Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના સુમરા ગામમાં માતાએ ચાર સંતાન સાથે કૂવો બૂરતા અરેરાટી

મૃતકના ભાઈનું પોલીસે નોંધ્યું નિવેદનઃ છ મહિનાના સંતાને ગૂમાવી માતાની છત્રછાયાઃ સમગ્ર પંથક હિબકે ચઢયોઃ

જામનગર તા. ૪: ધ્રોલના સુમરા ગામમાં વસવાટ કરતા એક ભરવાડ મહિલાએ ગઈકાલે પોતાના બે પુત્રી, બે પુત્રને સાથે રાખી ગામની સીમમાં આવેલા કૂવામાં ઝંપલાવી આત્મહત્યા વ્હોરી લેતાં અરેરાટી પ્રસરી ગઈ છે. મૃતક મહિલાના ભાઈએ પોતાની બહેનને બાળકો સાથે અગમ્ય કારણથી આત્મહત્યા કર્યાનું પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. આ મહિલા છ મહિનાની પુત્રીને ઘેર રાખી ચાર સંતાનને સાથે રાખી ઘર થી નીકળ્યા પછી પાંચેય મૃતદેહ કૂવામાંથી મળતા નાનકડુ એવું સુમરા ગામ હિબકે ચઢ્યું છે. સંભવિતઃ રીતે આર્થિક સંંકળામણે પાંચ માનવ જિંદગીનો ભોગ લીધો છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આવેલા સ્મશાન નજીકના એક કૂવામાં ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે ભાનુબેન જીવાભાઈ નામના મહિલા તથા તેમના ચાર સંતાન તરતા જોવા મળતા ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા.

ગામલોકોએ તે વ્યક્તિઓને બહાર કાઢવાના શરૂ કરેલા પ્રયાસો દરમિયાન કૂવામાંથી ભાનુબેન તથા તેમના પુત્ર આયુષ, પુત્રી અંજુબેન, બીજી પુત્રી આનંદીબેન અને પુત્ર ઋત્વિકના મૃતદેહો બહાર કાઢી શકાયા હતા.

આ બાબતની મોડીસાંજે પોલીસને જાણ કરાતા ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધા પણ સુમરા ગામે દોડી ગયા હતા. પોલીસે પાંચેય મૃતદેહને પીએમ માટે જામનગરની મેડિકલ કોલેજમાં ખસેડવાની તજવીજ કરી હતી.

તે દરમિયાન નારણભાઈ ભલાભાઈ ચાવડીયાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. મૂળ ધ્રોલના વિરાણી ખીજડીયા ગામના વતની અને હાલમાં રાજકોટમાં રહેતા નારણભાઈએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. જેમાં જણાવવામાં આવ્યા મુજબ તેમના બહેન ભાનુબેન (ઉ.વ.૩૨)એ પોતાના મોટા પુત્ર આયુષ (ઉ.વ.૧૦), નાના પુત્ર ઋત્વિક (ઉ.વ.૪), મોટી પુત્રી અંજુબેન (ઉ.વ.૮) તથા નાની પુત્રી આનંદી (ઉ.વ.૬)ને કૂવામાં ધકેલી દઈ પોતે પણ કૂવામાં ઝંપલાવી લઈ કોઈ અકળ કારણથી આત્મહત્યા કરી લીધી છે.

ઉપરોક્ત નિવેદન પરથી પોલીસે બીએનએસએસની કલમ ૧૯૪ હેઠળ અપમૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ ભાનુબેન જીવાભાઈ ટોરીયા તથા તેમના પતિ સહિતના વ્યક્તિઓ સુમરા ગામમાં વસવાટ કરે છે. થોડા મહિના પહેલાં ભાનુબેનના સાસુનું અવસાન થયું હતું. તે પછી ભાનુબેન પાંચ સંતાન સહિતનો પરિવાર હવે કેવી રીતે જીવન નિર્વાહ કરશે તેવી ચિંતા અનુભવતા હતા.

થોડા સમયથી આર્થિક સંકળામણનો અનુભવ કરતા ભાનુબેન ટોરીયાએ ગઈકાલે પોતાના બાળકો સાથે આત્મ હત્યા કરી લેવાનો કઠોર નિર્ણય કર્યાે હોય તે રીતે ગઈકાલે બપોરે પોતાના એક સંતાન (પુત્રી)ને ઘેર રાખી જે શાળામાં પોતાની પુત્રી અભ્યાસ કરતી હતી ત્યાં જઈ બહાનુ બતાવી શાળામાંથી રજા મેળવી હતી. તે પછી આયુષ, અંજુબેન, આનંદીબેન અને ઋત્વિકની સાથે ભાનુબેન ઘેર પહોંચ્યા ન હતા. તેથી પતિ સહિતના પરિવારજનો ચિંતિત બની તેઓની શોધખોળ કરતા હતા.

તે દરમિયાન બપોરે આ મહિલા શાળા તરફથી ચાર બાળકો સાથે નીકળ્યા પછી સ્મશાન તરફ જતા હતા તેમ કોઈએ કહેતા પરિવારજનો સ્મશાન તરફ દોડી ગયા હતા. જ્યાં એક કૂવામાં ભાનુબેન અને તેમના બે પુત્ર અને બે પુત્રી જોવા મળતા ભારે દેકારા વચ્ચે પાંચેય વ્યક્તિને બહાર કાઢવાના પ્રયત્નો કરાયા હતા પરંતુ પાંચેય વ્યક્તિના મૃતદેહ જ કૂવામાંથી નીકળી શક્યા હતા. આ બનાવે નાનકડા એવા સુમરા ગામમાં ગમગીની પ્રસરાવી દીધી છે.

આજે સવારે પીએમ પછી મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવતા અને પાંચેય હતભાગીઓની અંતિમયાત્રા નીકળતા ભારે રડારોળ વચ્ચે આખુ ગામ હિબકે ચડ્યું હતું. માતા તથા પુત્રને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો અને ત્રણ બાળકોની દફનવિધિ કરવામાં આવી હતી. જે પુત્રીને ઘરે રાખીને ભાનુબેન નીકળી ગયા હતા તે પુત્રીની ઉંમર હાલમાં છએક મહિનાની હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh