Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રિય કેબિનેટમાં શોક પ્રસ્તાવ પસાર કરી શ્રદ્ધાંજલિ અપાઈઃ દેશ માટે આપેલા યોગદાનને યાદ કરાયું: દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
નવી દિલ્હી તા. ર૭: ગઈરાત્રે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘનું નિધન થયા પછી આજે તેઓના પાર્થિવ દેહના દર્શન કરી પરિવારને સાંત્વના આપવા વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી, મંત્રીમંડળના સભ્યો, કોંગ્રેસ પ્રમુખ ખડગે, રાહુલ ગાંધી, વિવિધ પક્ષોના વડાઓ પહોંચ્યા હતાં. સદ્ગતના માનમાં ૭ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. આવતીકાલે રાષ્ટ્રીય સન્માન સાથે તેઓના અંતિમ સંસ્કાર કરશે કોંગ્રેસના તમામ સત્તાવાર કાર્યક્રમો રદ્ કરાયા છે કેન્દ્રિય કેબિનેટે શોકઠરાવ પસાર કર્યો છે.
પૂર્વ વડાપ્રધાન અને ભારતના આર્થિક સુધારાના જનક ડૉ. મનમોહન સિંઘનું ગુરુવારે રાત્રે દિલ્હી એમ્સમાં નિધન થયું હતું. તેમના નિધન પર કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડો. મનમોહન સિંઘના અંતિમ સંસ્કાર શનિવારે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારે નિર્ધારીત તમામ સરકારી કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા છે. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આજે પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને દેશ માટે તેઓના યોગદાનને બિરદાવ્યું હતું.
મનમોહન સિંઘના નિધન પછી સમગ્ર દેશ શોકમાં ડૂબ્યો છે. આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી, અને પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી પરિવારજનોને સાંત્વના આપી હતી.
ડૉ. મનમોહન સિંઘ વડાપ્રધાન રહી ચૂક્યા હોવાથી તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. મનમોહન સિંઘ અંતિમ સંસ્કાર શનિવારે એટલે કે ર૮ ડિસેમ્બરે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આનો અર્થ એ છે કે ર૬ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી શોક રહેશે.
કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘના સન્માનમાં સાત દિવસ માટે તેના તમામ સત્તાવાર કાર્યક્રમો રદ્ કર્યા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને બેલગાવીથી પરત ફરેલા રાહુલ ગાંધી પૂર્વ પીએમ ડો. મનમોહન સિંઘના નિવાસ-સ્થાને પહોંચ્યા હતાં. ગુરુવારે રાત્રે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના નિધન પછી કોંગ્રેસે જાહેરાત કરી કે તેણે શુક્રવારે કર્ણાટકના બેલગાવમાં યોજાનારી રેલીને રદ્ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બેલગાવથી પરતફર્યા હતાં, અને દિલ્હી પહોંચ્યા હતાં.
કોઈપણ પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કારમાં રાજ્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. કોઈપણ પૂર્વ વડાપ્રધાનના મૃત્યુ પર અંતિમ સંસ્કાર પહેલા તેમના પાર્થિવ શરીરને ભારતના રાષ્ટ્રીય ધ્વજ એટલે કે ત્રિરંગામાં લપેટવામાં આવે છે તેમજ અંતિમ સંસ્કાર સમયે તેમને ર૧ તોપોની સલામી આપવામાં આવે છે. એટલું જ નહીં, પૂર્વ વડાપ્રધાનના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મનમોહનસિંઘના નિધન પર સાત દિવસના શોકની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી માસ્ટ પર રહેશે. રાષ્ટ્રીય શોક દરમિયાન કોઈ ઉજવણી કે જાહેર કાર્યક્રમો થશે નહીં. અંતિમ દર્શન માટે પ્રોટોકલ મુજબ અંતિમ વિદાય પણ આપવામાં આવે છે.