Advertisement
Author: નોબત સમાચાર

મકરસંક્રાંતિની પતંગબાજીમાં પણ ખેલદિલી તથા મનોરંજનનો ઉદ્દેશ્ય હોય છે, પરંતુ...

બીજાનો પતંગ કાપીને પણ આપણો પતંગ કાયમી ઊડતો રહેવાનો નથી...હો...

મકરસંક્રાંતિનું પર્વ ઉજવાઈ ગયું. ગગનચૂંબી પતંગોએ નૈસર્ગિક સૌંદર્યમાં માનવસર્જિત રંગબેરંગી પતંગોએ વધારો કર્યો, અને જામનગર સહિત ઘણાં શહેરો જાણે છત અને ખુલ્લા મેદાનોમાં બધા ટેન્શનોને બાજુ પર મૂકીને આનંદ માણતા જોવા મળ્યા. પતંગબાજી એ એક ખેલસ્પર્ધા છે, અને એકબીજાના પતંગ કાપવાની સ્પર્ધા જામે છે. પતંગોની સ્પર્ધા ઊંચી ઊડાન ભરવા અને પતંગ ઊડાડવાના કૌશલ્યને શિખવે છે. એટલું જ નહીં, કબડ્ડી, શતરંજ, ખો-ખો અને ફૂટબોલ-ક્રિકેટ જેવી રમતોની જેમ પ્રતિસ્પર્ધીને 'આઉટ' કરવા અને ગેઈમ જીતવાની આ પતંગબાજી પૃથ્વી પરથી આકાશમાં કેવી રીતે ખેલી શકાય છે, તેનું કૌશલ્ય દેખાડવાની તક પૂરી પાડે છે.

ઘણાં લોકો પતંગ કાપવાની આ સ્પર્ધાને ટાંકીને સફળતાની ઊડાન ભરવા માટે બીજાનો પતંગ કાપવાનું ઉંધુ અર્થઘટન કરતા હોય છે, પરંતુ હકીકતે મુસીબતો-સમસ્યાને અવરોધોને પાર કરીને ઊંચી ઊડાન ભરવા માટે બીજાની પતંગની દોર કાપવાની જરૂર નથી, કારણ કે ઘણી વખત આપણી પોતાની પતંગ પણ કપાઈ જતી હોય છે ને? બીજાનો પતંગ કાપીને પણ આપણો પતંગ કાયમી ઊડતો જ રહેવાનો નથી, તે હકીકત છે ને?

હકીકતે આ દુનિયામાં સફળતા પ્રાપ્ત કરવાના અને પચાવવાના ઘણાં અનોખા દૃષ્ટાંતો મળતા હોય છે, અને તે પૈકીના કેટલાક દૃષ્ટાંતો એવા પણ હોય છે, જે ઘણાં જ પ્રેરક, અને અનુકરણિય તથા પ્રશંસનિય હોય છે. કેટલાક દૃષ્ટાંતો એવા હોય છે, જેમાં સફળતાઓ પ્રાપ્ત કરવા માટે અપનાવાયેલા 'શોટકટ' અને અયોગ્ય, અનૈતિક અને ગેરકાનૂની માર્ગો અપનાવવાયા હોય છે, જો કે આ પ્રકારના શોટકટથી મેળવાયેલી સફળતાઓ કાં તો જાજી ટકતી નથી, કાં તો પચતી નથી, અથવા તો ઘણાં જ ખતરનાક અંજામ સુધી પહોંચી જતી હોય છે. સફળતાનો આનંદ બધાને હોય, પરંતુ સફળતાઓનો ઘમંડ આવવા લાગે, ત્યારે જ તેની પડતી તથા વળતા પાણી થવાની શરૂઆત થઈ જાય છે.

'ટ્રુથ બિટવિન ડુ

એન્ડ ડુ નોટ'

એવી અંગ્રેજી માન્યતા અથવા કહેવત છે કે 'ટ્રુથ બિટવિન ડુ એન્ડ ડુ નોટ' એટલે કે સત્ય 'કરવું' અને 'નહીં કરવું' અથવા કર્મ અને અકર્મની વચ્ચે છૂપાયેલું હોય છે. બીજા શબ્દોમાં કહી શકાય કે ઈચ્છા અને અનિચ્છાના દ્વંદ્વમાંથી જન્મતી સફળતાની સીડી પર પગ માંડવાથી સફળતાની ઊંચાઈઓ તરફ જઈ શકાય છે, અને પગ માંડવામાં હિચકિચાટ અનુભવાય અને પીછેહઠ કરવાથી કાં તો જ્યાં હોઈએ, ત્યાં જ રહી જઈએ છીએ, અથવા તો નિરાશા અને નિષ્ફળતાની ગર્તામાં ધકેલાઈ જતા હોઈએ છીએ.

આ ખૂબ જ ગહન ફિલોસોફીને સરળ શબ્દોમાં સમજવું હોય તો એવું કહી શકાય કે પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો ટલા ઊંચા લક્ષ્યો હોય, પણ તે સિદ્ધ કરી જ શકાય છે, અને જો ઈચ્છાશક્તિનો અભાવ હોય તો સામાન્ય સફળતા પણ મળી શકતી હોતી નથી. ટૂંકમાં એમ પણ કહી શકાય કે 'મન હોય તો માળવે જવાય અને નાચનારીનું આંગણું વાંકુ...!'

કુદરતે આપણને સંવેદનશીલ બનાવ્યા છે, અને કુદરતી શક્તિઓને આપણે કોરોનાકાળ પછી વધુ ઓળખતા થયા છીએ. આપણી અંદર જ જે શક્તિઓ પડેલી છે, તેને કદાચ આપણે જ પૂરેપૂરી સમજી શકતા નથી. અને જો તે સમજાઈ જાય, તો કોરોના જેવી મહામારીને પણ 'ઈમ્યુનિટી' વધારીને મહાત આપી શક્યા છે.

ઈમ્યુનિટી શબ્દ કોરોનાકાળથી વધુ પ્રચલિત થયો હતો, અને કુદરતે પ્રત્યેક પ્રાણી, પશુ-પંખી, માનવી અને વનસ્પતિમાં પણ જે રોગપ્રતિકારક શક્તિઓની બક્ષિસ આપેલી છે, તેને જ બળવતર બનાવીને આપણે તંદુરસ્ત અને 'મંદુરસ્ત' રહી શકીએ છીએ, તેનું ભાન પણ આપણને કોરોનાકાળે કરાવ્યું છે. જેવી રીતે રોગોની સામે લડવા માટે કુદરતે આપણી અંદર ઈમ્યુનિટી આપી છે, તેવી જ રીતે એ જ ઈમ્યુનિટીને ખતમ કરી નાંખતા સુક્ષ્મજીવાણુઓ તથા વાયરસો પણ મોટાભાગે કુદરતી રીતે ઉત્પન્ન થતા હોય છે, જો કે કોવિડ-૧૯ સહિતના કેટલાક વાયરસો ચીન જેવા મતલબી અને સંવેદનહીન, ઘાતકી પ્રકૃતિના શાસકો ધરાવતા દેશોએ લેબોરેટરીમાં બનાવ્યા હોવાનો વિવાદ દુનિયાભરમાં ચાલી રહ્યો છે, પરંતુ જ્યાં સુધી 'વૈજ્ઞાનિક' ચીને એ પૂરવાર થઈ ન જાય, ત્યાં સુધી તેને પથ્યપૂર્ણ માની શકાય નહીં, તેવી પરંપરાઓ અને પ્રણાલીઓ પણ આપણે જ ઊભી કરેલી છે ને?

કર્મ અને અકર્મની વચ્ચે સત્ય છૂપાયેલુ છે, તેવી ચર્ચા આદિકાળથી થતી રહી છે, અને વેદો-પનિષદો, વિવિધ ધર્મગ્રંથો તથા ઉપદેશોનું સંયોજન કરીને તેને વલોવવામાં આવે તો તેમાંથી એવું તારણ પણ નીકળે છે કે કર્મ એટલે કે કૃત્ય અને અકર્મ એટલે કે આળસુપણુ. ગણીયે તો તેની વચ્ચે એક ત્રીજુ પરિબળ આવે છે, જે કર્મ તો છે, પરંતુ ઉલટી દિશામાં કરેલું કર્મ છે એટલે કે દુષ્કૃત્ય છે, જેને ફિલોસોફિક અથવા તત્ત્વજ્ઞાનની ભાષામાં વિકર્મ કહી શકાય... એવો નિચોડ પણ નીકળી શકે કે કર્મ એટલે કૃત્ય, સત્કર્મ એટલે સારૂ કૃત્ય અને વિકર્મ એટલે દુષ્કૃત્ય અથવા દુષ્કર્મ...

શબ્દોનો ઉપયોગ અને અર્થઘટન જુદા જુદા ક્ષેત્રોમાં અલગ અલગ હોય છે. દૃષ્ટાંત તરીકે દુષ્કર્મનો ક્રાઈમ રિપોર્ટીંગની ભાષામાં 'બળાત્કાર' એવો સીધો અર્થ કરવામાં આવે છે, જ્યારે દુષ્કર્મ તો તાત્કાલિક અર્થ છે 'અયોગ્ય કે અનૈતિક કર્મ'... એટલે કે અયોગ્ય કૃત્ય, જેમાં દુષ્કર્મ પણ આવી જાય છે!

કેટલાક શબ્દોનો સાયન્સ, ગણિત કે વ્યવહારિક ભાષામાં અલગ અર્થ થતો હોય છે, અને ચોક્કસ વિષય કે ક્ષેત્રમાં તેનો કાંઈક જુદો જ અર્થ થતો હોય છે. મેડિકલની ભાષા અલગ હોય છે, સાયન્સની અલગ હોય છે, ટેકનિકલ ક્ષેત્રની ભાષા અલગ હોય છે, તેવી જ રીતે કાનૂની ભાષા પણ અલગ હોય છે. વ્યવહારિક, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, વૈજ્ઞાનિક, ઔદ્યોગિક, વ્યાપારિક, પારિવારિક, ધાર્મિક, સામૂહિક, કાનૂની, શિક્ષણ અને તાલીમ ક્ષેત્રથી લઈને સ્પેશ અને અંતરીક્ષ-બ્રહ્માંડ સુધીના ક્ષેત્રોમાં એક જ શબ્દના અલગ અલગ અર્થ થતા હોય છે, જેમાં કેટલાક શબ્દાર્થ હોય છે, કેટલાક ભાવાર્થ હોય છે, કેટલાક ગૂઢાર્થ હોય છે, તો કેટલાક વ્યંગાર્થ પણ હોય છે!!

આમ, આપણે કાં તો કર્મ કરીએ છીએ, અથવા વિકર્મ કરીએ છીએ અથવા કાંઈ જ કરતા નથી, તેવો અર્થ થાય છે. કાંઈ જ કરતો ન હોય, તે જીવ પણ તદ્ન નિષ્ક્રિય હોતો નથી, કારણ કે જીવવા માટે તેને જે કાંઈ કરવું પડે, તે તો તે કરતો જ હોય છે. શ્વાસોચ્છવાસ પણ એક પ્રકારનું કર્મ જ છે ને? જેવી રીતે શ્વાસોચ્છવાસ કુદરતી ઉપહાર છે, તેવી જ રીતે ઈમ્યુનિટી પણ કુદરતી બક્ષિસ જ છે ને? આ ઈમ્યુનિટીને ટકાવી રાખવી કે વેડફી નાંખવી એ આપણા હાથમાં જ છે ને?

અત્યારે સોશ્યલ મીડિયાનો વ્યાપક પ્રમાણમાં સદુપયોગ પણ થઈ રહ્યો છે, અને આપણા દેશમાં લોકતંત્ર હોવાથી પશ્ચિમી રંગે રંગાયેલી માનસિક્તા તથા ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં જ વિશ્વાસ ધરાવતી માનસિક્તા વચ્ચે જાણે દ્વન્દ્વ ચાલી રહ્યું હોય તેમ જણાય છે.વાઈની વાત એ છે કે પશ્ચિમના દેશોમાં હવે ભારતીય સંસ્કૃતિ પરંપરાઓ તથા જીવનશૈલી ઉપરાંત ઉપચાર અને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ તરફ આકર્ષણ વધી રહ્યું છે, અને આપણે તેનું ગૌરવ પણ લઈએ છીએ. બીજી તરફ આ જ ગૌરવશાળી પરંપરાઓ, પદ્ધતિઓ અને જીવનશૈલીથી આપણે જ વિમૂખ થતા જઈએ છીએ, તેમ નથી લાગતુ? આ તો મારી વિચારવાણી છે, બાકી લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી હોવાથી પસંદ અપની અપની... ખયાલ અપના અપના...

વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh