Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુર તાલુકામાં ૧ર, જામજોધપુરમાં ૬, ખંભાળિયા-કાલાવડમાં ચાર-ચાર ઈંચ વરસાદ

હાલારમાં છેલ્લા ર૪ કલાકમાં સાર્વત્રિક વરસાદથી અનેક જળાશયોમાં નવા નીરઃ ધ્રોળ પંથકમાં એક શ્રમિક દંપતીનું વીજળી પડતા મૃત્યુઃ ઠેર-ઠેર જળબંબાકાર

જામનગર તા. ૧૯: સમગ્ર હાલાર પંથકમાં છેલ્લા ર૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. છેલ્લા ર૪ કલાકમાં એકથી ૧ર ઈંચ પાણી વરસી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિ અમુક વિસ્તારમાં જોવા મળી છે. અનેક જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે, તો ધ્રોળ પંથકમાં વીજળી પડતા એક ખેત શ્રમિક દંપતીના મૃત્યુ થયા છે.

જામનગર જિલ્લાના તમામ છ તાલુકા મથકમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જામજોધપુર પંથકમાં સાડાપાંચ ઈંચથી ૬ ઈંચ સુધી વરસાદ થતા જામજોધપુર પંથક જળબંબાકાર બની ગયો છે. અનેક ગામડાના ખેતરો પાણીથી લબાલબ ભરાઈ ગયા છે, તો નિચાણવાળા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતાં. રાત્રે ૧૦ થી ૧ર ના બે કલાકના સમયગાળામાં ૧૧ર મી.મી. એટલે કે સાડાચાર ઈંચ વરસાદ વરસી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. જામજોધપુર મુખ્ય મથક ઉપરાંત સમગ્ર તાલુકા વિસ્તારના ગામડામાં પણ સારો વરસાદ થયો હતો. આ ઉપરાંત કાલાવડમાં પણ ગઈકાલે સાંજે ચાર ઈંચ ધોધમાર વરસાદ થયો હતો. આથી સમગ્ર તાલુકો પાણી પાણી થઈ ગયો હતો.

ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે જામજોધપુર-કાલાવડ પંથકના અનેક જળાશયોમાં નવા નીરની આવક થવા પામી હતી. આ ઉપરાંત ધ્રોળ પંથકમાં પણ ગઈકાલે અનરાધાર વરસાદ વરસતા ૬૮ મી.મી. (અઢી ઈંચ) વરસાદ નોંધાયો હતો, જ્યારે જોડિયામાં ૪૦ મી.મી. (પોણાબે ઈંચ) અને જામનગર તથા ભાણવડમાં પોણો ઈંચ વરસાદ થયો હતો. આમ જામનગર જિલ્લાના તમામ છ તાલુકા મથકે વરસાદ થયો હતો.

જામનગર જિલ્લાના અનેક ગામડામાં ગઈકાલે ઝાપટાથી સાડાપાંચ ઈંચ જેટલો વરસાદ થયો હતો. જેમાં લતીપુરમાં ૧૦ મી.મી., જાલિયા દેવાણી ર૦ મી.મી., લૈયારા ૩૦ મી.મી., નિકાવા ૭૦ મી.મી., ભલસાણ બેરાજા ર૯ મી.મી., નવાગામ રપ મી.મી., મોટા પાંચદેવડા ૩ર મી.મી., સમાણા ૭ર મી.મી., શેઠવડાળા ૬૯, જામવાડીમાં ૧૪ર મી.મી., વાંસજાળિયા ૧૩૦ મી.મી. ધુનડામાં ૯૦ મી.મી., ધ્રાફામાં ૧૪૦ મી.મી., પરડવા ૧ર૦ મી.મી. અને ભણગોરમાં ૩૭ મી.મી. લાલ૫ુરમાં ૧૮ મી.મી. વરસાદ નોંધાયો છે.

ધ્રોળ તાલુકાના સુમરા ગામમાં આકાશી વીજળી ત્રાટકતા મગનભાઈ ભટિયા (ઉ.વ. ૪૦) અને તેમના પત્ની રમાબેન મગનભાઈ ભટિયા (ઉ.વ. ૩૮) ના સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતાં. બનાવની જાણ થતા જ મામલતદાર, પોલીસની ટીમ પહોંચી હતી.

જ્યારે જામનગર જિલ્લામાં બે ડઝનમાંથી ચાર જળાશયો ઓવરફ્લો થયા છે, તો જામનગર માટે પીવાના પાણીના સ્ત્રોત સમાન ચારેય ડેમમાં નવા પાણી આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાપક વરસાદ વરસ્યો છે, અને બેથી ૧ર ઈંચ પાણી વરસતા ચોતરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. દ્વારકામાં છેલ્લા ર૪ કલાકમાં બે ઈંચ વરસાદ થયો છે, તો ભાણવડમાં આજ અને ગઈકાલનો મળી ૧૦૦ મી.મી. એટલે કે ચાર ઈંચ વરસાદ થયો છે, જ્યારે ખંભાળિયામાં પણ ચાર ઈંચ વરસાદ થયો છે.

કલ્યાણપુર તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા હોય તેમ ૧૦ થી ૧ર જેટલો ભારે વરસાદ વરસતા સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયો છે. ફક્ત રાત્રે ર થી ૪ ના બે કલાકમાં જ અનરાધાર સાત ઈંચ વરસાદ થયો છે. આથી રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે. કેટલાક સ્થળોએ પાણી ઘરમાં ઘૂસી ગયા છે.

લીંબડી-દ્વારકા વાયા ચરકલાના માર્ગે રેણુંકા નદીમાં પૂર આવતા કલાકો સુધી રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહ્યો હતો.

કલ્યાણપુર તાલુકાના બતડિયા, ભાટિયા, કલ્યાણપુર, જામરાવલ, ધુતારિયા, દુધિયા, ટંકારિયા, ચાચલાણા, સૂર્યાવદર, ચુર, ચાપર, રાજપરા સહિતના ગામમાં પણ વ્યાપક વરસાદના વાવડ છે.

જામજોધપુરથી મળતા અહેવાલ મુજબ અનરાધાર સાડા છ ઈંચ જેટલો ભારે વરસાદ થયો છે. આથી ગૌશાળા પાસે પાદર નદી છલકાઈ ગઈ છે. ખારાવાડમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, તો ચબૂતરો પાણીમાં ડૂબી ગયો હતો, જ્યારે સતાપરનો ડાયમીનસાર ડેમ પણ છલકાઈ ગયો છે.

સલાયાના અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે, ગત્ રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. હનુમાન મંદિર પાસેનું ગોળ તળાવ સંપૂર્ણ ભરાઈ ગયું હતું. નગરગેટ, ધનસેર, પાંજરાપોળ વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ગાંડી વેલ દૂર કરવાની કામગીરી કરવામાં નહીં આવી હોવાથી પાણીમાં તરતી જોવા મળી હતી. રાત્રે લગભગ અઢી ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો, જો કે હાલ વરસાદે વિરામ લીધો છે.

ભાણવડથી અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે, પંથકમાં આશરે પાંચ ઈંચ વરસાદ થયો હતો. આથી ખેતરો તળાવની સ્થિતિ ફેરવાઈ ગયા હતાં. ભારે વરસાદના કારણે ખેતીમાં પાકને વ્યાપક નુક્સાન થયું હતું, બે સ્થળોએ વીજળી પડી હતી, જો કે કોઈ નુક્સાની થવા પામી નહતી.

ખંભાળિયાનો સિંહણ ડેમ ઓવરફ્લો

ખંભાળિયાથી મોડેથી મળતા અહેવાલ મુજબ સવારથી બપોરે ૧ર વાગ્યા સુધીમાં ખંભાળિયામાં દોઢ ઈંચ તથા ભાણવડમાં બે ઈંચ વરસાદ થયો છે. આરાધના ધામ પાસેનો સિંહણ ડેમ ભારે વરસાદના કારણે સંપૂર્ણપણે ભરાઈ અને છલકાઈ ગયો છે. રર ફૂટના બે ડેમ ગઈકાલે ૧૦ ફૂટ જેટલું પાણી હતું જે એક જ દિવસમાં ભરાઈ ગયા છે. હાલ એક ફૂટે ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. દ્વારકા જિલ્લામાં આ મોસમમાં સૌથી પહેલા સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh