Advertisement
Author: નોબત સમાચાર

સાણંદમાં 'વીરાજંલિ' કાર્યક્રમનું ભવ્ય આયોજન

શહીદ દિન તા. ર૩ માર્ચે

જામનગર તા. ૧૮: અંગ્રેજોએ ભગતસિંહસંધુ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરૂને ર૩મી માર્ચે સાંજે સાડા સાત કલાકે ચોરાણું વરસ પહેલા ફાંસી આપી હતી. જેની યાદમાં આ દિવસ 'શહીદ દિન' તરીકે ઉજવાય છે. છેલ્લા સત્તર વરસથી પ્રદીપસિંહ વાઘેલાની પ્રેરણાથી બકરાણા અને સાણંદમાં વીરાંજલિ કાર્યક્રમ ઉજવવામાં આવે છે.

આ વરસે પણ સાંઈરામ દવે લેખિત અને અભિનિત 'વીરાંજલિ' મલ્ટી મીડિયા શો નો બીજો ભાગ આશરે સો થી વધુ રંગભૂમિના કલાકારો દ્વારા સાણંદમાં ઉજવણી કરાશે. આ કાર્યક્રમમાં ભગતસિંહના ભત્રીજા કિરણજીતસિંહ (ચંદીગઢ), સુખદેવજીના ભત્રીજા અનુજ થાપર (સેનાપત) તેમજ રાજગુરૂના સ્વજન સત્યશીલ રાજગુરૂ, દુર્ગાભાભીના ભત્રીજા જગદીશ નારાયણ ભટ્ટ તેમજ વીર વિનોદ કિનારીવાલાના પરિજનો પણ અતિથિ વિશેષ તરીકે વીરાંજલિ નિહાળવા માટે ખાસ ઉપસ્થિત રહેશે. વીરાંજલિમાં આ વરસે આ ત્રણ શહીદો ઉપરાંત બિહારના ક્રાંતિવીર બાબુ કુવરસિંહ, વીર સાવરકર તેમજ આઝાદ હિન્દ ફોજની કેપ્ટન નિરા આર્ય તથા વીર વિનોદ કિનારીવાલાના પરાક્રમના દિલધડક દૃશ્યો મંચ પર ભજવાશે.

અત્રે નોંધનીય છે કે, વીરાંજલિ એ ક્રાંતિવીરો પરનો ગુજરાતનો સર્વપ્રથમ મલ્ટીમીડિયા શો છે. જેની સંકલ્પના અમિત દવેએ કરી છે. જેમાં બોલીવુડ સીંગર નકાશ અઝીઝ, હિમાની કપૂર, કીર્તિદાન ગઢવી, પાર્થિવ ગોહિલ તેમજ સાંઈરામ દવેએ કર્ણપ્રિય દેશભક્તિના ગીતો ગાયા છે. રાહુલ મુંજારીયાએ સંગીત પીરસ્યું છે, તો જામનગરના વિરલ રાચ્છે જેનું ભાવવાહી દિગ્દર્શન કર્યુ છે. કુલદીપ શુકલએ આ કાર્યક્રમમાં કોરિયોગ્રાફી કરી છે. વિશેષરૂપે રાજકોટના ૬૦ જેટલા રંગભૂમિના કલાકારોએ આ વીરાંજલિમાં અભિનયના ઓજસ પાથરવાના છે. જેમાં મુખ્યત્વે આર.જે. આકાશ (ભગતસિંહ), દર્શક સુરડીયા (સુખદેવ), ભાવિન મહેતા (રાજગુરૂ) દર્પણ સોની (સાવરકર) ભરત બાયલ (કુંવરસિંહ) તથા પ્રીશા રાજપૂત (નીરા આર્ય), મિશૈલ ત્રિવેદી (કિનારીવાલા) નું પાત્ર ભજવશે.

વતનના વિસરાયેલી વીરોની વાતને હ્ય્દયસ્પર્શી રીતે રજૂ કરતો આ કાર્યક્રમ સાણંદમાં તદ્દન નિઃશુલ્ક રીતે ઉજવાશે. વીરાંજલિ સમિતિ વતી આ કાર્યક્રમમાં પધારવાનું તેમજ સોશ્યલ મીડિયા પર લાઈવ નિહાળવા માટે પ્રદિપસિંહ વાઘેલાએ સૌને અનુરોધ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વીરાજંલિ પાર્ટ-૧ નું દિગ્દર્શન તેમજ હવે પાર્ટ-ર નું દિગ્દર્શન વિરલ રાચ્છે જ કર્યુ છે. આ પ્રોગ્રામમાં જામનગરના થીએટર પીપલ સંસ્થાના કલાકારો રોહિત હરિયાણી અને દર્શક સોરડીયા પણ મહત્ત્વની ભૂમિકા રહ્યાંં છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh