Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દિવાળી પર્વ પર રંગોળીઓથી આંગણાઓ થયા ઝળહળ

નઇ સૂરત ઉમંગો કો મિલી રંગોલી સે, નઇ પહચાન રંગો કો મિલી રંગોલી સે...

દિવાળી ફક્ત એક દિનનો તહેવાર નથી પરંતુ પર્વમાલા છે આ ઉત્સવની શ્રૃંખલામાં રંગોળીઓનું પરંપરાગત મહત્ત્વ છે. જામનગરમાં આંગણે - આંગણે લોકોએ પોતપોતાની પસંદ અને પ્રતિભા અનુસાર રંગોળીઓ રચીને નવા વર્ષનું રંગભર્યા શુકનમાં સ્વાગત કર્યુ હતું.  જે પૈકી અમુક પ્રતિનિધિરૂપ રંગોળીઓ અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.

રોશની પાડલીયાએ અયોધ્યાની થીમ પર રચી રંગોળી

નગરનાં જાણીતા રંગોળી આર્ટીસ્ટ રોશની પાડલીયાએ આ વખતે અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ પછીની પ્રથમ દિવાળીની થીમ પર ચિરોડીનાં રંગ ઉપરાંત ફૂલ - ચોખા, હળદર અને દિપક સહિતની શુકનવંતી સામગ્રીથી રંગોળી રચી હતી.

હાર્દિકા લાખાણીની રંગોમાં કુદરતનાં રંગો..

નગરનાં જાણીતા રંગોળી આર્ટીસ્ટ હાર્દિકા લાખાણી દ્વારા જળાશયમાં વિહાર કરતા હંસની રંગોળી રચી કુદરતી સૌંદર્યનો જાદુ જીવંત કરવામાં આવ્યો હતો ઉપરાંત ફૂલોની વેલ વડે સુંદરીની મુખાકૃતિ ઉપસાવી તહેવારોનાં ઉમંગમાં શ્રૃંગાર રસની છાંટ ઉમેરવામાં આવી હતી જેને પગલે મનમોહક ભાવચિત્ર સાકાર થયું હતું.

રાણકી વાવ રંગોમાં જીવંત કરતા રિધ્ધિ પરમાર

નગરમાં અંબાજીનાં ચોક વિસ્તારમાં રિધ્ધિ પરમાર દ્વારા પાટણની વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવની શિલ્પ આકૃતિને રંગોળીમાં આબેહૂબ જીવંત કરતા રંગોળી નિહાળનારાઓ મંત્ર મુગ્ધ થઇ ગયા હતાં.

અમોલી ગુસાણીએ ઉપસાવ્યા તળાવની પાળનાં રંગ..

અમોલી ગુસાણી દ્વારા ઘર આંગણે ઝરુખા તથા તળાવની પાછળ મનોરમ દૃશ્ય રંગોળીમાં સાકાર કરવામાં આવ્યું હતું. જેને પગલે દિવાળીની ઉજવણીમાં સ્થાનિક બેનમૂન સ્થાપત્યનો રંગ પણ ઉમેરાયો હતો.આ રંગોળી ૧૩ કલાકની જહેમતથી સાકાર થઇ હતી.

શિવાની મોદી કાનાણીની શ્રીજી વંદના

નગરની શિવાની મોદી કાનાણીએ ભગવાન શ્રીનાથજીની છબિ રંગોળીમાં સાકાર કરી ઉત્સવમાં ભક્તિનાં રંગો ઉમેરી ધર્મનગરી 'છોટીકાશી' ને શોભે એવા અંદાજમાં દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

મિત્તલ ઘોરેચાએ રચી શિવાલયનાં ગર્ભગૃહની ઝાંખી

નગરનાં જાણીતા ચિત્રકાર અને રંગોળી આર્ટીસ્ટ મિત્તલ ઘોરેચાએ આઠ બાય ચાર ફૂટની રંગોળીમાં શિવાલયનાં ગર્ભગૃહની ઝાંખી તૈયાર કરી હતી. શિવલિંગ સ્વરૂપે ભગવાન ભોલેનાથને દર્શાવતી આ રંગોળી નિહાળી સાચે જ કોઈ શિવાલયમાં આપણે દર્શન કરતા હોઇએ એવો ભાવ મનમાં જાગ્યો હતો.

માંકડ પરિવારની 'શક્તિ'ના રૂપો પ્રગટ કરતી રંગોળી

નગરનાં સચિનભાઇ માંકડનાં પરિવાર દ્વારા મહિલાને શિક્ષક, ગૃહિણી, પોલીસકર્મી તથા ડોક્ટર સહિતનાં રૂપોમાં દર્શાવી અને સાથે આદ્યશક્તિને પ્રતિક રૂપે દર્શાવી અને સ્ત્રીને શક્તિ સ્વરૂપે રજૂ કરી હતી.

સેજપાલ પરિવારની રંગોળીમાં મુરલી મનોહર...

શહેરમાં સ્વરિત એપાર્ટમેન્ટમાં શ્રીરામ સેજપાલ તથા ખ્યાતિ સેજપાલ અને વરદા પંડ્યા દ્વારા રંગોળીમાં ભગવાન શ્રી કૃષ્ણનાં મુરલી મનોહર સ્વરૂપની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. દિવડાઓ અને તોરણ સાથેની રંગોળી શુકનવંતી અને શોભાયમાન લાગતી હતી.

રંગોળીમાં લગ્નની મૌસમ

ક્રિપાબેન રામાણી, નિશાબેન પટેલ તથા પ્રજ્ઞાબેન રામાણી દ્વારા લગ્નસરાની મૌસમને અનુરૂપ રંગોળી તૈયાર કરી ઉત્સવોમાં શુકનવંતા દામ્પત્ય જીવનની છબિને અંકિત કરવમાં આવી હતી.

રામાણી પરિવારની રંગોળીમાં જીયો મેટ્રીક થીમ

દિશાબેન રામાણી, જીયાબેન રામાણી, નીતાબેન રામાણી તથા હિનાબેન રામાણી દ્વારા જીયો મેટ્રીક થીમની રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જે પરંપરાનાં રંગોમાં વિજ્ઞાનની આભા પ્રગટ કરનારી બની રહી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh