Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ફ્લાય ઓવર બ્રિજનું મૂળ ટેન્ડર હતું રૂ. ૧૯૬ કરોડનું અને હકીકતે ખર્ચાયા રરપ કરોડ!!

પાછળથી રેમ્પ કેન્સલ કરવા છતાં ખર્ચ કેમ વધ્યો? રેલવેની જમીનનું બહાનુ કોના ઈશારે?: મેરા નગર મહાન !

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજનું અંતે લોકાર્પણ થયું અને વાહનોની અવરજવર શરૂ થઈ છે... આ ફ્લાય ઓવરના કામ માટેનું ટેન્ડર રૂ. ૧૯૬ કરોડનું મંજુર થયું હતું, જેમાં તગડી ફી ચૂકવ્યા પછી મળેલા અને મંજુર થયેલા નિષ્ણાત કન્સ્ટન્ટની ડિઝાઈન-એસ્ટીમેટ-કામ પૂર્ણ કરવાની મુદ્ત વિગેરે શરતો સાથેના ટેન્ડર મુજબ કામ થયું નથી તે હકીકત છે.

આ કામમાં છેલ્લે છેલ્લે રૂ. ૩૦ કરોડ જેટલો તોતિંગ ભાવ વધારો કરી દેવાયો અને સતાવાર રીતે હવે આ ફ્લાય ઓવર રૂ. રરપ કરોડના ખર્ચે તૈયાર થયો છે.

આ ફ્લાય ઓવરની સંપૂર્ણ ઉપયોગિતા અંબર ચોકડી પાસે રેમ્પ નહીં બનાવાતા ઓછી થઈ રહી છે, અને આ રેમ્પજ અંબર ચોકડી પાસેના ટ્રાફિક જામની સમસ્યા નિવારણ માટે જરૂરી હતો.

પણ... કોણ-જાણે ક્યા પરિબળનું દબાણ આવ્યું... કે કન્સલ્ટન્ટની ડિઝાઈનમાં ફેરફાર કરી દેવાયો, અને અંબર ચોકડી પાસેનો હોસ્પિટલ તરફનો રેમ્પ કેન્સલ કરી દેવાયો... છતાં ખર્ચ ઘટવાના બદલે રૂ. ૩૦ કરોડનો વધારો પણ કરી દેવાયો.

હવે અંબર ચોકડીથી હોસ્પિટલ તરફના રેમ્પની અગત્યતાનું ભાન થયું છે... પણ મ્યુનિ. કમિશનર તો રેલવેની જમીનનું જ બહાનું આગળ ધરે છે... અંબર ચોકડીથી હોસ્પિટલ તરફનો રેમ્પ જ્યારે ડિઝાઈનમાં સૂચવાયો ત્યારે તેમાં રેલવેની કેટલી અને કઈ જમીનની જરૂર દર્શાવાઈ હતી? તે જમીન રેલવે પાસેથી પ્રાપ્ત કરવા અત્યાર સુધી શા માટે પ્રયાસો કરવામાં ન આવ્યા? તેના કરતા પણ વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે નગરની જાણકાર સિવિલ એન્જિનિયરોના જણાવ્યા પ્રમાણે અંબર ચોકડીથી હોસ્પિટલ સુધીના રેમ્પ માટે રેલવેની જમીનની જરૂર જ નથી! અર્થાત્ ચોક્કસ આસામીઓને લાભ થાય તે માટે જ આ રેમ્પ કેન્સલ કરી દેવાયો... અને તેમાં કાયમી કોન્ટ્રાક્ટર પાર્ટીને પણ બખ્ખા થઈ ગયા!

આ ઉપરાંત ફ્લાય ઓવરના સવાબસ્સો કરોડનો ખર્ચ કર્યા પછી પણ અત્યારની અતિ આધુનિક પદ્ધતિ પ્રમાણે ઈલેક્ટ્રીકના કેબલ કન્સીલ્ડ કરવાના બદલે બહાર ટીંગાતા જોવા મળે છે. આ કેસરી કલરના બહાર ફીટ કરાયેલા કેબલમાં ગઈકાલે જ શોર્ટ સર્કીટ થવાના કારણે આગનું છમકલું થયું હોવાના સમાચાર છે... તો આગામી સમયમાં આ કેબલ વધુ જોખમી બની શકે છે.

આ ફ્લાય ઓવરના બન્ને ખૂણે 'યુ-ટર્ન' લેવા માટે પુલ પૂર્ણ થયા પછી ચાર-દસ મીટર પછી વળાંક આપવાની વ્યવસ્થા નથી, જેથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે.

આ ઉપરાંત સમગ્ર ફ્લાય ઓવરમાં ક્યાંય સીસી ટીવી કેમેરા ગોઠવ્યા નથી. પરિણામે પૂરપાટ વેગે દોડતા વાહનો સ્પીડ કંટ્રોલના નિયમોનો ભંગ કરે તો કોઈ પગલાં લઈ શકાય તેમ નથી. પરિણામે આ ફ્લાય ઓવર બ્રિજ પર વાહનો ડીવાઈડર પર ચડી જવાના બનાવો બનવા લાગ્યા છે. એટલું જ નહીં, લુખ્ખા અને બિફીકરા લોકો આ ફ્લાય ઓવર બ્રિજ ઉપર ટુ-વ્હીલરો પર સ્ટન્ટ કરતા થઈ ગયા છે. અવનવા ધડાકા-ભડાકા સાથેના અવાજો સાથે ધૂમ ગતિથી ટુ-વ્હીલરમાં રેસ લગાવતા થઈ ગયા છે. આ તમામ બાબતો અંગે તાકીદે સ્પીડો મીટર, સીસી ટીવી કેમરાની જરૂરી સુવિધા-વ્યવસ્થા કરવાની જરૂર છે.

'નોબત' દ્વારા કન્સીલ્ડ કેબલના બદલે બહાર લટકતા ઈલે. કેબલ અંગે તંત્રનું ધ્યાન ફ્લાય ઓવરનું કામ ચાલુ હતું ત્યારે જ દોરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અંબર ચોકડીથી હોસ્પિટલ સુધીના રેમ્પને શા માટે કેન્સલ કરી દેવાયો તે અંગે સવાલો ઊઠાવતા જ હતાં... પણ તંત્ર દ્વારા આ બાબતે કોઈ દરકાર કરવામાં આવી નથી... જોઈએ... આગળ આ ફ્લાય ઓવર અંગે તંત્ર શું સુવિધા-વ્યવસ્થામાં વધારો કરે છે!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh