Advertisement
Author: નોબત સમાચાર

વાયરસનું નામ ગોખવું કે સમજવો?

આ લેખ લખતા પહેલા ૨૪ કલાક તો વાયરસનું નામ ગોખતા થયા.

હ્યુમન મેટાન્યુમો વાયરસ. હું તો થોડો ભણેલો છું એટલે ઘરવાળીએ ભૂખ્યો રાખી અને ગોખાવી દીધું પરંતુ અમુક લોકોની હાલત તો એવી છે કે નામ ગોખશે ત્યાં વાયરસની અસર દેશમાં પૂરી થઈ ગઈ હશે. અમૂકને તો શું આવ્યું અને શું ગયું? તે ખબર જ નહીં પડે તેના માટે ચીનથી આવતા વાઈરસ બધા સરખા.

દર વખતે નવો વાયરસ આવે ત્યારે સૌથી પહેલું સોસાયટીના નાકે આવેલ ચાની ટપરી કે પાનના ગલ્લે તેની અસર અને આડઅસર વિશે ગોળમેજી પરિષદ યોજાય.

સિગરેટનો કસ મારી અને ધુમાડાની સાથે સલાહ ફેંકતા ચુનિયાએ આ વખતનો વાયરસ ધ્યાન નહીં રાખો તો તકલીફ કરશે તેવું વિધાન કરે અને સામે ઊભેલા, ધુમાડો ગળતા લોકો તેને પ્રેમથી સાંભળે પણ ખરા.

નવા વાયરસની ઉત્પતિ ચામાચીડિયાના સુપમાંથી ચાલુ થાય અને છેલ્લે લેબોરેટરીમાં બને.

જુદા-જુદા સમુદાયોની પ્રતિક્રિયા પણ જુદી જુદી.

જુદી જુદી જાતના લોકોએ વાયરસનો સામનો કેવી રીતે કરવો તેની સૂચનાઓ વહેતી થશે. ચાલો નજર નાખીએ તો...

ગુજરાતીઓઃ ફાફડા-જલેબી, ભજીયા બનાવવાની સામગ્રી, ખાખરા અને ફાકી, માવા, પાન-મસાલા, મુખવાસનો સ્ટોક ભરી લેવો.

પંજાબીઓઃ પીવાનું, ખાવાનું, પૂરતા સ્ટોકમાં રાખવું ખાસ લસ્સી, ''લસ્સીથી કોરોનાને ડર લાગે છે.'' સવાર- બપોર-સાંજ ૩ ટાઈમ લસ્સીનું સેવન કરવાથી તબિયત સારી રહે છે.

દક્ષિણ ભારતીયોઃ રસમ ગાર્ગલ એક નવો ઉપાય બજારમાં મૂકશે.

દરેક સ્વરૂપમાં ચોખાનો સ્ટોક ખૂટવો ના જોઈએ.

ઘરગથ્થુ ઉપાયોની રેસીપીઓ ઓટલા પરિષદ, વોટ્સએપ મહાવિદ્યાલય, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં વાઇરસ કરતાં વધારે ઝડપે ફેલાશે.

''તુલસી, આદુ, નીમ અને શહદ મિક્સ કરીને દવા બનાવે ત્યાં સુધી વાંધો નથી પરંતુ પછી કંઈક એવું ઉમેરે કે તે પોતે પણ ન ૫ીવે.''

સરસવ તેલથી આંગળી બોળી અને નાકમાં ઘસીને શાંતિથી બેસો. અરે ભાઈ ચિંધાડતા પહેલા એકવાર તમે તો પ્રયોગ કરો. સરસવ તેલની ગરમી અને સુગંધ વાઇરસ ભૂલવાડી દે તે વાત સાચી પરંતુ આ નુસખો ચિંધાડનાર આખી જિંદગી યાદ રહે.

ગુજરાતીઓ એટલા બધા ઘરેલું નુસ્ખા અજમાવે કે શાંતિ ન મળવાને કારણે તમામ વાઈરસ ભાગી જાય!

વાઇરસ શબ્દ સાંભળતા જ સલાહ ચાલુ થઈ જાય.

''ગરમ પાણી પીવો, વાયરસને ગરમીઓથી ડર લાગે છે.'' ''પાંચ મિનિટ માઇક્રોવેવમાં બેસી જાવ તો નામો-નિશાન નહિ રહે.'' (કોનું?)

મારી તો તમને સૌને સલાહ છે કે કોઈની સલાહ માનશો નહીં.

વાયરસની ગંભીરતા સમજતા નથી ફિલોસોફી જાડે.

''આ વાયરસ ટુરિસ્ટ જેવા છે સફરનાં શોખીન,''

''એ તમારાં એક્સ બોયફ્રેન્ડ/ ગર્લફ્રેન્ડ જેવો છે, જાય જ નહીં''

હા વાયરસથી લોકડાઉન આવશે કે નહીં તે ચર્ચા હજી શરૂ થઈ નથી પરંતુ આગોતરા પગલાં સ્વરૂપે મને જાણવા મળ્યું છે કે કોણે શું કર્યું.

સામાન્ય રીતે પુરૂષો ઘરનો ખોરાક ખાવા માટે વધારે ટેવાયેલા હોય છે પરંતુ આ વખતે ગયા લોકડાઉનમાં એક કાવતરાનો ભોગ બની અને ઘરઘાટી તથા રસોયાનું કાર્ય કરવું પડેલું તે ન કરવું પડે એટલે પહેલેથી જ ડિસ્પોઝિબલ પ્લેટ અને ત્રણ મહિના ચાલે તેટલી મેગીનો સ્ટોક કરશે.

જે બાળકો ઓનલાઇન અભ્યાસ કરતા હતા તેમને ઓછો પ્રોબ્લેમ થયો છે પરંતુ જે બાળકોએ ઘરે માતા-પિતા પાસે ગણિતનું શિક્ષણ લીધું છે તે ચાર વર્ષે પણ શીખેલું ભૂલી શકતા નથી. અને સાચું ગણિત ગણી શકતા નથી.

હજુ તો લેખ લખતો હતો ત્યાં ચુનિયાની એન્ટ્રી થઈ. હાથમાં રહેલી કંકોત્રીનો ઘા કર્યો, મને કહે નહીં જીવવા દે મેં પૂછ્યું શું થયું તો મને કહે આ વાઇરસ હું તરત જ ઊભો થઈ ગયો અને બે ફૂટ છેટો ઊભો રહી અને તેને કહ્યું કે ના કે રૂમાલ રાખ.

જોકે પછી મને યાદ આવ્યું કે આ વાયરસ બાળકો માટે ખતરારૂપ વધારે છે બાળક બુદ્ધિ માટે નહીં અને વાયરસ વાયરસને ન વળગે. છતાં સાવચેતીરૂપે હું બે ફૂટ છેટો થઈ ગયો.

ચુનિયાને હાડો હાડ લાગી આવ્યું મને કહે 'હવે તમે પણ મને નહીં સમજી શકો એમ ને? વાયરસ નથી થયો પરંતુ વાયરસ ના વાંકે મારે જે સહન કરવું પડે છે તે કહેવા આવ્યો છું. લગ્નની આ સિઝનમાં માંડ એકાદ જગ્યાએથી જમણવારનું આમંત્રણ આવ્યું ત્યાં આ વાયરસનું બહાનું કાઢી અને આજે ફોન પર મેસેજ આવ્યો કે આપ સૌ સ્વજનો વાઇરસનો ભોગ ન બનો, માંદા ના પડો તે માટે થઈ અને જમણવાર કેન્સલ કરવામાં આવ્યો છે. ચાંદલો મોકલી આપશો. મને તો એકવાર મન પણ થઈ ગયો કે સામો મેસેજ કરૃં કે ભલે માંદો પડું હું તો જમવાનો જ. મિલનભાઈ આને વાયરસ એ બચાવી લીધો બાકી બે દિવસ અગાઉથી ભૂખ્યો રહી અને જમવા જાવાનો હતો.''

અચાનક મારા કાન પાસે આવી અને કહ્યું કે 'આ એક ખાનગી વાત છે બીજા કોઈને ન કહેશો પરંતુ જાણવા મળ્યું છે કે ચીનથી કંડલા પોર્ટ ઉપર બે કન્ટેનર ભરી અને વાયરસ કોઈએ મંગાવ્યા છે. અને તેનું પગેરૂ આપણી સોસાયટીમાં જ નીકળશે તેવું લાગે છે.'

મેં કહ્યું હા સાચી વાત છે બે કન્ટેનર ભરી અને મંગાવ્યા છે અને ત્રીજી લાઈનમાં રહેતા ઓટો મોબાઈલના વેપારી હસમુખભાઈએ મંગાવ્યા છે. પરંતુ તારા જાસુસને કહેજે કે એ વાયરસ નહીં પરંતુ વાઇસર છે. સ્કૂટરના સાઇલેન્સરના વાઇસર. ચીનમાં સસ્તા પડે છે.

હવે તમે ઘરના જ છો તો એક ખાનગી વાત તમને કહી દઉં કે ચીન આવા વાયરસ ભારતમાં શું કામ મોકલે છે. જીન પીંગે બે પેગ મારી એકવાર બકી માર્યું હતું કે જ્યાં સુધી તમે ચાઈનીઝ ભેળ બનાવવાનું બંધ નહીં કરો ત્યાં સુધી અમે વાયરસ બનાવીશું.

આવું તો ઘણું છે ભાઈ કેટલું લખવું?

વિચારવાયુઃ- મોમઃ (સેનીટાઈઝરનો યુઝ) ચિન્ટુ, ધીસ ટાઇમ ઓન્લી પિચુક.. આપણે ઘરે છીયે, નેઇબરનાં ઘરે કે મોલમાં નહીં. સો ઓન્લી પિચૂક... નોટ પીચુક.. પીચૂક... પિચુક...? ઓકે? ગુડ બાય.

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh