Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈજનેરના ખુલાસા પછી પણ અનેક સવાલો અદ્ધરતાલઃ
જામનગર તા. ર૭: જામનગર મહાનગરપાલિકા દ્વારા ટાઉનહોલના રીનોવેશનના ખર્ચનો મામલો સમગ્ર શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની રહ્યો છે.
પ્રજાના નાણામાંથી રૂપિયા સાત કરોડનો ખર્ચ થયો અને રીનોવેશનના કામના ખર્ચનો હિસાબ (ઉપરછલ્લો) મનપાના જવાબદાર ઈજનેર/અધિકારીએ આપવો પડ્યો છે, પણ આ હિસાબની વિગતો જાણે શાસકો અને કોન્ટ્રાક્ટરનો બચાવ કરવા માટે જ રજૂ કરવામાં આવી હોય તેમ જણાય છે અને તેમાં પણ અનેક સવાલો તો અનઉત્તર જ રહ્યા છે.
મનપા તંત્ર કોઈપણ કામ માટેના ટેન્ડર બહાર પાડે ત્યારે તેમાં જીણામાં જીણી વિગતો સાથે શું કામ કરવાનું છે તેની વિગતો હોય છે અને તે મુજબ તેનો અંદાજિત ખર્ચ નક્કી કરી આવેલા ભાવ અંગે નિર્ણય કરી જે તે પાર્ટી, એજન્સી, કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવે છે, અર્થાત્ ટેન્ડરમાં જે કામ કરવાનું હોય છે તે ટેન્ડરની શરતો-નિયમો મુજબ પૂર્ણ કરવાનું હોય છે. તો પછી અહીં પ્રશ્ન ઊભો થાય છે કે હિસાબમાં સાહેબે જે જે કામ દર્શાવી ખર્ચ બતાવ્યો છે તે કામ ટેન્ડરમાં નહોતા દર્શાવ્યા? જો દર્શાવ્યા હતાં તો તેમાં આટલો બધો(લગભગ ડબલ) વધારો શા માટે થયો? કન્સલ્ટન્ટે ડિઝાઈન, એસ્ટીમેટ બનાવ્યા ત્યારે નવા દર્શાવેલા હિસાબ મુજબના કામો કેમ ધ્યાને ન આવ્યા? પાછળથી વધુ કિંમતના સાધનો કે વધુ તોડપાડ-કન્સ્ટ્રક્શનની વિગતોના કામ કરવા પડ્યા?
આમેય મનપાના શાસકોને હવે કોઈપણ નાનું-મોટું કામ હોય, કામ ચાલુ થાય કે તરત જ તેમાં મનસ્વીરીતે કામ કરવા અને સીધો ફાયદો થાય તે રીતે ભાવ વધારો કરી દેવાની એક નવી જ પ્રણામી પ્રસ્થાપિત કરી દેવામાં આવી છે? (શા માટે?)
આ વધારાના ખર્ચ માટે વળી એવો ખુલાસો કરવામાં આવ્યો કે એક ત્રાહિત વ્યક્તિ અને અધિકારીઓએ રાજકોટ-અમદાવાદના ઓડીટોરિયમની મુલાકાત લઈ જામનગરના ટાઉનહોલના કામમાં સુધારા-વધારા સૂચવ્યા, તો પછી પ્રશ્ન એ થાય છે કે ડિઝાઈન, એસ્ટીમેટ તથા સાઉન્ડસિસ્ટમ માટે કન્સલ્ટન્ટે રિપોર્ટ કર્યો તે પહેલા અન્ય શહેરોના ઓડીટોરિયમની સુવિધાઓ કેમ ધ્યાને લેવામાં ન આવી? કન્સલ્ટન્ટને સેની ફી ચૂકવવામાં આવે છે?
સાઉન્ડ સિસ્ટમનો ખર્ચ રૂ. પોણાબે કરોડ જેવો દર્શાવાયો છે, તો ટેન્ડરમાં કેટલા રૂપિયાની સાઉન્ડ સિસ્ટમનો ઉલ્લેખ હતો? આ ઉપરાંત છત તોડવી પડી, તેવું જણાવાયું છે તો કન્સલ્ટન અન્ય ઈજનેરોને જુના ટાઉનહોલની છત બદલાવવી પડશે તેની ખબર ન હતી?
કન્સ્ટ્રક્શનનો રૂ. ત્રણ કરોડનો ખર્ચ પણ શંકાસ્પદ છે. બે-ચાર નવા દાદરા કરવા અને બીજી નાની મોટી કામગીરી કરવામાં આવી, પ્લાસ્ટર કરી રંગરોગાન કરી દેવાયું છે, તો શું આટલા કામનો ખર્ચ રૂપિયા ત્રણકરોડ થાય?
લાઈટીંગ, લગાડેલા ચિત્રો વગેરેની શરતો શું રૂપિયા ૪ કરોડના ટેન્ડરમાં ન હતી? પેવર બ્લોક નાખવા, ઓડીટોરિયમમાં કારપેટ પાથરવી, ખુરશીઓ બદલાઈ વગેરે તમામ બાબતોની પરિપૂર્તિ કરવાનું કામ રૂપિયા ૪ કરોડના ટેન્ડરમાં દર્શાવાયું ન હતું.
જો આ તમામ બાબતો કોન્ટ્રાક્ટરે કરવાની જ હતી તો રૂપિયા ૪ કરોડવાળો ખર્ચ રૂ. ૭ કરોડ સુધી કેવી રીતે પહોંચી ગયો? અને આ વધારાના ખર્ચ માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા કે સ્થાયી સમિતિ દ્વારા ક્યારે ક્યારે વધારાનો ખર્ચ મંજુર કર્યો? આવી કોઈપણ મંજુરી વગર જ કામ પૂરૃં થયા પછી એક ધડાકે રૂપિયા ૩ કરોડનો વધારાનો ખર્ચ મંજુર થાય ત્યારે મહાનગરપાલિકાના સીધા જવાબદાર ઈજનેર, ઉચ્ચ અધિકારી સામે પણ શંકા જાગે તે સ્વાભાવિક છે. તેમજ શાસક પક્ષના હોદ્દેદારો, સ્થાયી સમિતિ સહિત સૌની શંકાસ્પદ અણઆવડત પણ જવાબદાર ગણી શકાય.
અત્યારે તો સમગ્ર શહેરમાં ટાઉનહોલ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. તેના રીનોવેશન પછી પણ ટિકિટબારી કે કેન્ટીનની કોઈ સુવિધા નહીં હોવાની ટીકા પણ થઈ રહી છે.
રાજ્ય સરકારે આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરી જવાબદારો સામે પ્રજાના નાણાના ભ્રષ્ટાચારથી ખરડાયેલા બેફામ ખર્ચ અંગે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂર છે અને મનપા તંત્રના લૂલા(!) ખુલાસાથી આ પ્રકરણને ભીનું સંકેલી લેવાનો કારસો કરનારાને પાઠ ભણાવવાની જરૂર છે. નહીંતર બેલગામ 'વહીવટી'ને પાંખો મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial