Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિયન કોસ્ટગાર્ડે અણીના સમયે પહોંચી જઈ હાથ ધર્યું રેસ્ક્યુઃ
સલાયા તા.૨૭ : સલાયાથી કચ્છના મુંદ્રા બંદરે માલ ભરવા માટે ગયેલુ સલાયાના એક આસામીનું યાંત્રીક સઢવાળું તાજદર-એ-હરમ નામનું માલવાહક વહાણ મંગળવારે યમન જવા નીકળ્યા પછી મધદરિયે ખરાબ હવામાનના કારણે ડુંગર જેવડા ઉછળી રહેલા મોજામાં ફસાયું હતું. તે વહાણને તોફાનમાંથી બહાર કાઢવા ટંડેલ સહિતના ખલાસીઓએ પ્રયાસો શરૂ કર્યા તે દરમિયાન વહાણનું એન્જિન ફેઈલ થયું હતું અને વહાણમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું. તે વહાણના નવેય ખલાસીએ નજર સામે મોત ભાળ્યું હતું પરંતુ સેટેલાઈટ ફોને તમામના જીવ બચાવ્યા છે. તાત્કાલિક થઈ ગયેલા સંપર્કના કારણે કોસ્ટગાર્ડનું જહાજ બચાવ કામગીરી માટે પહોંચ્યું હતું. તેના ક્રુ-મેમ્બર્સે પાકિસ્તાન મેરીટાઈમ બોર્ડના સહયોગથી પોરબંદરના દરિયામાં ૩૧૧ નોટીકલ માઈલ દૂર પહોંચી તમામ ખલાસીઓને બચાવી લીધા હતા. તે પછી તરત જ વહાણે જળસમાધી લીધી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયામાં વસવાટ કરતા મુસ્તાક અહમદભાઈ સુંભણીયા નામના આસામીનું તાજદર એ હરમ નામનું બીડીઆઈ-૧૩૨૨ નંબરવાળુ માલવાહક વહાણ મંગળવારે કચ્છના મુંદ્રા બંદર પરથી સામાન ભરીને યમનના સોકોત્રા બંદર પર જવા નીકળ્યું હતું. જેમાં ટંડેલ સહિત નવ ખલાસી રવાના થયા હતા.
ગઈકાલે ઉપરોક્ત વહાણ મધદરિયે હતું ત્યારે હવામાન બગડવાના કારણે ફસાયું હતું. તે વહાણને ઓમાનના દરિયા કાંઠે લઈ જવાની તજવીજ શરૂ કરાઈ હતી પરંતુ ખરાબ હવામાનના કારણે તે વહાણ આગળ વધી શકતું ન હતું. આથી વહાણને પાછું વાળુ લઈ મુંદ્રા બંદર તરફ આગળ ધપાવવા ટંડેલે પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં આ વહાણનું એન્જિન કામ કરતું બંધ થઈ ગયંુ હતું. જેના કારણે આ વહાણના ખલાસીઓમાં ચિંતા પ્રસરી હતી.
તે દરમિયાન દરિયામાં ઉથળી રહેલા મોજાના કારણે વહાણમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું. જેના પગલે ટંડેલ આફતાબ અબ્દુલસકુર કેર, બાઉદ્દીન ઈશા મોદી, ફૈઝલ એલિયાશ કેર, હૈદરઅલી અબ્દુલરહીમ કેર, ઈમરાન હારૂન સેતા, સાલેમામદ ઉમર કેર, યાસીન મામદ સેતા, આરંભડાના ઈમરાન હુસેન જગતીયા અને જામનગરના બેડીના જુનસ કાસમ કકલ નામના ખલાસીઓના જીવ પડીકે બંધાયા હતા. ટંડેલ આફતાબ કેરે સેટેલાઈટ ફોન વડે ઈન્ડિયન સૈલીંગ વેસલ્સ એસોસિએશનના મંત્રી આદમ ભાયાનો સંપર્ક કર્યાે હતો. તેઓએ ઈ-મેઈલથી મેરીટાઈમ રેસ્ક્યુ કો-ઓર્ડીનેશન-મુુંબઈને જાણ કરી હતી અને અન્ય સંબંધિત તંત્રને આ વહાણ મધ દરિયે તોફાનમાં અટવાયું છે, તેને તાકીદે મદદની જરૂર છે. તેવી વિગતો પહોંચાડી હતી.
ઉપરોક્ત વિગતના પગલે ઈન્ડિયન કોસ્ટગાર્ડનું શૂર જહાજ મધદરિયે બચાવ કામગીરી માટે રવાના થયું હતું અને મુંબઈ તેમજ ગાંધીનગર આઈસીજી રીજિયોનલ હેડ કવાર્ટર (ઉત્તર-પશ્ચિમ)ને પણ વહાણ ડૂબી રહ્યાની વિગતો અપાતા પેટ્રોલિંગ કરી રહેલા કોસ્ટગાર્ડના શૂર જહાજને બનતી ત્વરાએ પહોંચી જવા તાકીદ કરાઈ હતી.
બને તેટલી ઝડપથી કોસ્ટગાર્ડનું આ જહાજ તાજદર એ હરમ નામના યાંત્રીક સઢ વાળા જહાજ સુધી પહોંચી જવા ઉતાવળુ બન્યું હતું. તે પછી ડૂબી રહેલા વહાણમાં સવાર નવ ખલાસીઓ મદદની આશા વચ્ચે જીવ બચાવવા દરિયામાં કૂદી જવાની પળો ગણી રહ્યા હતા ત્યારે જ મદદ આવી પહોંચી હતી. શૂર જહાજમાંથી ફેંકવામાં આવેલા લાઈફ રાફ્ટમાં તાજદર એ હરમ વહાણના દરિયામાં કૂદેલા નવેય ખલાસીએ આશરો મેળવ્યો હતો અને લાઈફ જેકેટના સહયોગથી તમામ ખલાસીઓને શૂર જહાજમાં લઈ લેવામાં આવ્યા હતા અને તે પછી ગણતરીની મિનિટોમાં તાજદર એ હરમે દરિયામાં સમાધી લઈ લીધી હતી.
શૂર જહાજમાં રહેલી તબીબી ટુકડીએ ખલાસીઓની ચકાસણી કરવા ઉપરાંત તે જહાજના ક્રુ-મેમ્બરોએ કોસ્ટગાર્ડ સહિતના સંબંધિત તંત્રોને ઉપરોક્ત વહાણ ડૂબી ગયાની અને તમામ ખલાસીને બચાવી લેવાયાનું જણાવ્યું હતું.
સલાયાનું ઉપરોક્ત વહાણ ડૂબી ગયાના અહેવાલ સલાયા સુધી પહોંચતા વહાણના માલિકના પરિવાર તેમજ આ વહાણમાં ખલાસી તરીકે રહેલા વ્યક્તિઓના પરિવારોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી પરંતુ કોસ્ટગાર્ડે પોરબંદરના દરિયામાં ૩૧૧ નોટીકલ માઈલ દૂર ડૂબેલા આ વહાણના તમામ ખલાસીઓને બચાવી લીધાનું જાણવા મળતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ઉપરોક્ત રેસ્ક્યુ કામગીરીમાં શૂર જહાજમાં રહેલા ક્રુ-મેમ્બર્સે મુંબઈના મેરીટાઈમ સેન્ટર્સની મધ્યસ્થીથી પાકિસ્તાનના કરાચી સ્થિત મેરીટાઈમ સેન્ટર પાસે સહયોગ માંગ્યો હતો. જેના પગલે પાકિસ્તાનની મેરી ટાઈમ બોર્ડની ટીમ પણ રેસ્ક્યુમાં સાથે રહી હતી. ડુબી રહેલા વહાણના ટંડેલે જ્યારે પોતાના વહાણમાં એન્જિન ફેઈલ થયાનું અને વહાણમાં પાણી ભરાવવાનું શરૂ થયાનું ફોનના માધ્યમથી જણાવ્યું તે પછી તરત જ ઈન્ડિયન કોસ્ટગાર્ડના પેટ્રોલિંગમાં રહેલા શૂર જહાજને તે તરફ વાળી લેવા અને સર્ચ ઓપરેશન હાથ ધરી ડૂબી રહેલા વહાણને શોધવા તથા તેના ખલાસીઓને રેસ્ક્યુ કરવાની સૂચના મળી ચૂકી હતી. જેના પગલે શૂર જહાજે પોરબંદરથી અંદાજે ૩૧૧ નોટીકલ માઈલ દૂર ડૂબી રહેલા વહાણના સગડ શોધી કાઢી તેના તમામ ખલાસીઓને ઉગારી લીધા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial