરા-ગંદકીના થર જોવા મળે છે. પ્રિ-મોન્સુન કામગીરીમાં આ નદીની સફાઈ કરવાનો સમાવેશ નથી ? સવા કરોડ જેવી રકમ પ્રિ-મોન્સુન કામગીરી મટો ખર્ચાઈ ગઈ.. તો આટલો કચરો નદીમાં ઠલવાયો કેવી રીતે?

આવું જ બીજું દૃષ્ટાંત જયાં રોગીઓ સારવાર લઈ સ્વસ્થ થવા આપે છે તેવી સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની ગણાતી સરકારી જી.જી. હોસ્પિટલ આસપાસના વિસ્તારોનું છે. જી.જી. હોસ્પિટલમાં હિમતનગર રોડ પરથી જવાના ગેઈટ પાસે જ કચરાનું કન્ટેનર કચરા-ગંદકી-એઠવાડથી છલકાઈ રહ્યું છે.

આ કચરો ચારેતરફ રસ્તા ઉપર તથા હોસ્પિટલ પાસે જ ફેલાયેલો રહે છે. આ ઉપરાંત હોસ્પિટલની સામે આવેલી હોટલો, નાસ્તા ભુવનોવાળા દ્વારા બિન્દાસપણે રસ્તા ઉપર પાણી ઢોળવા, કચરો ફેંકવાની પ્રવૃત્તિના કારણે તેમજ અહીં છાસવારે દુર્ગંધ મારતા પાણી સાથે ઉભરાતી ગટરના કારણે દાંડીયા હનુમાનથી લઈ છેક ધન્વન્તરી મેદાનની દિવાલ સુધી ર૪ કલાક ગંદકી ફેલાયેલી રહે છે. વાહનોના ખડકલાના કારણે ટ્રાફીક સમસ્યા પણ અવારનવાર થાય છે. જી.જી. હોસ્પિટલના દરવાજા બહાર પણ બ્રેડ પકોડા, ભજીયા- ગાંઠીયાવાળા ગેરકાયદે દબાણો કરી ગંદકી ફેલાવી રહ્યા છે.

જયાં દરરોજ તાવ, ઝાડા-ઉલ્ટી, મેલેરીયા સહિતના રોગની સારવાર માટે સેંકડો દરદીઓ આવે છે તે સરકારી હોસ્પિટલની આસપાસ જ સફાઈના નામે મીંડુ...! એટલું જ નહીં મનપાના ભ્રષ્ટ તંત્રની મીઠી નજર હેઠળ સામેની  દુકાનો, હોટલોવાળાની મનપાની સાથેની ગંદકી ફેલાઈ રહી છે.

માત્ર ઓફિસોમાં અધિકારીઓની મિટીંગો યોજવાથી રોગચાળો કાબુમા નહીં આવે.. સફાઈ કામગીરી સઘન બનાવી, જંતુનાશક દવાનો છંટકાવ કરવાની તાતી જરૂર છે.

ઓફિસમાં બેસીને સમીક્ષા કરવી, સૂચનાઓ આપવાથી સંતોષ માની લેનારા નેતાઓ, અધિકારીઓએ ખરેખરતો અખબારોના માધ્યમથી જ્યાં-જ્યાં તંત્રનું ધ્યાન દોરવાની ફરજ બજાવવામાં આવે છે તેવા સ્થળોની રૂબરૂ મુલાકાત લેવાની જરૂર છે, એટલું જ નહીં આવા સ્થળો પર ગંદકી ફેલાવનારાઓના ધંધા સીલ કરી દેવા સહિતના કડકડમાં કડક પગલાં ભરવાની જરૂર છે. નહીંતર રોગચાળો વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરે તેવી દહેશત અસ્થાને નથી...

ઓવર થ્રો : ચૂંટાયેલા ઉચ્ચ નેતાઓ, અધિકારીઓ, રાજકીય આગેવાનોની રોગચાળા અંગેની હવે પછીની બેઠક રંગમતિ-નાગમતિ નદીના પટ્ટમાં અથવા જી.જી. હોસ્પિટલ પાસેના પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક સામે યોજવા માટે ગંભીરતાપૂર્વક વિચારણા ચાલી રહી છે!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh