Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ અદાલતના અનાદરની નોટીસોથી ખળભળાટ!

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પીએની સામે કડક કાર્યવાહી નહીં કરાતા

જામનગર તા. ૩૧: જામનગર જિલ્લાના લાલપુરમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સાર્વજનિક જાહેર જગ્યાના બદલે પટેલ સમાજમાં શૌચાલય બનાવવાના કૌભાંડ અંગે મનસુખભાઈ ફળદુએ તે સમયના તલાટી-કમ-મંત્રી (રેવન્યુ, જિ.પં.) અને હાલ જિલ્લા પંચાયત પ્રમુખના પીએ યગ્નેશ કણસાગરા વિરૂદ્ધ આધાર પુરાવા સાથે ફરિયાદ કરી હતી.

લાલપુરમાં જામનગર રોડ પર બની રહેલી નવી પટેલ સમાજની વાડીની બાજુમાં રૂ.  ચાર લાખના ખર્ચે સાર્વજનિક પ્લોટમાં શૌચાલય બનાવવાનું કામ કરવાનું હતું. આ ઉપરાંત લાલપુરમાં ચાર થાંભલા વિસ્તારમાં સર્વે નં. ૧૧ ના સાર્વજનિક પ્લોટમાં રૂ.  ચાર લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ હતું તેમજ નવી પટેલ સમાજ વાડીની પાસે સાર્વજનિક પ્લોટમાં શૌચાલય ફરતે રૂ.  ૪,૯૮,૦૦૦ ના ખર્ચે કમ્પાઉન્ડ વોલના કામ કરવાના હતાં, પણ આ કામોમાં ખાનગી સોસાયટી અથવા બીનખેતી કરાયેલ પ્લોટમાં કોઈ કામનો સમાવેશ કર્યો નથી અને જાહેર હેતુ માટે જ કરવામાં આવશે તે પ્રકારનું ખોટું પ્રમાણપત્ર યગ્નેશ કણસાગરાએ આપ્યું હતું.

આ ઉપરાંત લાલપુર ગ્રામ પંચાયતને સર્વે નં. ૧૦-૧૧ ના સાર્વજનિક પ્લોટ આ પ્લોટ ધારાકોએ ગ્રામ પંચાયતને સોંપી દીધાનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું. ખરેખર આવો કોઈ હુકમ થયો જ ન હતો. તેવું ટીડીઓ દ્વારા તા. પ-૧-ર૦૧૮ ના દિને લેખિતમાં જણાવ્યું હતું.

આ મુદ્દે ડીડીઓ દ્વારા દોષિત ઠરાવી ચાર્જશીટ આપવામાં આવી હતી.

આ સમગ્ર મામલે અરજદાર મનસુખભાઈ ફળદુએ રાજ્યના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, એસપી, જિલા કલેક્ટર વગેરેને રજૂઆત કરી હતી, પણ તેમ છતાં આગળની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં ર૦૦/ર૦૧૯ થી પીઆઈએલ દાખલ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે તમામ બાબતોની તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી જવાબદારો સામે કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. ત્યારપછી જિલ્લા કલેક્ટરના હુકમથી જિલ્લા વિકાસ અધિકારીને તપાસ સોંપી હતી, જેમાં જવાબદારો દોષિત પૂરવાર થયા હતાં. આ પ્રકરણમાં લાલપુરના તત્કાલિન તલાટી યગ્નેશ કણસાગરા જે ત્યારપછી કાલાવડમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા હતાં. તેમને જિલ્લા પંચાયત પ્રમુખના પીએ બનાવી દેવાયા છે.

કણસાગરાને ડીડીઓએ બચાવ રજૂ કરવા સુનાવણી રાખી હતી. પણ ત્યારપછી હજી સુધી કોઈ પગલાં નહીં લેવાતા મનસુખભાઈ ફળદુએ ગુજરાત હાઈકોર્ટમાં અદાલતના અનદાર અંગે અરજી કરતા ગુજરાત હાઈકોર્ટે તા. ૬-પ-ર૦ર૪ ના દિને રાજ્ય સરકાર, ડેવલપમેન્ટ કમિશનર સંદીપ કુમાર, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, તાલુકા પંચાયત ઓફિસર આર.બી. ગજેરા, ડિસ્ટ્રીક્ટ એડમીન ઓફિસર પી.બી. પટણી, સરપંચ કે.આર. ચાવડા તથા જામનગરના તત્કાલિન જિલ્લા કલેક્ટર સૌરભ પારધીને નોટીસો પાઠવી છે.

જિલ્લા પંચાયત વર્તુળોમાં ચર્ચાઈ રહેલી વિગતો પ્રમાણે ડીડીઓ દ્વારા કણસાગરા વિરૂદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં રાજકીય દબાણના કારણે વિલંબ થઈ રહ્યો છે અને કોઈપણ ભોગે આ પ્રકરણ ભીનું સંકેલી યગ્નેશ કણસાગરાને બચાવી લેવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જિ.પં.માં કૌભાંડમાં ખરડાયેલા કર્મીને જિ.પં.ના પ્રમુખના પીએ તરીકે નિયુક્ત કરવાનો મામલો પણ શંકાસ્પદ બની રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh