Advertisement
Author: નોબત સમાચાર

ભાજપ પરસોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ પાછી લઈ લ્યેઃ રાજપૂત સમાજનો રોષ

રૂપાલાએ માંગેલી માફીને અપૂરતી ગણાવી જામનગર રાજપૂત સમાજની આક્રોશ સાથે એક જ માંગણી

જામનગર તા. ર૮: ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના જાહેરમાં કરાયેલા ઉચ્ચારણો સામે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઉગ્ર વિરોધ વંટોળ ઉભો થયો છે.

જામનગરમાં આજે રાજપૂત સેવા સમાજના સભાખંડમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો, ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને રૂપાલા સામે ઉગ્ર વિરોધ સાથે જય ભવાની ના નારા લગાવવામાં આવ્યા હતાં.

આ તકે રાજપૂત સમાજના આગેવાનોએ યોજેલી પત્રકાર પરિષદમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા હાલાર કરણી સેનાના પ્રભારી કાન્તુભા જાડેજાએ ઉગ્ર આક્રોશ વ્યકત કરતા પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલા એક શિક્ષક હતા, માથે ધોળા વાળ આવી ગયા છે, પીઢ નેતા છે ત્યારે તેમના મોઢેથી ક્ષત્રિય સમાજનું અપમાન થાય ક્ષત્રિય સમાજની લાગણીને ભયંકર ઠેસ પહોંચે તેવા ઉચ્ચારણો શોભતા નથી.

કાંતુભાએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજ દ્વારા કોઈપણ સંજોગોમાં સહન નહીં કરાય. પરસોત્તમ રૂપાલાને ભાન નથી કે રાજપૂત સમાજમાં શું છે ? કાન્તુભાએ તો ઉગ્ર શબ્દોમાં તુકારા સાથે સંબોધન કરી જણાવ્યું કે પરસોત્તમ તારા સમાજના પાળીયા તો બતાવ...! અમારા રાજપૂત સમાજે આપેલા પાળીયા-બલિદાનો બોલે છે.

રાજપૂત સમાજના આ ઉગ્ર વિરોધમાં માત્ર રાજપૂત સમાજ નહીં પણ અઢારે વર્ણના લોકોનો સાથ મળી રહ્યો છે. રાજપૂત સમાજ તમામ વર્ગ/જ્ઞાતિ/સમાજને સાથે લઈને પરસોત્તમ રૂપાલા સામે વિરોધ ચાલુ રાખશે. રૂપાલાએ માફી માંગી લીધી તેનાથી સમાજને કોઈ સંતોષ નથી. ભાજપની નેતાગીરી પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી લઈ લ્યે તેવી અમારી માંગણી છે.

જો ભાજપની નેતાગીરી રાજપૂત સમાજની લાગણી-માંગણીને ધ્યાને નહીં લ્યે તો તેની અસર માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં પડશે અને ભાજપને લોકસભાની ચૂંટણીમાં મોટું નુકસાન સહન કરવું પડશે.

પરસોત્તમ રૂપાલા સામે વિરોધ પ્રદર્શન માટે આવતા દિવસોમાં ક્ષત્રિય સમાજના સંમેલનો-મિટિંગો યોજાશે અને લોકશાહી ઢબે મતાધિકારના હથિયારથી ભાજપને રાજપૂત શક્તિનો પરચો દેખાડવામાં આવશે.

આ તકે ઉપસ્થિત ક્ષત્રિય સમાજના લોકોએ જય ભવાનીના નારા સાથે આગેવાનોના વકતવ્યને વધાવી લઈ આક્રોશ વ્યકત કર્યો હતો.

ભાજપના આગેવાન વિરૂદ્ધનો કાર્યક્રમ હોવાથી સ્વાભાવિક૫ણે જ રાજપૂત સમાજના ભાજપ સાથે જોડાયેલા આગેવાનો ગેરહાજર રહ્યા હતાં. જો કે ઉપસ્થિત આગેવાનોએ એવો સુર વ્યકત કર્યો હતો કે આ સમયે પક્ષાપક્ષીને સાઈડમાં રાખીને કોઈપણ પક્ષના હોય, રાજપૂત સમાજે એકતાની તાકાત બતાવી દેવી જોઈએ.

મારા માટે મારો સમાજ પહેલા, પાર્ટી પછીઃ જયદીપસિંહ ઝાલા

પત્રકારો સમક્ષ ભાજપ શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ અને રાજપૂત સમાજના યુવા આગેવાન જગદીપસિંહ ઝાલાએ રોષ સાથે પરસોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ અંગેના અભદ્ર વાણી વિલાસનો વિરોધ કરી જણાવ્યું હતું કે, મારા માટે મારો રાજપૂત સમાજ અને તેનું ગૌરવ પહેલા છે, રાજકીય પક્ષ પછી છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ કાપી નાંખે નહીંતર ભાજપને ચૂંટણીમાં મોટા નુકસાનની તૈયારી રાખવી પડશે.

વિડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો: 

https://youtu.be/TTt25MdaMoo?si=MDd0cBERshZi3CHj

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh