Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અર્થનીતિ અને રાજનીતિના સંગમ સમા
નવી દિલ્હી તા. ર૭: પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘનું ગઈ રાતે ૯-પ૧ વાગ્યે દુઃખદ નિધન થયું છે. દેશના છેલ્લા એવા વડાપ્રધાનના જીવન બાબતે જેમનો આઝાદી પહેલા જન્મ થયો હતો અને તેમણે કેવી રીતે ભારતને અનેક મોટા આર્થિક સંકટોથી મુક્ત કરાવ્યું છે, તેઓના જીવનકવન પર એક દૃષ્ટિપાત કરીએ તો ડો. મનમોહન સિંઘનો રાજકીય કાર્યકાળ ૩૩ વર્ષ લાંબો હતો. ભારતમાં આર્થિક સુધારાના નાયક હતાં. તેઓ એક કુશળ રાજનેતા હોવાની સાથે વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક હતાં. તેઓ ભારતના નાણાપ્રધાન અને નાણા સચિવ, રિઝર્વ બેંકના ગવર્નર પણ રહી ચૂક્યા હતાં. આવા મહાન અર્થશાસ્ત્રીએ ભારત જેવા વિકાસશીલ દેશને વિશ્વની હરોળમાં લાવવા આર્થિક ઉદારીકરણ લાવી દેશને મજબૂત બનાવ્યો. તેઓ ભારતના અર્થવ્યવસ્થાને મજબૂત કરનાર અને ગ્લોબલાઈઝેશન અને આર્થિક ઉદારીકરણના પ્રણેતા લગભગ ૧૯૯૧ થી ફાઈનાન્સ મિનિસ્ટરથી ર૦૧૪ સુધી દેશને આર્થિક મજબૂતાઈ આપવા ખૂબ મોટો ફાળો હતો.
દેશની અર્થવ્યવસ્થાને ૧૮ મી સદીથી ર૧ સદીમાં લઈ જનાર વડાપ્રધાન ર૦૦ર થી ર૦૦૪ માં રાજ્યસભાના વિપક્ષ નેતા હતાં. ભારતના ૧૪ મા કર્તવ્યયપરાયણતા, અભ્યાસુ વલણ, સરળતાથી બધાને ઉપલબ્ધ રહેવાનું વલણ, સતત પરિશ્રમની વળતી અને વ્યાવસાયિક સૂઝબૂઝ માટે તેમને યાદ કરવામાં આવે છે. અખંડ ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં ર૬ સપ્ટેમ્બર ૧૯૩ર ના તેમનો જન્મ થયો હતો. ડો. સિંઘે ૧૯૪૮ માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રીક પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી.
તેમની શૈક્ષણિક કારકિર્દીએ તેમને પંજાબથી બ્રિટનની કેમ્બ્રિઝ યુનિ. પહોંચાડ્યા હતાં. ૧૯પ૭ માં આ યુનિ.માંથી અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ વર્ગમાં ઓનર્સ ડીગ્રી મેળવી હતી. ૧૯૬ર માં ઓક્સફોર્ડ યુનિ.ની નુફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં ડી.ફિલ ડીગ્રી પ્રાપ્ત કરી હતી. પોતાના પુસ્તક 'ઈન્ડિયાસ એક્સપોર્ટ ટ્રેનડ્સ એન્ડ પ્રોસ્પેકટ્સ ફોર સેલ્ફ સસ્ટેઈન્ડ ગ્રોથ' (કલારેન્ડ્ન પ્રેસ, ઓક્સફોડ, ૧૯૬૪) માં તેમણે ભારતની આંતરલક્ષી (ઈનવર્ડ ઓરિએન્ટેડ) વેપાર-નીતિની આલોચના કરી હતી. પંજાબ યુનિવર્સિટી તેમજ પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ફેકલ્ટી તરીકે સેવા આપતા તેમની કારકિર્દીને નિખાર મળ્યો હતો.
આ વર્ષો દરમિયાન જ તેમણે ટૂંક સમય માટે 'અંકટાડ' મંત્રાલયમાં પણ સેવા આપી હતી. તેને પગલે જ ૧૯૮૭ થી ૧૯૯૦ દરમિયાન સૌથ કમિશન, જીનેવાના મહામંત્રીપદે તેમની નિમણૂક થઈ હતી. વર્ષ ૧૯૭૧ માં ડૉ. સિંઘ ભારત સરકારમાં વાણિજ્ય મંત્રાલયના આર્થિક સલાહકાર પદે જોડાયા હતાં. ૧૯૭ર માં તેમની નિમણૂક નાણામંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકારપદે થઈ હતી. ડૉ. મનમોહન સિંઘ નાણા મંત્રાલયના સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, પ્રધાનમંત્રીના સલાહકાર, યુજીસીના અધ્યક્ષ સહિતના મહત્ત્વના પદ સંભાળી ચૂક્યા છે.
સ્વતંત્ર ભારતના આર્થિક ઈતિહાસને વળાંક આપવાની ઘડીએ ૧૯૯૧ થી ૧૯૯૬ વચ્ચેના પાંચ વર્ષ દરમિયાન તેમણે ભારતના નાણામંત્રી પદે સેવા આપી હતી. આર્થિક સુધારાઓની સર્વાંગી નીતિને અમલી બનાવવામાં રહેલી તેમની ભૂમિકાને વિશ્વભરમાં માન્યતા મળેલી છે.
ભારતનો આ સમયગાળો ડો. સિંહ સાથે સંકળાયેલો રહ્યો હતો. પોતાની જાહેર કારકિર્દી દરમિયાન ડો. સિંઘને અનેક એવોર્ડ અને સન્માન મળ્યા છે. ભારતના દ્વિતીય ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ (૧૯૮૭) થી પણ તેમને સન્માનવામાં આવ્યા હતાં. તે ઉપરાંત ઈન્ડિયન સાયન્સ કાર્ગેસ દ્વારા તેઓને જવાહરલાલ નહેરૂ બર્થ સેન્ટેનરી એવોર્ડ (૧૯૯પ), યુરો મની દ્વારા ફાયનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (૧૯૯૩ અને ૧૯૯૪), કેમ્બિંઝ યુનિવર્સિટી દ્વારા એડમ સ્મિથ પ્રાઈઝ (૧૯પ૬), કેમ્બ્રિઝ સેન્ટ જોન કોલેજમાં ઉત્કૃષ્ઠ કામગીરી માટે રાઈટ પ્રાઈઝ (૧૯૯પ) વગેરે સન્માનથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં. જાપાનના નોન કેઈલાઈ શિમબુન સંગઠન સહિતના અનેક સંગઠન તેમને સન્માની ચૂક્યા છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિઝ અને ઓક્સફોર્ડ સહિતની અનેક યુનિવર્સિટી દ્વારા તેમને ઓનરરી ડીગ્રીઓ પ્રાપ્ત થઈ ચૂકી છે.
અનેક આંતરરાષ્ટ્રીય પરિષદો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ૧૯૯૩ માં તેમણે સાયપ્રસમાં મળેલા કોમનવેલ્થ હેડ ઓફ ગવર્નમેન્ટ બેઠકમાં ભારતના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું. ૧૯૯૩ માં વિયેનામાં મળેલી હ્યુમન રાઈટ્સ કોન્ફરન્સમાં પણ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું. ડો. િંહની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો ૧૯૯૧ થી તેઓ રાજ્યસભાનું સભ્યપદ ધરાવતા હતાં. ૧૯૯૮ અને ર૦૦૪ માં તેઓએ રાજ્યસભામાં વિરોધપક્ષના નેતાનું પદ પણ સંભાળ્યું હતું.
વર્ષ ર૦૦૪ ની સામાન્ય ચૂંટણીઓ પછી રર મી મે ના ડો. મનમોહનસિંઘે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતાં. રર મે ર૦૦૯ ના બીજી મુદ્ત માટે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતાં. ડો. સિંઘ અને તેમના શ્રીમતી ગુરુશરણ કૌરને ત્રણ દીકરીઓ છે. એમ પણ કહી શકાય કે ડો. મનમોહન સિંઘ અર્થનીતિ અને રાજનીતિના અદ્ભુત સંગમસમા હતાં.
ડો. મનમોહનસિંઘે રર મે ર૦૦૪ ના દિવસે ભારતના વડાપ્રધાનના રૂપે શપથ લીધા હતાં અને તેમનો કાર્યકાળ ૩૬પ૬ દિવસ સુધી ચાલ્યો. ર૬ મે ર૦૧૪ ના દિવસે તેમનો કાર્યકાળ ખતમ થયો હતો. આમી મનમોહનસિંઘે સરકારી સેવામાં એક લાંબી અને શાનદાર કારકિર્દી રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial