Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં લોકશાહીના મહાપર્વનો અનેરો ઉત્સાહઃ
૧૨-જામનગર લોકસભા બેઠક માટે આજે સવારથી મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો લાગી ગઈ હતી. ગરમીના પ્રકોપને ધ્યાને લઈને મતદારોએ ૧૦-૧૧ વાગ્યા પહેલા જ મતદાન કરવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર જે. પી. મારવીયાએ મતદાન કરી સૌ મતદારોના સાંજ સુધીમાં વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
ઘણાં મતદાન મથકો પર સવારથી જ લાઈનો લાગી હતીઃ સલાયામાં સવારે મતદાન માટે મહિલાઓ ઉમટી હતીઃ ફલ્લામાં સાડાચાર કલાકમાં ૪૦% મતદાનઃ
લોકસભાની જામનગરની બેઠક માટે બપોરે એક વાગ્યા સુધીમાં હાલારમાં ૩૪.૬૨% મતદાન
જામનગર તા. ૭: લોકશાહીના મહાપર્વ સમાન આજે સવારે ગુજરાતની સાથે હાલારમાં પણ વહેલી સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. પ્રથમ બેક કલાકમાં સરેરાશ ૮.૮૮ ટકા અને બપોરે ૧ વાગ્યા સુધીમાં હાલારમાં સરેરાશ ૩૪.૬૨ ટકા મતદાન થયું હતું. આજે સવારે જ સાંસદ, સાધુ-સંતો, મહંતો, ધારાસભ્યો, આગેવાનો, કોંગી ઉમેદવાર વગેરેએ પોતાની મતદાનની પવિત્ર ફરજ બજાવી હતી.
ભારતમાં લોકશાહીનું પર્વ મનાવાઈ રહ્યું છે. આજે ત્રીજા તબક્કામાં રાજ્યની રપ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સાંસદ પૂનમબેન માડમ, કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા, રાજ્ય સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ અને મૂળુભાઈ બેરા, રાજ્ય સભાના સાંસદ અને રિલાયન્સના કોર્પોરેટ અફેર્સ તેમજ ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી, ધારાસભ્ય પબુભા માણેક, દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, મેયર વિનોદ ખીમસૂર્યા, તેમજ પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીએ મતદાન કર્યું હતું. જામનગર શહેરમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે, અને વૃદ્ધો, અશક્તો, દિવ્યાંગો, યુવાનો, મહિલાઓ વગેરે મતદન મથકોએ પહોંચી રહ્યા છે અને પોતાની ફરજ સુપેર નિભાવી રહ્યા છે. હવાઈચોક, સુધરાઈના ડેલામાં એક દિવ્યાંગ દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય અનેક બુથમાં વયોવૃદ્ધ મતદાતાએ મતદાન કર્યું હતું.
૧ર-જામનગર લોકસભા બેઠકમાં આજે સવારે મતદાન પ્રક્રિયાનો ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. સવારે ૭ થી ૯ એમ પ્રથમ બે કલાકમાં સરેરાશ ૮.૮૮ ટકા મતદાન થયું હતું. જેમાં ૭૬-કાલાવડ બેઠકમાં ૧૧.૮૬ ટકા, ૭૦-જામનગર (ગ્રામ્ય) માં ૯.૬૦ ટકા, ૭૮-જામનગર (ઉત્તર) માં ૮.૧૧ ટકા, ૭૯-જામનગર (દક્ષિણ) માં ૭.પ૮ ટકા, ૮૦-જામજોધપુરમાં ૯.૭૪ ટકા, ૮૧-ખંભાળિયામાં ૭.૭પ ટકા અને ૮ર-દ્વારકામાં ૮.૧૬ ટકા મતદાન થયું છે.
આમ પ્રથમ બે કલાકમાં જામનગરની બેઠક હેઠળની વિધાનસભાની સાત બેઠક વિસ્તારમાં સૌથી ઓછું દ્વારકા અને સૌથી વધુ કાલાવડમાં મતદાન થયું છે.
સવારે સાત વાગ્યે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો અને પ્રથમ બે કલાકમાં ૮.૮૮ ટકા મતદાન થયા પછી સવારે ૯ થી ૧૧ ના બે કલાકમાં વધુ ૧ર ટકાનો વધારો થતા સરેરાશ ર૦ ટકા જેટલું જામનગર બેઠકમાં મતદાન થયું છે. જેમાં ૭૬-કાલાવડ વિધાનસભા બેઠકમાં ર૬.૪૩ ટકા, ૭૭-જામનગર (ગ્રામ્ય) ર૩.૭ર ટકા, ૭૯-જામનગર (ઉત્તર) ર૧.૩૧ ટકા, ૭૯-જામનગર (દક્ષિણ) માં ૧૯.૮૩ ટકા, ૮૧-ખંભાળિયા ર૧.ર૯ ટકા અને ૮ર-દ્વારકા બેઠકમાં ૧૧.૬૯ ટકા મળી સરેરાશ ર૦.૭૮પ ટકા મતદાન
થયું છેે આમ ચાર કલાકના અંતે જામનગર જિલ્લામાં સૌથી વધુ કાલાવડમાં ૨૬.૪૩ ટકા અને સૌથી ઓછું દ્વારકામાં ૧૧.૬૯ ટકા મતદાન થયું છે. સવારે ૭થી બપોરે ૧ વાગ્યા સુધીમાં સરેરાશ ૩૪.૬૨ ટકા મતદાન થયું છે. જેમાં ૭૬-કાલાવડ વિધાનસભા બેઠકમાં ૩૬.૪૮ ટકા, ૭૭-જામનગર (ગ્રામ્ય)માં ૩૭.૨૭ ટકા, ૭૮-જામનગર (ઉત્તર)માં ૩૫.૦૭ ટકા, ૭૯-જામનગર (દક્ષિણ) ૩૩.૨૩ ટકા, ૮૦-જામજોધપુરમાં ૩૫.૬૭ ટકા, ૮૧-ખંભાળિયા બેઠકમાં ૩૩.૮૬ ટકા, દેવભૂમિ દ્વારકા બેઠકમાં ૩૧.૪૬ ટકા મળી સવારે ૭થી બપોરે ૧ એમ ૬ કલાકમાં સરેરાશ ૩૪.૬૨ ટકા મતદાન થયું છે.
જામનગરમાં સંતો-મહંતોએ મતદાન કર્યું
જામનગરમાં આજે સંતો-મહંતોએ પોતાના મતદાનની પવિત્ર ફરજ બજાવી હતી. આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ, ખીજડા મંદિરના મહંત શ્રી કૃષ્ણમણિજી મહારાજ, મોટી હવેલીના પ.પૂ. શ્રી વલ્લભરાયજી મહારાજ વગેરેએ આજે મતદાન કર્યું હતું.
મહાનુભાવોનું મતદાન
ડાયરેક્ટર અને કોર્પોરેટ અફેર્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પોતાના વતન ખંભાળિયામાં મતદાન કર્યું હતું. જ્યારે જામનગરના લોહાણા સમાજના પ્રમુખ અને જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન જીતુભાઈ લાલએ પણ સહ પરિવાર મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવી હતી.
જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પણ મતદાનની પવિત્ર ફરજ બજાવી હતી. પ્રખર હિન્દુવાદી વકતા કાજલ હિન્દુસ્તાનીએ પણ પોતાનું મતદાન કર્યું હતું. તો ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજા અને રવિન્દ્રસિંહના બહેન નયનાબા જાડેજાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યાે હતો.
જામનગરના અગ્રણી બિલ્ડર્સ અને લેન્ડ ડેવલોપર્સ મેરામણ પરમારે પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.
જામનગર બેઠકના સાંસદ અને લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમએ આજે સવારે નવાગામ (ઘેડ)માં પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમની સાથે તેઓના માતા હીનાબેન, ભાભી શિતલબેન વગેરે પણ જોડાયા હતા.
દ્વારકા જિલ્લામાં મતદાન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારે મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો અને બુથમાં સવારે પણ મતદાતાઓની કતારો જોવા મળી હતી. દ્વારકામાં સાધુ-સંતોએ પણ મતદાન કર્યું છે. દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, ખંભાળીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી મૂળુભાઈ બેરા, રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, ભાજપના જિલ્લા પ્રમુખ મયુર ગઢવી સહિતના અગ્રણીઓએ મતદાન કર્યું હતું.
છેલ્લા ઘણાં વર્ષાેથી બંને મુખ્ય હરિફ પક્ષના ઉમેદવાર એક જ જ્ઞાતિના હોવાથી મતદારોમાં ઉત્સાહ જોવા મળતો હતો. આ વખતે આહિર સામે પટેલ ઉમેદવાર હોવાથી ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જો કે, ધીમે ધીમે દ્વારકા જિલ્લામાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચી રહ્યા છે. આમ જોતા સાંજ સુધીમાં મતદાનની ટકાવારી વધે તેવી શક્યતા જોવા મળી છે.
ફલ્લામાં સાડા ચાર કલાકમાં ૪૦ ટકા જેટલું મતદાન
જામનગર તાલુકાના ફલ્લામાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે ૭થી બપોરે ૧૧:૩૦ કલાક એમ લગભગ સાડા ચાર કલાકમાં ૪૦ ટકા જેટલું મતદાન થયું હતું. હજુ પણ મતદાન મથકમાં લાઈનો જોવા મળી હતી.
સલાયામાં મહિલાનું વધુ મતદાન
ખંભાળિયાના સલાયામાં મહિલાઓએ મતદાનમાં પુરૂષોની સરખામણીએ વધુ ઉત્સાહ દેખાડ્યો છે. સવારે ૭થી ૧૧ વાગ્યા સુધીમાં સલાયામાં ૨૮૯૪ મહિલાઓ અને ૨૧૩૨ પુરૂષોએ મતદાન કર્યું હતું. આમ ચાર કલાકમાં ૨૦.૬૬ ટકા મતદાન થયું છે.
આજે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. વૃદ્ધો, અશક્ત, દિવ્યાંગો પણ મતદાનની ફરજ નિભાવી રહ્યા છે. એક પ્રજ્ઞાચક્ષુએ બ્રેઈલ લિપિ પદ્ધતિથી મતદાન કર્યું હતું. હજુ પણ શાંતિપૂર્ણ માહોલમાં સલાયામાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.
કાલાવડમાં ૧૦૦ વર્ષના માજીએ કર્યું મતદાન
કાલાવડમાં ૧૦૦ વર્ષના વયોવૃદ્ધ મતદાન હેમીબેન તારપરાએ પણ મતદાન કરીને યુવાનોને મતદાન માટે પ્રેરણા આપી હતી.
લોકસભા ચૂંટણી-ર૦ર૪
ત્રીજા તબક્કાના મતદાનની સાથે...સાથે...
નવસારીમાં ૫હેલા કોળીયે માખી...મશીન બગડ્યું...!
સંખેડામાં મતદારોએ નદી ઓળંગીને કર્યુ મતદાન.
કેટલાક સ્થળોએ ઈવીએમ ખોટકાતા બદલવા પડ્યા.
કેટલાક ગામોમાં વિવિધ મુદ્દે મતદાનનો બહિષ્કાર કરાયો હોવાના અહેવાલો.
ભરૂચના ભોલાવમાં કાર્યકરો બાખડ્યા.
ગુજરાતમાં રપ બેઠકો પર વર્ષ-ર૦૧૯ કરતા પહેલા ચાર કલાકમાં ૨.૫૨ ટકા મતદાનનો ઘટાડો.
ચૂંટણીના મહાપર્વ દરમિયાન જ ગુજરાતમાં ગરમીનો પ્રકોપઃ હવામાન ખાતાનું યલો એલર્ટ.
વડોદરાના એક મતદારે હનુમાનજીની વેશભૂષા ધારણ કરી પ્રારંભે જ કર્યુ મતદાન.
પાણી પ્રશ્ને માંગરોળના સણધરા ગામમાં બપોર સુધીમાં એક પણ વોટ ન પડ્યો.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુરના વડનગરમાં મતદાન કરી મતદાનની અપીલ કરી.
નડિયાદના દિવ્યાંગ યુવકે પગથી મતદાન કર્યુ.
દાહોદમાં લગ્ન કરવા જતા વરરાજાએ મતદાન કરી નૈતિક ફરજ બજાવી.
વિદિશાના મુગીસપુર ગામમાં ત્રણ ફૂટના મતદારે જમાવ્યું આકર્ષણ.
અભિનેતા શેખર સુમન અને રાધિકા ખેર ભાજપમાં જોડાયા.
વેબકાસ્ટીંગથી રાજયના રપ હજાર મતદાન મથકો પર ચૂંટણીપંચની નજર.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની લીધી મુલાકાત.
ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કર્યુ મતદાન.
મતદાન પહેલા અમદાવાદની વૃદ્ધ મહિલાએ પી.એમ. મોદીને બાંધ્યુ રક્ષાસૂત્રઃ આશીર્વાદ આપ્યા.
મલ્લિકાર્જુન ખડગેએ કર્યુ મતદાન.
કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમીમાં પણ મતદારોની લાંબી કતારો.
મોડાસાના મતદાન મથક પર થઈ બબાલ.