Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયોઃ ભાજપ-સરકાર પર તેજાબી ચાબખા
અમદાવાદ તા. ૬: કોંગી સાંસદ આજે અમદાવાદમાં છે અને તેઓ હરણીકાંડ-ટીઆરપી કાંડના પીડિતોના પરિવારોને મળશે. આ દરમિયાન ભાજપ અને કેન્દ્ર રાજ્ય સરકાર પર તેજાબી પ્રહારો કરવામાં આવી રહ્યા છે.
આજે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે ૧૦ વર્ષમાં પહેલીવાર ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમી ઊઠ્યું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓમાં એક અનોખો જુસ્સો અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રાહુલ ગાંધી તેમના અમદાવાદ પ્રવાસ દરમિયાન તેઓ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલામાં ઘાયલ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલી ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરાયેલા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાના હતાં, પરંતુ તાજેતરમાં મળી રહેલી અપડેટ અનુસાર પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના તમામ કાર્યકરોને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં લીધા હોવાથી રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓને મળી શકશે નહીં.
બીજી તરફ હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો પહોંચી ગયા છે. આ દરમિયાન પીડિત પરિવારની મહિલાઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતાં, જેને લીધે માહોલ ગમગીન બની ગયો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત થતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત મોરચે સક્રિય બન્યા છે. તેમણે સદનમાં ભાજપને ગુજરાતમાં હરાવવાનો પડકાર પણ ફેંક્યો હતો.
મીડિયા અહેવાલો મુજબ કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળવા જવાના છે તેમાં એકને ધારાસભ્યનો ફોન આવ્યો હતો. બીજાને તમને મુખ્યમંત્રીને મળાવી દેશું તેવી લાલચ અપાઈ તો અન્ય એકને પોલીસે તપાસના કામે આવતીકાલે જ બોલાવવા પ્રયાસ કર્યો છે. આવા હથકંડાને બદલે ભાજપ સરકારે આવી ઘટનાઓ ન બને તેના પર લક્ષ્ય આપવું જોઈએ.
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આક્ષેપોનો મારો ચલાવતા કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો સાથે અત્યાચાર થઈ રહ્યો છે અને ફરિયાદીને જ અપરાધી બનાવી દેવાયા છે, તેથી રાહુલ ગાંધી હવે પીડિતોને મળી રહ્યા છે. પોલીસતંત્રે સંતાકૂકડી રમીને રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોને ન મળી શકે, તેવી ગોઠવણ કરીને તેઓને જ્યુડિશ્યલ, કસ્ટડીમાં મોકલવાની પ્રક્રિયા વહેલી કરવાનો સણસણતો આક્ષેપ કરતા મનિષ દોશીએ કહ્યું કે રાજ્યમાં આ પ્રકારે ભય અને ભરષ્ટ નીતિ-રીતિ તો ભાજપની મૂળ રણનીતિ જ રહી છે. હવે પીડિતોના પરિવારોને મળવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. હરણીબોટ કાંડ અને રાજકીય ટીઆરપી ઝોનના પીડિ પરિવારોને મળ્યા પછી રાહુલ ગાંધીના કોંગ્રેસ કાર્યકરોને ઉદ્દેશીને સંબોધન પર પણ સૌની નજરો મંડાયેલી હતી.
મીડિયા અહેવાલો મુજબ અમદાવાદ પહોંચેલા પીડિત પરિવારોએ પણ ઉગ્ર પ્રતિભાવો આપતા કહ્યું હતું કે, અમારી રજૂઆતો સ્થાનિક કક્ષાએ કોઈએ સાંભળી નહીં તેથી અમે રાહુલ ગાંધી સમક્ષ અમારી વેદના વ્યક્ત કરવા આવ્યા છીએ.
બીજી તરફ રાહુલ ગાંધી અમદાવાદ પહોંચે તે પહેલા જ તેની સામે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ દેખાવો કર્યા હતાં, જેને પોલીસે ડિટેઈન કરી લીધા હોવાના અહેવાલો છે.
કોંગ્રેસ કાર્યકરોને સંબોધન પછી કોંગી કાર્યકરોને મળવા રાહુલ ગાંધી સાબરમતી જેલની મુલાકાતે જાય, તેવી સંભાવનાઓ પણ સૂત્રોએ જણાવી હતી.
તે ૫હેલા એરપોર્ટ પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓએ તેઓનું સ્વાગત કર્યું હતું. રાજીવ ગાંધી ભવન, કોંગ્રેસ કાર્યાલય પણ તેઓનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉમટી પડ્યા હતાં.
કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકરોની સંબોધન દરમ્યાન રાહુલ ગાંધીએ ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર પર તીખા તમતમતા પ્રહારો કરીને કહ્યું હતું કે, હવે ગુજરાતમાં ભાજપને હરાવીશું.
બીજી તરફ પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધી મીડિયામાં ચમકવા માટે પ્રયાસો કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial