Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ગત રાત્રે સંસદસભ્ય પૂનમબેન માડમે આપી માહિતીઃ પી.એમ. અને રેલવેમંત્રીને બિરદાવ્યાઃ
જામનગર તા. ૨૭: કેન્દ્ર સરકાર દ્વારા કાનાલુસ-ઓખા ડબલીંગ લાઈનના રૂ. ૧૪૫૭ કરોડના પ્રોજેકટને મંજુરી મળી ગઈ હોવાની જાહેરાત ગતરાત્રે સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રેસકોન્ફરન્સમાં કરી હતી.
ગત રાત્રે ખાસ બોલાવાયેલી પત્રકાર પરિષદમાં સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યુ હતું કે, જામનગર-હાલારને કેન્દ્ર સરકારશ્રી દ્વારા આંતર માળખાગત સુવિધામાં ખૂબ જ ઉપયોગી અને મેગા રેલ્વે પ્રોજેકટની ભેટ પીએમ ગતિશકિત નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત મળવાની જાહેરાત આપણા સૌ માટે આનંદ અને ગૌરવપ્રદ બાબત બની રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આપણા છેવાડાના ગણાતા હાલારના બન્ને જિલ્લામાં કલ્પના પણ ન કરી હોય તેવા વિકાસ કામોની ભેટ ધરી છે. જેમાં સીગ્નેચર બ્રિજ, ગ્લોબલ ટ્રેડીશનલ મેડીસીન રિસર્ચ સેન્ટર જેવા મહત્ત્વના અને વિશ્વમાં જેની ગણના થાય તેવા વિકાસ કામોની ભેટ આપણને મળી છે. આજે હાલારનું નામ કેન્દ્રમાં અને રાજય સરકારમાં અતિ મહત્ત્વના ભૌગોલિક જિલ્લા તરીકે પ્રસ્થાપીત થયુ છે અને મારા સંસદસભ્ય તરીકે ના કાર્યકાળમાં જ હાલારની દરેક રજુઆતો, જરૂરીયાતો, સુવિધાઓને કેન્દ્ર સરકારે મંજુર કરી છે અને હાલારની જનતાની દરેક બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ચારે તરફ સર્વાગી વિકાસની દીર્ધદૃષ્ટીનો અભિગમ, નિર્ણય શકિત અને ખાસ કરીને દેશના છેવાડા સુધી તમામ સુખ-સુવિધા મળી રહે તેવા કામોને ઝડપથી પૂર્ણ કરવાની કટીબદ્ધતાનો અનુભવ સમગ્ર દેશવાસીઓ કરી રહયા છે.
દેશના વિકાસમાં સૌથી મહત્ત્વનું પરીબળ હોય તો તે છે રોડ, રેલ્વે, હવાઈ માર્ગની આંતરમાળખાગત પરીવહન સુવિધાની પુર્તિ કરવી. રેલ્વે દ્વારા ખાસ કરીને આપણા હાલારના બન્ને જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ૧૦ વર્ષમાં દેશના દરેક મોટા શહેર દેશના ત્રણેય છેવાડાના સ્થળો સુધી લાંબા અંતરની ટ્રેનો મળી છે. આ ટ્રેનોની ફિકવન્સી અને ઝડપ વધારવા અને ખર્ચ ઘટાડવા ઈલેકટ્રીફીકેશનનું નેટવર્ક વિસ્તરી રહયું છે. જેમાં હવે તો ઓખા સુધી અને બીજી તરફ પોરબંદર સુધી ઈલેકટ્રીફીકેશન થઈ ગયું છે. પેસેન્જર ટ્રેનોની ફિકવન્સી વધારવા માટે સૌ કોઈ માંગણી કરી રહયા છે ત્યારે વધુને વધુ ટ્રેનોને દોડાવવા માટે ડબલ ટ્રેકની જરૂર પડી રહી છે. ત્યારે આપણને રાજકોટ થી કાનાલુસ અને હવે કાનાલુસ થી ઓખા સુધી રેલવેના ડબલ ટ્રેકના વિકાસ કામની મંજુરી મળી ગઈ છે. આ ડબલ ટ્રેકની લંબાઈ ૧૫૯ કિ.મી. છે. જેમાં સાત મેજર બ્રિજ આવે છે અને બાર સ્ટેશનોને સાંકળી લેશે.
રાજકોટથી કાનાલુસ સુધીના ડબલ ટ્રેકનું કામ લગભગ ૭૦% જેટલુ પૂર્ણ થયુ છે અને આગામી જૂન ૨૦૨૬ માં આ કામ પૂર્ણ થવાની ધારણા છે. ત્યારે કેન્દ્ર સરકારે કાનાલુસ થી ઓખા સુધી ડબલ ટ્રેકના કામને મારી ભારપૂર્વકની રજુઆતને વ્હેલાસર સફળતા મળી છે અને કેન્દ્ર સરકારે આ કામ માટે રૂ. ૧૪૫૭/- કરોડની ફાળવણી કરી છે. અર્થાત હવે આ કામ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે.
ઓખાથી દ્વારકા, દ્વારકા થી ખંભાળીયા-વાડીનાર, ખંભાળીયા થી કાનાલુસ-જામનગર સુધીના પટ્ટામાં ભારતની મહાકાય ઓઈલ રીફાઈનરીઓ તેમજ અન્ય મોટા ઉધોગોના કારણે ગુડઝ ટ્રેન, ટેન્કર ટ્રેનની વ્યાપક અવર-જવર રહે છે.
પૂનમબેને વધુમાં જણાવ્યુ હતું કે, હાલના સંજોગોમાં માલ-સામાન- ઓઈલ-પેટ્રોલ-ડીઝલના પરીવહનને પણ મહત્ત્વ આપવુ જ પડે છે. જેના કારણે પુરતો ટ્રાફિક મળી રહેવાની ખાત્રી હોવા છતા આપણને રાજકોટ સુધી કે અમદાવાદ ટર્મીનેટ થનારી ટ્રેનોને જામનગર-દ્વારકા-ઓખા સુધી લંબાવી શકતા નથી જેથી રાજકોટ થી ઓખા સુધી ડબલ ટ્રેકની પ્રાથમિકતા સાથે અતિ મહત્વની જરૂરિયાત હતી, જે હવે આગામી ત્રણ-ચાર વર્ષમાં પરીપૂર્ણ થશે તેવો વિશ્વાસ છે જેથી ટેન્કર/ગુડઝ ટ્રેનના અવર-જવરને અસર ન થાય અને ઉલ્ટાની તેની ફિકવન્સી પણ વધે તે રીતે પેસેન્જર ટ્રેનોના ક્રોસીંગની સમસ્યા, સીંગલ ટ્રેકના કારણે ખાલી ટ્રેક નહી મળવા જેવી બાબતોના પણ છેદ ઉડી જશે. ઈલેકટ્રીફીકેશન અને ડબલ ટ્રેક થઈ જવાથી હાલારના બન્ને જિલ્લાને ટ્રેનોની મહત્તમ અને શ્રેષ્ઠ સુવિધાઓ મળશે તે દૃષ્ટીએ હાલારને રેલવે ક્ષેત્રે મળેલી આ વિકાસ કામની ભેટ આપણા સૌ માટે ઐતિહાસિક બની રહેશે.
હાલારના બન્ને જિલ્લામાં કેન્દ્ર સરકારના નેશનલ હાઈવેનો પ્રોજેકટ, કોસ્ટેલ હાઈવેનો પ્રોજેકટ, હાલારના રેલ્વે સ્ટેશનોને આધુનીક બનાવવાના કામ, જામનગરના એરપોર્ટનું અપગ્રેડેશન, દ્વારકામાં એરપોર્ટનું નિર્માણ જેવા વિકાસ કામો પુર ઝડપે થઈ રહયા છે. સાંસદે ઉમેર્યુ હતું કે, મારા સંસદસભ્યના કાર્યકાળમાં કદાચ ગુજરાતમાં અન્ય તમામ સંસદીય મતક્ષેત્રો કરતા સૌથી વધુ કિંમતના અને સૌથી વધુ મહત્વના લોકોપયોગી વિકાસ કામો મંજુર થયા છે, પૂર્ણ થયા છે અને બાકીના પ્રોજેકટના કામ પુરજોશમાં ચાલી રહ્યા છે.
સંસદસભ્ય પૂનમબેન માડમે કાનાલુસથી દ્વારકા-ઓખા સુધીના રૂ.૧૪૫૭ કરોડના મેગા પ્રોજેકટને મંજુરી મળે છે તે માટે હાલારની જનતાનો, હાલારના જાગૃત નાગરિકો અને સંસ્થાઓ વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વીની વૈષ્ણવ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
કાનાલુસ-ઓખા ડબલ ટ્રેકની સુવિધાથી થનારા ફાયદા
રાજકોટથી કાનાલુસ અને હવે કાનાલુસ થી દ્વારકા-ઓખા સુધી રેલ્વે ઈલેકટ્રીફીકેશન સાથે ડબલ ટ્રેકની સુવિધા મળવાથી આગામી ટુંક સમયમાં જ ખાસ કરીને ખાધ મીઠા ઉદ્યોગના ઉત્પાદનનું પરીવહન ઝડપી બનશે અને તેના કારણે આ ઉધોગથી આર્થિક વૃદ્ધીમાં મોટો વધારો થશે.
ઓખા બંદર તથા સલાયા બંદરે થી રેલવે દ્વારા માલ પરીવહનમાં વધારો થવાથી આ બન્ને બંદરોના વિકાસ સાથે આર્થિક મજબુતીકરણ થશે. ડબલ ટ્રેકની સુવિધા મળવાથી અંદાજે પ્રતિ વર્ષ ૧૧ મીલીયન ટનનો ટ્રેઈટ ટ્રાફિક વધશે.
વિશ્વનું સુપ્રસિદ્ધ જગતમંદિર દ્વારકાધીશ ભગવાનનું મંદિર તેમજ દ્વાદશ જયોતીર્લીંગ પૈકીનું નાગેશ્વર જયોતીર્લીંગ હાલારમાં છે. આ ઉપરાંત બ્લુ ફલેગ, સિગ્નેચર બ્રિજ સાથે જોડાઈ ગયેલ બેટદ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરો અને શીવરાજપુર બીચ પણ છે. જયાં દર વર્ષે સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ ભારત ભરમાંથી અને વિદેશો માંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ-યાત્રાળુઓ આવે છે તેમના માટે રેલવેની સુવિધા ઝડપી, સલામત અને શ્રેષ્ઠ બની રહેશે.
પર્યાવરણનું સંતુલન પણ જાળવવામાં આ વિકાસ કામ અગત્યનું બની રહેશે. જેનાથી ૧૪ કરોડ કિલો જેટલા કાર્બન ડાયોકસાઈડની અસર ઘટી જશે. જે માટે આપણે કદાચ ૫૦ લાખ વૃક્ષો વાવીને ઉછેરવા પડે. દર વર્ષે અંદાજે ૩ કરોડ લીટર ડીઝલની બચત થશે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે દર વર્ષે માલ પરીવહન અને લોજીસ્ટીક ખર્ચમાં રૂ.૩૧૧ કરોડની બચત થશે.
બીજા શબ્દોમાં આ ઈલેકટ્રીફીકેશનનો અને ડબલ ટ્રેકનો જંગી ખર્ચ માત્ર ગણતરીના વર્ષોમાં જ સરભર થઈ જશે. એમ પણ કહી શકાય. તેમ પત્રકાર પરિષદ દરમિયાન સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial