Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં રોડ પર કોટાસ્ટોન પાથરવા અંગેના પ્રશ્ને વેપારી પર બે શખ્સનો હુમલો

રાત્રે ચાલતી કામગીરી બંધ કરવાનું કહેવા જતાં ફડાકા પડ્યા, લક્કી ખોવાઈ ગઈઃ

ખંભાળિયા તા. ર૭: ખંભાળિયાના નગરનાકાથી રામમંદિર સુધી રોડ પર કોટાસ્ટોન પાથરવાનું કામ શરૂ થયું છે. તેના પગલે આ વિસ્તારના દુકાનદારોએ રસ્તો ઉંચો થઈ જવાથી ચોમાસામાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જવાની આશંકા વ્યક્ત કરી નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. તે દરમિયાન બુધવારે રાત્રે તે વિસ્તારમાં કામ શરૂ કરાતા ત્યાં દોડી ગયેલા એક અગ્રણીએ કામ બંધ કરવા વિનંતી કરી હતી ત્યારે ત્યાં ધસી આવેલા બે શખ્સે આ પ્રૌઢ સાથે બોલાચાલી કરી હતી અને એક શખ્સે બે ફડાકા ઝીંકી દીધા હતા. પડી ગયેલા પ્રૌઢની સોનાની લકકી ખોવાઈ ગઈ છે. પોલીસમાં બે વ્યક્તિ સામે ફરિયાદ કરાઈ છે.

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા તાજેતરમાં નગર ગેઈટ પાસેથી રામમંદિર સુધી સીસી રોડ કે ડામર રોડ બનાવવાને બદલે કોટાસ્ટોન પાથરવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેની સામે સ્થાનિક ૫૦-૬૦ દુકાનદારો દ્વારા વિરોધ વ્યક્ત કરી નગરપાલિકાને આવેદન અપાયું હતું.

તે રસ્તા પર કોટાસ્ટોન પાથરવાથી રસ્તો લીસો બનવા ઉપરાંત અકસ્માત  સર્જાય તેવી શક્યતા ઉભી થઈ છે અને કોટા સ્ટોન નાખવાથી રસ્તો ઉંચો થઈ જવાના કારણે ચોમાસા દરમિયાન ત્યાં ભરાતું વરસાદી પાણી આજુબાજુની દુકાનોમાં પણ ઘૂસી જવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.

ચોમાસામાં ત્યાંના અમૂક વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જાય છે તે બાબતે રાજડા રોડ પર શાક માર્કેટ નજીક રહેતા અને નગરપાલિકા સદસ્ય તથા પૂર્વ પાલિકા શાસક પક્ષ નેતા અને સોની સમાજના અગ્રણી દિલીપભાઈ મનસુખલાલ ઘઘડાને વેપારીઓએ બુધવારે રાત્રે ત્યાં કોટાસ્ટોન નાખવાનું કામ થઈ રહ્યું છે તેવી જાણ કરતા તેઓ રાત્રે ત્યાં કામ ચાલુ હતું ત્યાં જઈ કામ બંધ કરવા કહેતા ત્યાં હાજર એન્જિનિયરે ફોન મારફત હાર્દિક મોટાણી અને કરણ વિષ્ણુભાઈ જોષી નામના વ્યક્તિઓ દોડી ગયા હતા. તેઓને દિલીપભાઈએ હાલમાં કામ બંધ રાખવા અને નગરપાલિકા સમક્ષ કરાયેલી રજૂઆતનો અંત આવે તે પછી કામ શરૂ કરવાનું કહેતા મામલો બિચક્યો હતો.

તે પછી હાર્દિક મોટાણીએ ઉશ્કેરાઈ જઈને દિલીપભાઈને બે ફડાકા ઝીંકી દીધા હતા. જેના પગલે આ પ્રૌઢ પડી ગયા હતા અને તેમના હાથમાંથી સોનાની લક્કી ક્યાંક પડી ગઈ હતી. હાર્દિક સાથે રહેલા કરણ જોષીએ ગાળો ભાંડી દિલીપભાઈના સમગ્ર સમાજને પણ ભાંડ્યો હતો અને મારી નાખવા ધમકી આપી હતી.

ઉપરોક્ત મામલો પોલીસ મથક સુધી પહોંચતા બે અગ્રણી ફરિયાદ ન થાય તે માટે પહોંચ્યા હતા. માફામાફી થયા પછી સમાધાનનું સ્ટેજ તૈયાર થયું હતું પરંતુ તે પછી કોઈ કારણે સમાધાન પડી ભાંગતા ગઈકાલે સાંજે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં દિલીપભાઈ ઘઘડાએ ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદના મામલે નગરપાલિકાના વર્તુળોમાં ચર્ચાતી વિગત મુજબ ઉપરોક્ત સ્થળે કોટાસ્ટોન પાથરવાનું કામ મંંજૂર કરાયું છે, અગાઉ સામાન્ય સભામાં તે બાબતનો ઠરાવ કરીને કામ શરૂ કરાયું હતું જેની દરેક સભ્યોને જાણ પણ હતી. જેમની સામે ધમકી આપ્યાની તથા સમાજને અપમાનિત કરાયાની ફરિયાદ કરાઈ છે. તેઓ આ બનાવ વેળાએ ત્યાંથી પસાર થતાં હતા અને બબાલ જોઈને સમજાવટ કરવા ગયા ત્યારે તેમની સામે પણ ફરિયાદ થઈ છે. પીએસઆઈ એમ.એચ. ચૌહાણે તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh