Advertisement
Author: નોબત સમાચાર

શિક્ષક ભરતીના ટેટ-ટાટ પાસ ઉમેદવારનું ઉગ્ર આંદોલનઃ ૨૫૦ની અટકાયત

ગુજરાતના શિક્ષણમંત્રીએ એક મહિનામાં નિમણૂકપત્રો આપવાની શું માત્ર શેખી હાંકી હતી ?: હળહળતો અન્યાયઃ આંદોલનકારીઓનો આક્રોશ

ગાંધીનગર તા. ૨૪: શિક્ષક ભરતીના મુદ્દે ટેટ-ટાટ પાસ ઉમેદવારોના ઉગ્ર આંદોલન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પછી ૨૫૦ આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલનનું એલાન કર્યું હતું. આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલની બહાર ભેગા થયા હતા. જે સત્યાગ્રહ છાવણીએ ઉમટે એ પહેલાં પોલીસે અટકાયત કરતાં ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા.

પોલીસે અઢીસોથી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે. ઉમેદવારોની મુખ્ય માંગણીઓમાં શિક્ષણ સહાયક (૯થી૧૨) નું પીએમએલ અને ડીવી શિડ્યૂલ જાહેર કરવાનો સમાવેશ થાય છે. ધોરણ ૧થી૮ વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓની યાદી જાહેર કરવાની માંગ છે.

આ ઉપરાંત, ૫૭૦૦ જૂના શિક્ષકો અને ૧૨૦૦ આચાર્યની બદલી પછી ખાલી પડનારી જગ્યાઓ વર્તમાન ભરતીમાં ઉમેરવાની માંગણી છે. ગત વર્ષે મંજૂર થયેલા ૨૭૫૦ વિદ્યા સહાયકની જગ્યાઓ પણ વર્તમાન ભરતીમાં સામેલ કરવા માંગ કરાઈ છે.

ઉમેદવારોની પાંચમી મુખ્ય માંગણી ઉનાળુ વેકેશન પહેલાં સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો આપવાની છે.આ મુદ્દે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સ્વયં અંગત રસ લઈને અમલ કરાવે તેથી આંદોલનકારીઓની માંગણી છે.

ઉલ્લેખનિય છે કે તા.૧૬મી જાન્યુઆરી ૨૦૨૫ના વિદ્યા સમીક્ષા કેન્દ્ર જાહેર મંચ પરથી રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, '૨૪,૭૦૦ ની અન્ય માધ્યમ સહિત ધોરણ ૧થી ૧૨ની તમામ ભરતી પ્રક્રિયા એક મહિનામાં પારદર્શકતાથી પૂર્ણ કરી તમામને નિમણુક પત્રો એનાયત કરીશું.' આ નિવેદનને આજે ૪૦ દિવસ પૂર્ણ થયા છતાં પણ ભરતીના નામે મીંડું જ છે. શું સરકારના નિવેદનોની કોઈ ગરિમા નથી? શું શિક્ષણમંત્રીએ માત્ર શેખી હાંકી હતી ? તેવા કટાક્ષો પણ થઈ રહ્યા છે.

આંદોલનકારીઓ કહે છે કે, સમયસર ન્યાય ન મળે એ સૌથી મોટો અન્યાય છે. ટેટ-ટાટના ઉમેદવારો આવા અન્યાયનો ભોગ બન્યા છીએ. અત્યાર સુધી એટલી રજૂઆતો કરવામાં આવી છે કે એક આખું પુસ્તક અરજીઓથી ભરાય તેમ છે. ઉમેદવારો શિક્ષક ભરતી માટે શક્ય તમામ પ્રયત્નો કરી ચૂક્યા છીએ. તેમ છતાં હજી સુધી કાયમી શિક્ષકોની બાબતે કોઈ નક્કર અને સમયબદ્ધ પગલાં ભરવામાં આવ્યા નથી.

ટેટ-ટાટ પાસ કરેલા ઉમેદવારોએ માંગણી કરી છે કે, શિક્ષણ સહાયક (ધો. ૯થી ૧૨)નું પીએમએલ અને ડીવી શેડ્યુલ પ્રસિદ્ધ થાય, ધોરણ ૧થી ૮ વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓની યાદી જાહેર થાય. અંદાજિત ૫૭૦૦ જૂના શિક્ષકો અને ૧૨૦૦ આચાર્યની બદલી કેમ્પના અંતે ખાલી પડતી જગ્યા ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારારૂપે સામેલ કરવામાં આવે, ગત વર્ષ મંજૂર થયેલ ૨૭૫૦ વિદ્યા સહાયકને ચાલુ ભરતીમાં જગ્યા વધારારૂપે સામેલ કરવામાં આવે અને ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબક્કાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂકપત્રો એનાયત કરવામાં આવે.

આંદોલનકારીઓએ તીવ્રતાથી રજૂઆતો કરતા જણાવ્યુ છે કે, આરટીઆઈ મુજબ ધોરણ ૧થી ૫માં ૩૧-૫-૨૫ની સ્થિતિએ ખાલી જગ્યા અને નિવૃત થનારા શિક્ષકો કુલ મળીને આશરે ૨૧૩૫૪ જગ્યા સામે માત્ર ૫૦૦૦ ની ભરતી કેમ થઈ છે?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh