Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીરાના ખેતરમાં બકરા ઘૂસી જવાના મામલે બે જૂથ વચ્ચે બોલી ગઈ બઘડાટીઃ
જામનગર તા. ૨૯ઃ ધ્રોલમાં મેમણ જમાતના કબ્રસ્તાનમાં એક કબર પાસેથી રોડ બનાવવાના મુદ્દે વેપારીને ધમકી આપવામાં આવી હતી. નવાગામ ઘેડમાં દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા નાનાભાઈએ સગા મોટાભાઈને છરી હુલાવવાનો પ્રયાસ કર્યાે હતો. ધ્રોલમાં જીરાના ખેતરમાં બકરા ઘૂસી જવાના મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જ્યારે ઉઘરાણીના પ્રશ્ને રવિપાર્કમાં એક યુવાનને ધોકાવી નખાયો હતો. મિત્રની માથાકૂટમાં એક યુવકને માર પડ્યો હતો.
ધ્રોલ શહેરના મેમણ ચોકમાં રહેતા ફિરોઝ અબ્દુલરઝાક નાગાણી નામના વે૫ારીએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં યાકુબ અબ્દુલ ડોસાણી તથા આદમ સતાર ડોસાણીના બે છોકરા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ગુરૂવારે બપોરે જોડીયા નાકા પાસે આવેલા મેમણજમાતના કબ્રસ્તાનમાં ઘૂસી ગયેલા ઉપરોક્ત શખ્સોએ પેવર બ્લોક તથા ત્યાં લગાવવામાં આવેલી ઈંટો તોડી નાખ્યા હતા.
આ શખ્સોએ તેમના સંબંધીની કબરની બાજુમાં રોડ બનાવવાની બાબતે બોલાચાલી કરી ઉપરોક્ત નુકસાન સર્જયું હતું. ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.
જામનગરના નવાગામ ઘેડમાં આવેલી માડમફળીમાં રહેતા આનંદભાઈ ઘેલુભાઈ માડમે પોતાના સગા ભાઈ મયુર ઉર્ફે ધર્મેન્દ્ર ઘેલુભાઈ માડમ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ શુક્રવારે રાત્રે આઠેક વાગ્યે ઘરમાં આવેલા મયુર ઉર્ફે ધર્મેન્દ્ર માડમે દારૂ પીવા માટે આનંદભાઈની ભત્રીજી ઐશ્વર્યા પાસે પૈસા માંગ્યા હતા. તેને પૈસા આપવાની ના પાડવામાં આવતા મયુરે ગાળો ભાંડી હતી. તેથી મોટાભાઈ આનંદ માડમે ગાળો બોલવાની ના પાડતા ઘરમાં જઈને છરી લઈ આવી મયુરે મોટાભાઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો તેથી આનંદ માડમે પોલીસને ફોન કર્યો હતો. દોડી આવેલી પોલીસ ટૂકડીએ મયુરની નશાની હાલતમાં અટકાયત કરી તેને પોલીસ મથકે ખસેડ્યો હતો. તે પછી આનંદે પોતાના ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
ગુલાબનગર વિસ્તારમાં આવેલા રવિ પાર્કમાં રહેતા ઈબ્રાહીમ અકબરભાઈ વાઘેર ઉર્ફે જોન નામના યુવાન ગુરુવારની રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં આવેલા ઇમરાન ખેરાણી, કાસમ ખેરાણી, જશો ઉર્ફે જાવેદ નામના ત્રણ શખ્સે બહાર બોલાવી રૂપિયા ૨૦૦૦ની માંગણી કરી હતી. આ વેળાએ ઈબ્રાહીમે જે પૈસા બાકી હતા તે આપી દીધા છે તેમ કહેતા ત્રણેય શખ્સોએ ઢીકાપાટુથી માર માર્યો હતો. આ વેળાએ ઇબ્રાહિમના પત્ની વચ્ચે પડતા આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારપછી હોસ્પિટલમાં સારવાર મેળવવા ગયેલા ઈબ્રાહીમને ટ્રોમા વોર્ડમાંથી બહાર બોલાવી કાસમ ખેરાણી તથા સમીર નામના શખ્સોએ ગાળો ભાંડી ફરીથી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ વેળાએ સેજમુન નામના શખ્સે પોતાની પાસે રહેલી છરી કાઢી ઈબ્રાહીમ પર હુમલો કર્યો હતો અને કમરમાં એક ઘા ઝીંકી દીધો હતો. લોહી લુહાણ બની ગયેલા ઈબ્રાહિમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ધ્રોલ શહેરમાં પાંજરાપોળ પાસે ખેતર ધરાવતા હિતેશભાઈ પુરષોત્તમભાઈ નકુમના ખેતરમાં તેઓએ જીરાનું વાવેતર કર્યું હતું. તે દરમિયાન ધ્રોલના લતીપર રોડ પર આવેલા દેવીપુજકવાસમાં રહેતા સંજય રાયધન વાઘેલા નામના શખ્સે પોતાના બકરા શુક્રવારે હિતેશભાઈના ખેતરમાં છુટા મૂકી દેતા બકરાએ ખેતરમાં ભેલાણ કર્યું હતું. તે બાબતે હિતેશભાઈએ સંજયને કહેતા ઉશ્કેરાયેલા સંજય તેમજ નાનજી સવજી વાઘેલા, કેશા નાનજી વાઘેલા, રાસુભાઈ વાઘેલા, દિનેશ વિરજી, હરજી નાનજીભાઈ વાઘેલા નામના શખ્સોએ ધોકા-પાઇપ તથા પથ્થર વડે હુમલો કરી હિતેશભાઈને માર માર્યો હતો તેવી ફરિયાદ કરાઈ છે.
તે ફરિયાદની સામે સંજય રાયધન વાઘેલાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે પાંચેક વાગ્યે તેઓ પોતાના બકરા ચરાવવા માટે ગામની સીમમાં ગયા ત્યારે બકરા નજીકમાં આવેલા હિતેશ પુરષોતમના જીરાના ખેતરમાં ઘૂસી ગયા હતા. તે બાબતે બોલાચાલી કર્યા પછી હિતેશ પરસોત્તમ, અશ્વિન રઘુભાઈ કણજારીયા, પરસોતમ અરજણભાઈ નકુમ, જેન્તીભાઈ લાલજીભાઈ નકુમ નામના ચાર શખ્સોેએ હુમલો કર્યો હતો. હુમલામાં સંજય. તથા તેના મોટા બાપુ નાનજીભાઈને વાંસાના ભાગે ફ્રેક્ચર થઈ ગયા હતા જ્યારે ફરિયાદીના ભાઈ હરજીને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. વચ્ચે પડનાર દિનેશને પણ મારવામાં આવ્યો હતો. પોલીસે બંને ફરિયાદ રજિસ્ટરે લઈ ગુન્હો નોંધ્યો છે.
જામનગર દિગ્જામ વુલન મિલ રોડ પર આવેલા ખેતીવાડી નજીકના સિદ્ધાર્થ નગરની શેરી નં.૨માં રહેતા સાગર રામજીભાઈ માંગલીયાના મિત્ર સંદીપ નાથાભાઈ ધવડને બે વર્ષ પહેલા યાદવનગરમાં રહેતા મોહિત કિશોરભાઈ આંબલીયા સાથે બોલાચાલી થઈ હતી. તે બાબતનું મનદુખ રાખી સંદીપના મિત્ર સાગરને ગુરૂવારની રાત્રે યાદવનગર પાસે રોકી લઇ મોહિત કિશોરભાઈ, દર્શન ભાટીયા, સુનિલ કરસન ભાટીયા, મયુર કરસન ભાટિયાએ ગાળો ભાંડી પાઈપ તથા વડે હુમલો કરી માર માર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial