Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાદ્ય સામગ્રીમાં જીવાતો, દેડકા, ગરોળી, વાંદા નીકળવાના બનાવોથી પણ લોકોમાં ચિંતા!
જામનગર તા. ૧૭: જામનગર શહેરમાં આમ જુઓ તો બારેમાસ મોટાભાગના વિસ્તારોમાં સફાઈના અભાવે ગંદકી-કચરાના ઢગલા, ઉકરડા જેવી સ્થિતિની ફરિયાદો ઊઠતી હોય છે. તેમાંય ચોમાસાની સિઝનમાં માર્ગો/શેરીઓના ખાડા, ખુલ્લી જગ્યાઓમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે. આમ સમગ્ર રીતે જામનગરમાં ગંદકી, પાણી ભરાયેલા ખાડા વગેરેના કારણે તાવ, શરદી, ઉધરસ, પેટના રોગો જેવો રોગચાળો તો ઓછી/વધુ માત્રામાં ફેલાયેલો જ રહે છે. પણ... તેમાં સૌથી ગંભીર મુદ્દો જાહેરમાં, હોટલો, રેસ્ટોરન્ટો, રેંકડીઓ, ખુમચાઓમાં વેચાતી અને ખવાતી ખાદ્ય સામગ્રીઓના કારણે પણ રોગચાળો ગમે ત્યારે વકરે છે, અને વ્યાપક તથા ગંભીરરૂપ ધારણ કરે છે. આ ખાણીપીણીવાળાઓની વાસી, અખાદ્ય વાનગીઓ અંગે દરકાર લેવામાં આવતી નથી. ભેળસેળવાળી ખાદ્ય સામગ્રી અંગે પણ સતત ચિંતા રહે તેવી રીતે ધંધા થઈ રહ્યા છે. હોટલો-રેસ્ટોરન્ટોમાં થોડા અપવાદો બાદ કરતા સ્વચ્છતા જાળવવાના પરિમાણો જળવાતા નથી. તેમાં ય ખુમચાવાળા કે અન્ય નાના ધંધાર્થીઓના અસ્વચ્છ હાથ, મેલ ભરેલા નખ, તેના હાથ લૂછવાના મસોતા તેમજ તેને બાવેલી ખાદ્ય સામગ્રીની આરોગ્ય વિષયક શુદ્ધતા જાળવવામાં બેદરકારીના કારણે ખાવાના શીખોનો માંદા ન પડે તો જ નવાઈ!
અત્યારના સંજોગોની વાત કરીએ તો છેલ્લા દોઢ-બે મહિનાથી સામાન્ય રોગના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. કમળો, કોલેરા તથા અન્ય રોગના દર્દીઓથી સરકારી હોસ્પિટલ, દવાખાના, ખાનગી હોસ્પિટલોમાં ભારે ભીડ જોવા મળે છે તેવા અહેવાલો અવારનવાર પ્રસિદ્ધ થઈ રહ્યા છે.
આ રોગચાળાના અહેવાલો તો ઠીક બાકી ઘરે ઘરે માંદગીના ખાટલા અને મોંઘીદાટ દવા/સારવારના કારણે જામનગરના મોટાભાગના બહારનું ચટાકેદાર વાનગીઓ ખાવાના શોખીનો અને તેમના પરિવારો હોટલ-રેસ્ટોરન્ટ કે રેંકડીઓ પર જતા ડરી રહ્યા છે. તેમાં ય ગરીબ, મધ્યમ અને નોકરિયાત વર્ગનો મોટો સમૂદાય બહારનું ખાવા પીવાથી દૂર થઈ રહ્યો છે. ખાણીપીણીના જાહેરમાં ધંધો કરનારાની આસપાસના સ્થળો પાસેની અસ્વચ્છતાથી પણ લોકો ત્યાં જતા સો વખત વિચારતા થયા છે. ડીસ્પોસેબલ ગ્લાસ, પ્લેટ, ચમચીના ઉપયોગ ક્યાંક જ થાય છે! બાકી જ્યાં આ વપરાયેલા વાસણોની સફાઈ થાય છે ત્યાં જો કોઈ જોવા જાય તો ક્યારેય બહારનું ખાવાનું પસંદ ન જ કરે!
આ તમામ બાબતો તેમજ રોગચાળો ફેલાવાની અને કોઈ રોગ ઘરમાં ન ધૂસી જાય તેવી દહેશતથી છેલ્લા એક-દોઢ મહિનાથી ખાણીપીણીના ધંધામાં જબરદસ્ત મંદી આવી ગઈ હોવાનું જાણવા મળે છે. તેમાં બરફના ગોલા, બરફ, પાણીપૂરી પર પ્રતિબંધ હોવાથી ચારેતરફ જોરદાર મંદી છવાઈ ગઈ છે.
હવે શ્રાવણી મેળા શરૂ થવાના છે ત્યારે મેળામાં આમે ય ખાદ્ય સામગ્રીની શુદ્ધતા, ગુણવત્તા અંગે તંત્ર દ્વારા જોઈએ તેટલી ચોક્કસાઈ રાખવામાં આવતી નથી! ખાણીપીણીમાં પણ વધારે કમાઈ લેવાની લાલચમાં ગમે તેવો માલ પીરસે છે અને તે પણ બેફામ ભાવવધારો લઈને!
પણ આ વખતના મેળામાં પણ લોકોની દહેશતભરી સ્વયંભૂ જાગૃતિના કારણે ખાણીપીણીના ધંધાને અસર થાય તેવી શક્યતા છે. તેમાં જો આરોગ્ય વિભાગ કડક પણે ચેકીંગ કરે અને શુદ્ધ પાણીથી બનાવેલ, તાજી વાનગી જ મેળામાં મળે તેવી વ્યવસ્થા ગોઠવે તો ધંધામાં તેની વિપરીત અસરો પણ થવાની શક્યતા છે!
એકંદરે અત્યારે આમેય રોગચાળાની સાથે તહેવારોની મોસમ આવી છે, ત્યારે લોકોમાં બહારનું ખાવા-પીવાથી દૂર રહેવાની મેન્ટાલીટી જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે! બાકી તો 'દેખ્યાનું ઝેર છે' તે ઉક્તિ પ્રમાણે અને 'હમ નહીં સુધરેંગે' જેમ બહારનું ખાવા પીવાવાળો વર્ગ તો ખાસ કરીને તહેવારોની મનભરીને મોજ માણવા ખાવા-પીવામાં જાણે મફત મળતું હોય તેમ તૂટી પડવાનો છે તે પણ હકીકત છે!
છેલ્લે... 'બાકી કૂછ બચા તો મહેંગાઈ માર ગઈ'ને યાદ કરવાની જરૂર નથી... અત્યારે ખાવા-પીવાની ચીજવસ્તુઓમાં મોંઘવારીના કારણે પણ ચોક્કસ આવકનો વર્ગ બહારનું ખાવાથી અળગો થયો છે...
ખાદ્યસામગ્રીમાં જીવાતો
હાલના સમયમાં છેલ્લા ત્રણ-ચાર મહિનામાં જ ગુજરાતના જામનગર સહિત અન્ય શહેરોના નાના-મોટા તેમજ ખ્યાતનામ રેસ્ટોરન્ટ/હોટલોમાં ખાદ્ય સામગ્રીમાં મરેલા વાંદા, ઈયળ, ગરોળી, દેડકા, પ્લાસ્ટિકના ડુચ્ચા જેવી અત્યંત જોખમી વસ્તુઓ નીકળવાના કિસ્સાઓ પણ અખબારોમાં પ્રસિદ્ધ થતા રહ્યા છે. પરિણામે અનેક સુખી-સમૃદ્ધ પરિવારો પણ બહાર હોટલો, રેસ્ટોરન્ટોમાં જવાનું ટાળી રહ્યા છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial