Advertisement
Author: નોબત સમાચાર

પીઠડમાં રાંધણગેસની નળીમાંથી લીકેજ થયા પછી ભડકોઃ દાઝેલા મહિલાનું મૃત્યુ

બીડી પીવા માટે અગાસી પર ગયેલા યુવાન પાળી પરથી પટકાઈ પડ્યાઃ

જામનગર તા. ૩૧: જોડિયા તાલુકાના પીઠડમાં રહેતા એક દંપતીને રાત્રે ટીવી જોતા જોતા ચા પીવાની તલબ લાગ્યા પછી મહિલા રસોડામાં જઈ ગેસ પેટાવતા હતા ત્યારે તૂટી ગયેલી નળીમાંથી ગેસ લીક થતાં ભડકો થયો હતો. આ મહિલા દાઝયા પછી સારવારમાં મૃત્યુ પામ્યા છે. પતિનું પોલીસે નિવેદન નોંધ્યું છે. આ દંપતીએ પ્રેમલગ્ન કર્યા હતા. નગરના એક યુવાન બીડી પીવા માટે અગાસી પર ગયા પછી પાળી પરથી લપટી પડતા માથામાં ઈજા પામ્યા હતા. તેઓનું પણ મૃત્યુ નિપજ્યું છે. આ યુવાન માનસિક બીમારીથી પીડાતા હતા. જોગવડમાં તબીયત લથડતા બેશુદ્ધ બની ગયેલા પ્રૌઢ પર કાળ ત્રાટક્યો છે. પોલીસે ત્રણેય બનાવની તપાસ હાથ ધરી છે.

જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા અને માછીમારી કરતા કોળી સંજયભાઈ જીવરાજભાઈ સરવૈયા અને તેમના પત્ની હિરલબેન (ઉ.વ.૨૬) ગઈ તા.૨૩ની રાત્રે પોતાના ઘરમાં જમ્યા પછી ટીવી જોતા હતા. આ વેળાએ ચા પીવાની તલબ લાગતા હિરલબેન રસોડામાં ગયા હતા.

આ મહિલાએ ચા બનાવવા માટે ગેસ પેટાવ્યો ત્યારે જ ગેસની નળીમાંથી લીકેજ શરૂ થયું હતું અને ચૂલો સળગવાની બદલે ભડકો થયો હતો. તેની ઝાળ હિરલબેનને અડકી જતાં આ મહિલા ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓની બૂમ સાંભળી દોડી આવેલા પતિ સંજયભાઈએ આગ બુઝાવવા પ્રયત્ન કરી પત્નીને બચાવી લેવા માટે વલખા માર્યા હતા. તેઓએ હિરલબેનને સારવાર માટે દવાખાને ખસેડ્યા પછી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં તેણીને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. જોડિયા પોલીસે સંજયભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ આ દંપતીએ નવેક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. જામનગર ગ્રામ્યના ડીવાયએસપી આર.બી. દેવધાએ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં વાસા વીરા સોસાયટીમાં રહેતા મૂળ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના વતની વિનલભાઈ જયંતિલાલ જોષી નામના પ્રૌઢના પુત્ર ઋષાંગ (ઉ.વ.ર૭) છેલ્લા છએક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. તે દરમિયાન ગઈકાલે પોતાના રહેણાંક મકાનની અગાસી પર બીડી પીવા માટે ગયા હતા. આ વેળાએ કોઈ રીતે ઋષાંગભાઈ પટકાઈ પડતા તેઓને ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. એએસઆઈ ડી.જે. જોષીએ મૃતદેહનો કબજો સંભાળી પિતા વિનલભાઈનું નિવેદન નોંધ્યું છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતા ચંદુભાઈ ઉર્ફે ચંદુલાલ શામજીભાઈ ભટ્ટ (ઉ.વ.૫૦) નામના વિપ્ર પ્રૌઢ બુધવારે પોતાના રહેણાંકના સ્થળે હતા ત્યારે તબીયત લથડતા બેશુદ્ધ બની ગયા હતા. તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. કાંતિભાઈ માધવજીભાઈ ભટ્ટે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh