Advertisement
Author: નોબત સમાચાર

ભારત સાથે શત્રુતા રાખતા ચીન-કેનેડા ઉપરાંત બાંગ્લાદેશનું વધ્યુ ટેન્શનઃ યુદ્ધો અટકશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ફરી ટ્રમ્પ ચૂંટાતા બદલતા સમિકરણો

વોશિંગ્ટન તા. ૭: અમેરિકાના રાષ્ટ્રપતિ માટે ૪ વર્ષ પછી ફરી સત્તા ઉપર ટ્રમ્પ આવતા ચીન-બાંગ્લાદેશ-કેનેડાના પેટમાં ઉકળતું તેલ રેડાયું છે.

અમેરિકના પ્રમુખપદની ચૂંટણીના પરિણામો સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી શકે છે. ટ્રમ્પના સંબંધો વિશ્વના નેતાઓ સાથે કેવા રહેશે તે અંગે અટકળો ચાલી રહી છે. ટ્રમ્પ યુદ્ધ અટકાવી શકશે કે નહીં, ટ્રમ્પની વિદેશ નીતિ શું હશે, ઈરાન અને ચીન સાથે અમેરિકાના સંબંધો કેવા હશે તેની ચર્ચા કલાકો સુધી થઈ શકે છે, પરંતુ ટ્રમ્પની જીતની ભારતના 'દુશ્મનો' પર શું અસર પડશે? શું ટ્રમ્પ ભારતના દુશ્મનો સાથે કડક વ્યવહાર કરશે અથવા બાઈડન વહીવટી તંત્રની જેમ રાજદ્વારી રમતો રમશે? વાસ્તવમાં પાકિસ્તાનનું હવે કોઈ મહત્ત્વ જ રહ્યું નથી, પરંતુ ભારતના ત્રણ સૌથી મોટા દુશ્મન ચીન, બાંગ્લાદેશ અને કેનેડા છે.

બાંગ્લાદેશમાં ભારત વિરોધી બળવા પાછળ અમેરિકાનો હાથ હોવાનું માનવામાં આવતું હતું. હવે જ્યારે થોડા મહિનામાં અમેરિકામાં સત્તા પરિવર્તન થવાનું છે ત્યારે અમેરિકા તેની સાથે કેવું વર્તન કરશે? તેની અટકળો વચ્ચે બાંગ્લાદેશની વચગાળાની સરકાર વિમાસણમાં મૂકાઈ છે.

ચીનને લઈને ટ્રમ્પની વ્યૂહરચનાનું અનુમાન લગાવવું મુશ્કેલ નથી. તેઓ તેમના પ્રથમ કાર્યકાળ કરતા વધુ કડક વલણ અપનાવી શકે છે.

કેનેડાનો ખાલિસ્તાની એજન્ડા આ રીતે ચાલુ રહેશે કે તેના પર અંકુશ આવશે તેની અટકળો થઈ રહી છે. તો બીજી તરફ ભારતનો પાડોશી દેશ જેની સાથે ભારતના દાયકાઓથી સારા સંબંધો હતા. જેની સાથે ભારતે પૂરી ઈમાનદારી સાથે મિત્રતા નિભાવી, પરંતુ આ  ઓગસ્ટ મહિનામાં શેખ હસીના સરકારને ઉથલાવી દેતા બાંગ્લાદેશનો સૂર બદલાઈ ગયો હતો, જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરૂદ્ધ મોટા પાયે હિંસા કરવામાં આવી હતી, ત્યારે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ભારત તરફ જોવાની હિંમત શરૂ કરી હતી. પોતાનો જીવ બચાવવા ભારત આવેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારતે આશ્રય આપ્યો ત્યારે યુનુસ સરકારના મંત્રીઓએ ધમકીભર્યા સ્વરમાં વાત કરવાનું શરૂ કર્યું હતું.

બાંગ્લાદેશમાં અમેરિકાના ઉશ્કેરણી પર આ બધું કરી રહ્યો હતો અને જ્યારે તે યુનુસને મળી રહ્યો હતો ત્યારે બાયડેન અને મોહમ્મદ યુનુસ વચ્ચેની મુલાકાતની તસ્વીરો ઘણું કહી જતી હશે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીના અવસર પર પોતાની પોસ્ટ દ્વારા બાંગ્લાદેશ સાથે કેવો વ્યવહાર કરશે તેનો સંકેત આપ્યો હતો. ટ્રમ્પે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરૂદ્ધ હિંસા અને તેમની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો હતો. તેમણે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના હિન્દુઓની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.

સૌથી મહત્ત્વની વાત એ છે કે ટ્રમ્પને મોહમ્મદ યુનુસ પસંદ નથી, જેઓ હાલમાં બાંગ્લાદેશના વડા છે. તેમની આંખોમાં આંસુ પણ છે. એવા આરોપો છે કે યુનુસે ર૦૧૬ ની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પ વિરૂદ્ધ ફંડિંગ કર્યું હતું. જેના કારણે ટ્રમ્પ તેમનાથી ખૂબ નારાજ હતા.

પ્રમુખપદની પ્રથમ ચૂંટણી જીત્યા પછી ટ્રમ્પ જ્યારે બાંગ્લાદેશના પ્રતિનિધિ મંડળને મળ્યા ત્યારે તેમણે યુનુસ વિશે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે 'ઢાકાનો તે માઈક્રો ફાઈનાન્સ ક્યાં છે?' તે આગામી દિવસોમાં બાંગ્લાદેશ પ્રત્યે કેવું વલણ અપનાવશે તે જાણી શકાય છે.

ચીન ભારતને એશિયામાં પોતાનો સૌથી મોટો પ્રતિસ્પર્ધી માને છે. ભારત માત્ર વેપારમાં જ નહીં, પરંતુ વ્યૂહાત્મક રીતે પણ વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે. આનાથી તેની બળતરા વધવા લાગી છે. ઉલટાનું ચીનના આક્રમક અને વિસ્તરણવાદી વલણને કારણે વિશ્વના મોટાભાગના દેશો ચીનની ટીકા કરી રહ્યા છે.

ટ્રમ્પ જ્યારે પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે ચીન સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું. આ વખતે તે એક ડગલું આગળ વધી શકે છે. ટ્રમ્પે તેમની ચૂંટણી રેલીઓમાં ચીનની આયાત પર ટેરિફ વધારવાનું વચન આપ્યું હતું. એવી પૂરી સંભાવના છે કે જ્યારે તેઓ વ્હાઈટ હાઉસમાં હશે ત્યારે તેઓ ચીન વિરૂદ્ધ આકરા નિર્ણયો લઈ શકે છે. વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રે બન્ને દેશ વચ્ચે સંઘર્ષ અને સ્પર્ધા વધશે. શક્ય છે બે બન્ને વચ્ચે ફરી એકવાર વેપાર યુદ્ધ શરૂ થઈ શકે.

ચીનની અર્થવ્યવસ્થા હાલમાં ખૂબ જ નબળા તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પની ચૂંટણી બેઈજિંગ માટે એક મોટો ઝટકો છે. ટ્રમ્પની જીત પર ડ્રેગનની નિરાશા તેના નિવેદનમાં પણ જોવા મળી હતી. ચીને કહ્યું કે તે પરસ્પર સન્માનના આધારે અમેરિકા સાથે કામ કરવાનું ચાલુ રાખશે. ચીનના નિવેદનમાં એવો ઉત્સાહ નહોતો જેવો ભારતીય વડાપ્રધાનના અભિનંદન સંદેશામાં જોવા મળ્યો હતો. તેણે ટ્રમ્પને પોતાનો મિત્ર ગણાવીને અભિનંદન આપ્યા હતાં.

આવતા વર્ષે કેનેડામાં ચૂંટણી યોજાવાની છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની હાલત સારી નથી. તેમની જ પાર્ટીના નેતાઓએ તેમના રાજીનામાની માંગ કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીએ તેમના નેતૃત્વમાં આગામી ચૂંટણી લડવી જોઈએ નહીં. ઘરઆંગણે અનેક મુદ્દાઓથી ઘેરાયેલા ટ્રુડોએ તેમાંથી બહાર નીકળવા રાજકીય જુગાર રમ્યો હતો, જે હવે બૂમરેંગ પૂરવાર થશે.

ટ્રુડોએ ગયા વર્ષે કેનેડામાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારત પર પાયાવિહોણા આક્ષેપો કર્યા હતાં, જ્યારે ભારત સરકારે ટ્રુડોના એજન્ડાનો પર્દાફાશ કર્યો ત્યારે જ તેમણે સ્વીકાર્યું કે તેમણે કોઈપણ પુરાવા વિના તમામ આરોપો કર્યા હતાં.

અત્યાર સુધી બાઈડન-શાસન આ મામલે ટ્રુડોને મોટાભાગે સમર્થન આપતું હતું, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ આવી બાબતોમાં કેનેડાને સમર્થન આપવાના નથી આપવાના નથી, તેથી ટ્રમ્પના આગમન સાથે ટ્રુડોએ ભારત વિરોધી એજન્ડાથી પાછળ હટવું પડશે. તેઓએ ખાલિસ્તાન પ્રત્યેના પ્રેમને બાજુ પર રાખીને ભારત સાથે વધુ સારૂ વર્તન કરવું પડશે.

કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની સંખ્યા ઘણી વધારે છે અને ખાલિસ્તાન તરફી નેતાઓએ ટ્રુડો સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું છે. એવું માનવામાં આવે છે કે ટ્રુડોએ માત્ર ખાલિસ્તાની વોટ બેંકને આકર્ષવા માટે ભારત વિરોધી ચાલ રહી હતી, જે હવે સફળ થાય તેમ લાગતું નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh