Advertisement
Author: નોબત સમાચાર

લોકસભાની ચૂંટણી આ વખતે મુદ્દારહિત બની રહી છે, ભાજપ પાસે ચોટદાર મુદ્દાનો અભાવ!

લોકસભા ચૂંટણીના મધ્યાંતરે પી.એમ. મોદીને આર્થિક સલાહકાર સમિતિનો મુદ્દો કેમ ઊઠાવવો પડ્યો?

જામનગર તા. ૧૦: આ વખતની લોકસભાની ચૂંટણીમાં દેશના રાજકીય પક્ષોના ટોચના નેતાઓ પ્રચારમાં ભારે ગોટે ચડ્યા છે! દેશના લગભગ તમામ નામાંકિત અખબારો, ન્યૂઝ ચેનલો, રાજકીય વિશ્લેષકોનો એક જ સૂર સાંભળવા મળે છે કે આ વખતની ચૂંટણી મુદ્દા રહિત રહી છે!

ખાસ કરીને ભાજપના દૃષ્ટિકોણથી જોઈએ તો ભાજપના પ્રભાવશાળી અને સર્વોચ્ચ નેતા નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી સમયે વિરોધ પક્ષના કોઈ નેતાની ટિપ્પણીને પકડી લઈને તેને સમગ્ર ચૂંટણી પ્રચારમાં મુખ્ય મુદ્દો બનાવવામાં માહિર પૂરવાર અને સફળતા પણ મળે છે.

પણ આ વખતની ચૂંટણીમાં શામ પિત્રોડાના બફાટનો મુદ્દો ચાલ્યો નથી. મુસ્લિમોને કોંગ્રેસ અનામત આપશે તેવા મુદ્દાની પણ ઓબીસી, એસટી/એસસી સમુદાય પર ધારી અસર થઈ નથી. અંબાણી-અદાણીએ કોંગ્રેસને ટેમ્પો ભરીને નાણા આપ્યા હોવાના નિવેદનની તો ઉંધી અસર થઈ રહી છે. રામમંદિર, પ્રાણપ્રતિષ્ઠા, ૩૭૦ મી કલમ, તલ્લાક, હિજાબ જેવા મુદ્દાઓ આ ચૂંટણીમાં જુની ઘસાઈ ગયેલી રેકર્ડ જેવા પૂરવાર થયા છે. વિકાસની વાતોને લોકો હાલની દેશની પરિસ્થિતિમાં થોડે ઘણે અંશે સ્વીકારી રહ્યા છે... અર્થાત્ ભાજપ પાસે ૪૦૦ પારના લક્ષ્યાંકના નારાને સિદ્ધ કરવા જેવો કોઈ માહોલ બદલી શકે તેવો મુદ્દો અત્યાર સુધીના ત્રણ ફેઝની ચૂંટણી પૂર્ણ થયા પછી પણ હાથ લાગ્યો નથી અથવા મુદ્દા વગરનો પ્રચાર પ્રભાવહીન દેખાઈ રહ્યો છે.

તેની સામે કોંગ્રેસ સહિતના વિપક્ષોના નેતાઓ ભાજપના નેતાઓના પ્રચાર સામે બેરોજગારી, મોંઘવારીના મુદ્દાને બરાબર ચલાવી રહ્યા છે. ભાજપ સંવિધાન બદલી નાખશે તેવો પ્રચાર અસરકારક જણાય રહ્યો છે, પણ ખાટલે મોટી ખોટ એ છે કે ભાજપના શાસનમાં તમામ પ્રકારના જાહેર મીડિયામાં વિપક્ષોના અસરકારક પ્રચાર અને પ્રજાને સ્પર્શતા ગંભીર મુદ્દાઓને પ્રસિદ્ધિ મળતી નથી!

ઈન્ડિયા ગઠબંધન ૩૦ લાખ સરકારી નોકરી આપશે, મહિલાઓને દર વરસે મોટી આર્થિક સહાય આપશે જેવા મુદ્દાની મોટા સમુદાય પર ચોટદાર અસરો જોવા મળી રહી છે.

પ્રથમ ત્રણ તબક્કામાં ગત્ ચૂંટણી કરતા ઓછું મતદાન મતદારોની શાસક પક્ષ પ્રત્યેની નારાજગી માટે સૂચક ગણવામાં આવે છે. આ સ્થિતિમાં ભાજપના નેતાઓમાં ચિંતા જન્મી છે અને તેથી નવો આક્રમક મુદ્દો ચૂંટણી જંગના પ્રચારમાં આવ્યો છે.

પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર સમિતિએ ભારતમાં ૧૯પ૦ થી ર૦૧પ અર્થાત્ ૬પ વર્ષમાં વિવિધ ધર્મના લોકોની વસતિના વધઘટના આંકડા લોકસભાની ચૂંટણી જ્યારે મધ્યાહને પહોંચી છે ત્યારે જ  જાહેર કર્યા છે. જેમાં આ ૬પ વર્ષના સમયગાળામાં હિન્દુઓની વસતિ ૭ ટકા જેટલી ઘટી છે અને તેની સામે મુસ્લિમોની વસતિમાં તોતિંગ ૪૦ ટકા જેવો વધારો થયો છે. ચૂંટણી ટાણે જ આવા હિન્દુ-મુસ્લિમ વસતિના લેખાજોખા જાહેર થવાની બાબતને વિપક્ષો તેમજ રાજકીય વિશ્લેષકો ભાજપનો ચૂંટણી સ્ટંન્ટ ગણે છે. એટલું જ નહીં, ભાજપ અંતે બાકીના ચૂંટણીના તબક્કાઓમાં આ મુદ્દાને મુખ્ય મુદ્દો બનાવે તેવી શક્યતા ગણાવે છે. સામાન્ય લોકોના મતે આ ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમના મુદ્દે મત માંગવાનો છેલ્લો દાવ લડી લેવાનો તખ્તો ઘડાયો છે. જોઈએ આવનારા તબક્કાઓમાં અને ત્યાં ચૂંટણી પ્રચારમાં આ મુદ્દો કેવો ઊઠાવે છે અને મતદારો ઉપર તેની કેવી અસર થાય છે! બાકી તો ચૂંટણી ટાણે જ આવા મુદ્દા અચાનક સામે આવતા હોય જ છે અને તે બાબત મતદારો અને બુદ્ધિજીવીઓ સમજે જ છે.

ખાસ કરીને ભાજપ માટે મતદારોને રીઝવવા માટે, મતદારોમાં ઝનૂન સાથે કમળને મત આપવા માટે પ્રેરે તેવા મુદ્દાનો અભાવ ચૂંટણીમાં આશ્ચર્યજનક પરિણામો સર્જી શકે છે!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh