Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા પિતા-પુત્રએ કરી નાખ્યું ફ્રેક્ચરઃ
જામનગર તા. ૨૦: ધ્રોલના સણોસરા પાસે હડમતીયા ગામના એક યુવાનને બે શખ્સે ધોકાથી માર મારી ફ્રેક્ચર કર્યું હતું. જ્યારે ગોકુલનગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડનાર યુવાનને પિતા-પુત્રએ માર માર્યાે હતો. કાલાવડમાં એક મહિલાને સ્કૂટરચાલકે ટક્કર મારી ગાળો ભાંડી હતી. અગાઉનો પોલીસ કેસ પાછો ખેંચી લેવાનું કહી નગરના એક યુવાનને ધમકી અપાઈ હતી. બાઈક ટકરાઈ જવાના પ્રશ્ને નાગેશ્વર કોલોનીમાં બે યુવાન પર હુમલો કરાયો હતો. ધ્રોલના ગઢડા ગામના યુવાનને લૈયારામાં ચાર શખ્સે માર માર્યાે હતો. મોટા વડાળામાં મૃતક પત્નીની મજાક કરતા શખ્સને સમજાવવા ગયેલા યુવાનને માર પડ્યો હતો.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના હડમતીયા ગામમાં રહેતા હસમુખ શામજીભાઈ ચૌહાણ તથા મહેશભાઈ નાથાભાઈ સોલંકી વચ્ચે હડમતીયામાં આવેલા એક રહેણાક મકાન બાબતે વાંધો ચાલતો હતો. તે અંગે હસમુખભાઈએ પડધરીની કોર્ટમાં કેસ કર્યો હતો. આ બાબતનું મનદુખ રાખી મહેશ તથા જયંતીભાઈ નાથાભાઈ સોલંકીએ શુક્રવારે હસમુખભાઈ સાથે ઝઘડો કરી માર માર્યો હતો. આ બાબતની પોલીસ ફરિયાદ કરવા માટે હસમુખભાઈ પોતાના મોટરસાયકલ પર પડધરી પોલીસ સ્ટેશન તરફ જતા હતા ત્યારે સણોસરા ગામના પાટિયા પાસે મોટરસાયકલ પર ધસી આવેલા મહેશ તથા જયંતીભાઈ સોલંકી તેઓને ઊભા રખાવી ધોકા થી હુમલો કર્યો હતો. હસમુખભાઈને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આ બંને શખ્સો હસમુખભાઈની કાળા કલરની થેલી જેમાં અગત્યના ડોક્યુમેન્ટ તથા રૂ. ૩૩૦૦ રોકડા હતા તે થેલી ઝૂંટવી જતા હસમુખભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.
ધ્રોલ તાલુકાના ગઢડા ગામમાં રહેતા રાજવીરસિંહ વિરમદેવસિંહ જાડેજા નામના ૧૯ વર્ષના વિદ્યાર્થી શુક્રવારે રાત્રે અગિયારેક વાગ્યે લૈયારા ગામમાં ડાડા ૫ીરની દરગાહ પાસે હતા ત્યારે તેમના પર લૈયારા ગામના માહિર ઇમ્તિયાઝ નામના શખ્સ અને તેના ત્રણ સાગરિતે હુમલો કર્યો હતો. આ શખ્સોએ ગાળો ભાંડી ગાલ તથા ગળાના ભાગે ઈજા પહોંચાડી હતી. રાજવીરસિંહે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અસરફ અલારખાભાઈ મુલતાની નામના યુવાનના પત્ની વિશે મોટા વડાળા ગામનો જ મકદુમ રહીમ ઉર્ફે ઝીણાભાઈ મુલતાની નામનો શખ્સ ખોટી કોમેન્ટ કરી મજાક ઉડાવતો હતો તેથી શનિવારે સવારે અસરફભાઈ તેને સમજાવવા માટે ગયા હતા. આ વેળાએ અસરફભાઈએ ચાર દિવસ ૫હેલાં જ પોતાના પત્ની ગુજરી ગયા છે તેની મજાક ન ઉડાવ તેમ કહેતા ઉશ્કેરાયેલા મકદુમ તથા તેના પિતા રહીમ ઉર્ફે ઝીણાભાઈ અને ગુલામ અકબર રહીમભાઈ મુલતાનીએ ગાળો ભાંડી ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો. આ વેળાએ મકદુમે બાજુમાં પડેલું સોડાનું ખાલી કેરેટ ઉપાડીને અસરફના માથામાં ઝીંકી દીધું હતું. ઇજા પામેલા અસરફને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી તેણે ત્રણેય પુત્ર-પિતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં આવેલા નાગેશ્વર પાર્કમાં રહેતા જશવંતભાઈ જયંતીભાઈ બારીયા નામના કોળી યુવાન શનિવારે સાંજે પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે ત્યાંથી મોટરસાયકલ પર નાગેશ્વર કોલોનીમાં જ રહેતો જયદીપ રમેશભાઈ સોલંકી નામનો શખ્સ બાઈક પર નીકળ્યો હતો આ શખ્સે બાઈક અથડાવતા તેને જશવંતે બાઈક જોઈને ચલાવવાનું કહ્યું હતું. આ વેળાએ જયદીપે જશવંત તથા તેના ભાઈ મેહુલ સાથે બોલાચાલી કરી હતી. ત્યાર પછી શનિવારે રાત્રે એકાદ વાગ્યે જ્યારે જશવંત તથા ઉમંગ ભરતભાઈ ડોણાસિયા પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે ત્યાં ધસી આવેલા જયદીપ તથા મિલન વિનોદભાઈ બાંભણીયાએ સાંજે માથાકૂટ કેમ કરી હતી તેમ કહી ગાળો ભાંડી હતી અને ઢીકાપાટુથી હુમલો કર્યો હતો. આ વેળાએ જયદીપે નજીકમાં પડેલો પથ્થર ઉપાડી જશવંતને ફટકાર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા અયોધ્યા નગરની શેરી નં.૧૩માં રહેતા રમેશભાઈ કાનાભાઈ ઓડિચના ઘર પાસે શુક્રવારે રાત્રે બેએક વાગ્યે રવિરાજસિંહ જાડેજા નામનો શખ્સ ફોન પર બૂમો પાડીને ગાળો બોલતો હતો. આથી રમેશભાઈએ પોતાના ઘરથી દૂર જઈને ગાળો બોલવાનું કહેતા ત્યાંથી રવિરાજસિંહ ચાલ્યો ગયો હતો તે પછી થોડીવાર પછી પોતાના પિતા કિરીટસિંહને સાથે લઈને આવ્યો હતો. બંને પિતા પુત્રએ રમેશભાઈને ગાળો ભાંડી હતી અને રવિરાજસિંહે તેને ઘરની બહાર બોલાવી ધોકા વડે હુમલો કરી માર મારતા રમેશભાઈને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. સારવાર માટે દવાખાને ખસેડાયેલા રમેશભાઈએ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છ ે.
કાલાવડ શહેરમાં શિતલા કોલોની પાસે આવેલી ગજાનંદ પ્લાસ્ટિક અને ફર્નિચર નામની દુકાન પાસેથી શનિવારે સાંજે ચાલીને જતા દયાબેન ભીમજીભાઈ મકવાણા નામના સમાજસેવિકાને જીજે-૧૦ ૧૧૬ નંબરના એક્ટિવામાં ધસી આવેલા અહેમદ આરીફ વાઘેલા નામના કાલાવડના શખ્સે ઠોકર મારી હતી. આ વેળાએ તે મહિલાએ વાહન જોઈને ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા અહેમદે તેઓને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જામનગરના પવનચક્કી વિસ્તારમાં આવેલા બાવાવાડ પાસે રહેતા સચિન પ્રવીણભાઈ નંદા નામના યુવાને નાનકપૂરી નજીકની રામનાથ કોલોનીમાં રહેતા મોહિત સુભાષભાઈ નંદા નામના શખ્સ સામે અગાઉ વ્યાજ વટાઉ અંગે ફરિયાદ નોંધાવી હતી. તે બાબતનો ખાર રાખી ગઈ તા.૨૬ની રાત્રે બે વાગ્યે સચિન જ્યારે પોતાના ઘર પાસે હતો ત્યારે ત્યાં ધસી આવેલા મોહિત નંદાએ કેસ પાછો ખેંચી લેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં રાવ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial