Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોમાં દેખાદેખી એટલી વધી ગઈ છે કે જે સાંકડી ગલીમાં ગાડી પ્રવેશી શકતી નથી તે લોકોએ જ નથી લીધી. બાકી હપ્તે હાથી બાંધતા લોકો સ્કૂટર પાર્ક કરવાની માંડ જગ્યા હોય તો પણ ગાડી લઈ લે છે.
આજકાલ નવી નવાઈના લોકો ''કાર લીધી એવી હોશિયારી કરે છે'', બાકી ભૂતકાળમાં કાર લીધી હોય તો પણ ''મોટર લીધી'' એમ જ કહેતા. અમારા ચુનિયાના બાપુજીએ નીચેના ટાંકામાંથી પહેલા માળે અગાસીના ટાંકામાં પાણી ચડાવવા માટે અડધાની મોટર લીધી હતી અને ગામ આખામાં ઢંઢેરો પીટ્યા પછી અઠવાડીયે ખબર પડી હતી કે કઈ મોટરની વાત થાય છે. પરંતુ તે પહેલાં તો ઘણાં લોકોએ મોટરમાં વાર-તહેવારે બેસવા મળે તે આશામાં ને આશામાં બાપુજીને લાડુ, દાળ-ભાત, શાકના જમણ કરાવી દીધેલા. મોટરના ખરચ કરતા વધારે રૂપિયા ચુનિયાના બાપા, નામે વાઘમશી પોતે, એ વસુલ કરી લીધાં હતાં.
અને ૧૨ ટંક બહાર ખવારાવાનારા યજમાનો એ બાપાને પુછ્યુ કે,'કઈ મોટર લીધી એ ફોડ પાડીને ન કહેવાય?' તો બાપા સામે ચોંટયા કે 'તમારે ફોડ પાડીને પુછવું જોઇએ ને કે બાપા કઈ મોટર?' આ બધાં કારનામાને કારણે જ હું ચુનીયાનો વાંક નથી કાઢતો કારણ કુવામાં હોય એ જ અગાસીમાં ચડે.
સરકારશ્રી તમને વૈકલ્પિક ફ્યુઅલ બાજુ ધક્કો મારી રહી છે એ સમજી લેવું જોઇએ. હાલ એલોપેથી બ્રાન્ચ મોંઘી પડે છે એટલે લોકો આયુર્વેદિક, હોમિયોપેથીક, એક્યુપ્રેશર, યોગના શરણે જવા લાગ્યા છે. ચમનલાલને છાતીનો દુખાવો થયો તાત્કાલીક અસરથી એન્જીયોગ્રાફી કરાવી તો નળી બ્લોક આવી. જોકે આજકાલ ગુજરાતમાં તો નળીઓ બહુ બ્લોક આવે છે તેને માટે ડોક્ટરો ગાંઠિયાનો વાંક કાઢે છે પરંતુ હકીકતમાં તે મેડિકલ ગઠિયાઓનો વાંક છે. છતાં બ્લોક આવે તો ઘરે લીક થતો પાણીનો વાલ નવો નથી નાખી શકતો એવો ચમન હાર્ટમાં નવો વાલ ક્યાં નખાવે? એટલે ચુનિયાની સલાહ મુજબ એક્યુપ્રેશર દ્વારા બ્લોક ખોલાવવાની સલાહ માની એક નવા જ એકયુપ્રેશર થેરાપિસ્ટ પાસે પોઇન્ટ દબાવળાવ્યો, હવે છાતી કરતા પોઇન્ટ વધારે દુઃખે છે.
હું મુદ્દાથી ભટક્યો નથી ફ્યુઅલનો વિકલ્પ સરકાર આપે છે તે બેટરીથી ચાલતી કાર. ભાવ પ્રમાણે ૧૨-૧૫ લાખની બેટરીથી ચાલતી કાર લ્યો અને ચાર્જ કરી મંડો દોડાવા, ૨૦-૨૫ પૈસે કિલોમિટર પડે, દર ૩૦૦ કિલોમિટર પછી ચાર્જ કરવાની એય ને જમાવટ.
ગલગલીયા થાય એવું ગણિત છે. હવે ગણતરી મુકો કે પેટ્રોલ નાની કાર ૫-૬ લાખની એટલે જો બેટરી સંચાલિત ન લ્યો તો કેટલા બચે અને એ બેંકમાં મૂકો તો વ્યાજમાંથી પેટ્રોલ પુરાવી શકાય, દર ૩૦૦ કિલોમીટરમાં જો ચાર્જીંગ માટે કંઈ ન મળે તો? જો કે ચુનિયાએ માસ્ટર પ્લાન કરી રાખ્યો છે. મિલનભાઈ, મેં ગાડી લેવાનું નક્કી કર્યું છે અને તે પણ ઇલેક્ટ્રોનિક, ચાર્જ થઈ શકે એવી કાર, સૌથી પહેલાં તો હું કાર સાથે આવેલો ચાર્જિંગ વાયર સો મીટર લાંબો કરાવીશ ત્યાર પછી આજુબાજુવાળા પાડોશીઓ જયારે સુઈ જાય ત્યારે તેના ફળિયામાં બહાર જે પ્લગ હોય તેમાં ચાર્જિંગનો વાયર ભરાવી અને ગાડી ચાર્જ કરી લઈશ. દર વખતે કોઈ એક જ ઘરે ચાર્જ કરવું આપણા સંસ્કારમા ં નથી. બિચારો બીલ ભરી અને થાકી જાય એટલે સોસાયટીમાં અલગ-અલગ ઘરે રાત્રે વાયર ભરાવવામાં આવશે. બહાર નીકળીશ ત્યારે ૨૦૦ કિલોમીટરથી વધારે મુસાફરી નહીં કરવાની એટલે જ્યાં પહોંચવાનું હોય ત્યાં તેના ઘરે આપણો પગ પડે તે પહેલા તેના પ્લગમાં આપણો વાયર પડે. ચા-પાણી, નાસ્તો કરીએ ત્યાં ગાડી ચાર્જ થઈ જાય. સરકારે બહુ સારી વાત કરી છે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તો ફરી લોકો બેટરીવાળી કાર વાપરવામાંથી વિચલિત થઈ જાય. જ્યાં હાઇવે પર પેટ્રોલ-ડિઝલ પુરાવા ઊભા રહો ત્યાં ચા-પાણી, નાસ્તો કરો એટલે એ પણ ખર્ચ થાય. સરવાળે તમારો પ્રવાસ કેટલો મોંઘો પડે? તેના કરતા સગા વહાલાઓને ચાર્જિંગનો લાભ મળે અને આપણે પણ ચા-પાણી નાસ્તો જમવા સાથે ચાર્જ થઈ જઈએ, વિધાઉટ ચાર્જ.
ચુનિયો આ કરી શકે કારણ મોબાઈલ પણ બીજાના ઘરે ચાર્જ કરતો હોય તો કારનો તો સવાલ જ નથી. મેં ચુનિયાને પૂછ્યું કે 'માની લે હાઇવે પર જતો હોય અને અચાનક બેટરી લો થઈ જાય તો તું શું કરે?' હાજર જવાબી ચુનિયાએ તરત જ જવાબ આપ્યો કે બેટરીમાંથી બેટરી ચાર્જ થઇ શકે તેવો વાયર પણ હું સાથે રાખવાનો છું એટલે રસ્તામાં કોઈ બીજી ગાડી નીકળે તો ઊભી રખાવી મફતમાં ચાર્જ કરી લઈશ તમે ચિંતા ના કરો. બાકી જુની ચાલુ ગાડી પાછળ દોરડું બાંધી ખેંચવાની ટેકનોલોજી હજી નષ્ટ નથી પામી.
બેટરી સંચાલિત કાર લ્યો ત્યારે ચુનિયાની ટેકનિક ધ્યાનમાં રાખજો.
બાળોતિયાના બળેલ હોય તે પેટ્રોલ-ડિઝલના ભાવથી ભાગી બેટરી સંચાલિત કાર લે અને અચાનક વીજળીના યુનિટનો ભાવ વધારો થાય. ખાટલામાં ગમ્મે તે બાજુ માથું રાખીને સુવો, કેડ તો વચ્ચે જ આવે.
વિચાર વાયુઃ ૩ કિમી મોર્નિંગ લોક કરી અને ૧૦૦ ગ્રામ ગાંઠિયા ખાવાથી શરીર સમતોલ રહે છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial