Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના કુખ્યાત શખ્સ આણી મંડળીએ ૩૧ ટ્રકના હપ્તા ન ભર્યાઃ ૨૪ ટ્રક પોલીસે કબજે કર્યાઃ મુખ્ય આરોપી જેલમાં છેઃ
જામનગર તા. ૧૭: જામનગરમાં ફાયનાન્સ કંપની પાસેથી કુલ ૧૬ વ્યક્તિના નામે ૩૧ ટ્રક ફાયનાન્સ પર લેવામાં આવ્યા પછી શરૂઆતના બે-ચાર હપ્તા ભરી બાકીના હપ્તા ગુપચાવી જતાં નગરના કુખ્યાત શખ્સ અને તેના સાગરિતો સામે પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ શખ્સોએ રૃા.૧૩ કરોડ ઉપરાંતની રકમનો ફાયનાન્સ કંપનીને ધૂમ્બો મારી દીધાનું ખૂલ્યું હતું. પોલીસે આ શખ્સના સાગરિતોની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપીનો જેલમાંથી કબજો લેવાની તજવીજ કરી છે. હાલમાં ૩૧માંથી પોલીસે ર૪ ટ્રક કબજે કરી લીધા છે.
જામનગરમાં નુર બ્રધર્સ નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવતા રઝાક દાઉદ ચાવડા ઉર્ફે સોપારી તથા તેના સાગરિતો દ્વારા એક ખાનગી ફાયનાન્સ કંપની પાસેથી જુદા જુદા ૧૬ વ્યક્તિના નામે ૩૧ ટ્રક ખરીદવા માટે લોન લેવામાં આવ્યા પછી કુલ ૩૬ લોનની વ્યાજ સહિતની રૃા.૧૩ કરોડ ૬ લાખ ૭૨,૮૮૪ની રકમ ભરપાઈ કરતો ન હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી. આ શખ્સો જામનગર ઉપરાંત રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી ટ્રકના બાકી હપ્તાવાળી ટ્રક પણ મેળવી લઈ પોતાના ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં તેનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદમાં વિગત આપવામાં આવી હતી.
તે ફરિયાદના પગલે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તપાસનો હુકમ કરતા સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝા તથા સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. જેમાં રઝાક સોપારીએ પોતાના ૧૬ સાગરિતો સાથે કુલ ૩૬ લોન લીધાની અને લોનવાળા વાહનોના હપ્તા ઈરાદાપૂર્વક ન ભરી કંપની સાથે ઠગાઈ, વિશ્વાસઘાત કર્યાનું જણાઈ આવ્યું હતું.
તપાસમાં ઉંડી ઉતરેલી પોલીસ ટીમને જાણવા મળ્યું હતું કે, રઝાક ચાવડા ઉર્ફે સોપારી તેમજ રામ આહિર અને તેના અન્ય સાગરિતો ઉપરોક્ત વાહનો પોતાના કબજામાં રાખી ટ્રાન્સપોર્ટમાં જુદા જુદા સ્થળે દોડાવે છે અને તે વાહનમાંથી લોન આપનાર કંપનીનો સ્ટાફ જ્યારે બાકી હપ્તાની તપાસ માટે જાય ત્યારે આમીન નોતીયાર નામનો શખ્સ તે કર્મચારીઓને ડરાવી, ધમકાવી ભગાડી મૂકે છે. તે ઉપરાંત ટ્રક સીઝ કરવા માટે લોન આપનાર પેઢી તજવીજ કરે ત્યારે જારી થતી નોટીસ પછી તરત જ આ કર્મચારીને અથવા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ટ્રક સીઝ પણ કરવા દેતો નથી.
લોન પર લીધેલા વાહનોના હપ્તા ન ભરી બળજબરીથી તે વાહનો પોતાની પાસે રાખી તેને સગેવગે પણ કરી નાખતા હોવાની આ શખ્સો વિરૂદ્ધની વિગતો મળી હતી. રઝાક સોપારી, આમીન નોતીયાર, રામભાઈ નંદાણીયા અન્ય વ્યક્તિઓના નામે ટ્રક માટે લોન લઈ તેના અમૂક હપ્તા ભર્યા પછી બાકીના હપ્તા ભરતા ન હતા. તે પછી જે વ્યક્તિના નામના ટ્રકના હપ્તા બાકી હોય તે ટ્રક પોતાના ટ્રાન્સપોર્ટમાં દાદાગીરીપૂર્વક ચલાવતા હતા. તે ઉપરાંત ૪૫થી ૫૦ લાખની નવી ટ્રક ખરીદાવી તેના બાકીના હપ્તા ન ભરી ઉપરોક્ત વ્યક્તિઓ લોનની તપાસ માટે આવતા કર્મચારીને ડરાવવા ઉપરાંત રૃા.૪ કે ૫ લાખમાં સેટલમેન્ટ કરાવી દેતા હતા.
ઉપરોક્ત વિગતો અને નોંધાયેલી ફરિયાદ પરથી પીઆઈ પી.પી. ઝા તથા સ્ટાફે ગઈકાલે રામ ભીમશીભાઈ નંદાણીયા સહિતના પાંચ આરોપીની ધરપકડ કરી છે અને આ શખ્સોએ પોતાના કબજામાં રાખેલા દસ ટ્રક અને ફેરામાં મોકલેલા અન્ય ચૌદ ટ્રક મળી ચોવીસ ટ્રક, જેની અંદાજે કિ.રૃા.૧૦ કરોડ આકારવામાં આવી છે તે ચોવીસ ટ્રક ઝબ્બે લીધા છે અને બાકીના ટ્રક કબજે કરવાની અને હાલમાં જેલમાં રહેલા રઝાક સોપારીનો કબજો લેવાની તજવીજ આદરી છે.
બીજા જિલ્લાના પણ બાકી હપ્તાવાળા ટ્રક મેળવી લઈ કરતા હતા વ્યવસાય!
કુખ્યાત શખ્સ રઝાક સોપારી તથા તેના સાગરિત રામ નંદાણીયા, આમીન નોતીયાર દ્વારા જામનગર ઉપરાંત દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગિર સોમનાથ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ વગેરે જિલ્લાઓમાં પણ જે ટ્રકના બાકી હપ્તા ભરવામાં ન આવ્યા હોય તે ટ્રક પોતાની પાસે મંગાવી લેતા હતા અને તેનો ઉપયોગ કરતા હતા. ટ્રક માટે લોન આપનાર પેઢીના કર્મચારીઓ આ શખ્સોના ભયથી ટ્રક સીઝ પણ કરાવી શકતા ન હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial