Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિનાઓ અગાઉ સ્માર્ટ મીટરનો નિર્ણય લેવાયો...
જામનગર તા. ર૦: જામનગરની શાંત, સહનશીલ જનતામાં 'સ્માર્ટ મીટર'ના પ્રશ્ને ઉગ્રતમ વિરોધ ઊઠવા પામ્યો છે. શહેરની જનતામાં સમગ્ર શહેરમાં દરેક વર્ગમાં સ્વયંભૂ અત્યંત આકરા શબ્દોમાં સરકાર અને વીજતંત્રની ટીકા થઈ રહી છે અને વીજતંત્રની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા છે.
વીજતંત્રના અધિકારીઓ લોકોને સમજવવા નિવેદનો આપી રહ્યા છે, પણ તેમાં ય અનેક બાબતોનો ઉલ્લેખ જાણી જોઈને થતો નથી અથવા જે-તે અધિકારી તે અંગે કોઈ ખુલાસો કરી શકે તેવી સ્થિતિમાં જ નથી.
સૌથી પહેલા તો વીજતંત્રના અધિકારી જણાવે છે કે, લોકોને સ્માર્ટ મીટરથી તકલીફ નહીં પડે પણ તેનાથી સુવિધા વધશે તેવી સમજણ-માર્ગદર્શન આપવા માટે અભિયાન ચલાવવામાં આવશે... તો જ્યારે મહિનાઓ અગાઉ જ સ્માર્ટ મીટરોની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધી ક્યાં હતાં? શા માટે આટલા મહિનાઓ સુધી કોઈ કામગીરી થઈ નહીં? શા માટે ઘરે-ઘરે જઈને, વિવિધ વિસ્તારોમાં લોકોને સ્માર્ટ મીટર અંગે સમજણ આપી નહીં? હવે જ્યારે લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી મંડ્યા છો ધડાધડ મીટર બદલાવવા અને વાત કરો છો કે માર્ગદર્શન માટે અભિયાન ચલાવાશે? કેટલું હાસ્યાસ્પદ અને ટીકાપાત્ર નિવેદન છે?
બીજો સવાલ એ ચર્ચાઈ રહ્યો છે અને જાગૃત નાગરિકોએ માહિતી અધિકાર હેઠળ પણ આ સવાલ ઊઠાવ્યો છે કે, ભાઈ એ તો જાહેર કરો કે જામનગરના શહેરી વિસ્તારોમાં સ્માર્ટ મીટરો નાંખવા માટે કોઈ પ્લાન નક્કી થયો છે? ક્યા ક્રાયટેરિયાના આધારે જે તે વિસ્તારોમાં મીટરો લગાડવામાં આવી રહ્યા છે? ક્યા અધિકારીએ આવ ક્રાયટેરિયા નક્કી કર્યો? કોઈ સર્વે કરાયો હતો? શા માટે શહેરના કેટલાક વીજચોરી માટે પંકાયેલા, માથાભારે ગણાતા વિસ્તારોમાં સ્માર્ટ મીટર નાંખવાની હિંમત વીજતંત્રએ નથી કરી? શા માટે શહેરી વિસ્તારોમાંથી જ શરૂઆત થઈ? ગ્રામ્ય વિસ્તારોમાં ક્યારે?
આ ઉપરાંત સ્માર્ટ મીટરો ફીટ કરવાવાળા કોઈ ખાનગી કંપનીના કર્મચારીઓ છે... તેને વીજતંત્રની સાથે કોઈ લેવા દેવા કે જવાબદારી નથી! તેથી જુના મીટર કાઢે ત્યારે આ બેજવાબદાર કર્મચારીઓ આડેધડ છેલ્લું રીડીંગ નોંધે અને ઉતારેલા મીટરો વીજતંત્રમાં જમા કરાવે... હવે થાય છે એવું કે આડેધડ છેલ્લા રીડીંગના કારણે મોટાપાયે ક્ષતિઓ બહાર આવી છે.
એક ગ્રાહક નિયમિતરીતે વીજબીલ ભરે છે. તેનું એક પણ રાતી પાઈનું બીલ બાકી નથી. તેમ છતાં છેલ્લા રીડીંગની ક્ષતિના કારણે વીજતંમાંથી 'મેસેજ' આવ્યો કે તમારા આગલા રૂ. ૬ર હજાર બાકી છે... આ ગ્રાહક તો હેબતાઈ ગયા... તેણે રૂ. ૧પ૦૦ નું પ્રી-પેઈડ ભરણું કર્યું. તો દરરોજ રૂ. ૩૮પ કપાવા પણ લાગ્યા... આ ગ્રાહકે તેના સંબંધીનો સંપર્ક કરી રાજકોટ અને જામનગરમાં ફરિયાદો પણ કરી છે. સવાલ તો એ થાય છે કે પાંચ હજારથી વધુ બીલ ભરવામાં મોડું થાય તો બહાદુર વીજતંત્ર તરત જ જોડાણ કાપી નાખે છે, તો ૬ર-૬ર હજારની રકમ બાકી હતી તો શા માટે કોઈ કાર્યવાહી કરી નહીં? જો કે આ ગ્રાહકનું તો કાંઈ બાકી જ નથી? આવા તો અન્ય કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા જ છે.
સમગ્ર શહેરમાં સ્માર્ટ મીટરની એકતરફી જોહુકમીભરી કાર્યવાહીથી શહેરીજનોમાં ચિંતા સાથે અશાંત વાતાવરણ સર્જાઈ ગયું છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં, લતાઓમાં, એપાર્ટમેન્ટમાં મિટિંગ થઈ રહી છે અને સ્માર્ટ મીટર નાંખવા સામે ઉગ્ર વિરોધ કરવાનો તખ્તો ઘડાઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.
સ્માર્ટ મીટર બરાબર ચાલે છે, વધુ ફાસ્ટ ભાગતું નથી તેની ખરાઈ શા માટે વીજતંત્ર ગ્રાહકોને સંતોષ થાય તેમ કરતું નથી કે કરાવતું નથી.
વીજવિજ્ઞાનની ભાષા પ્રમાણે ૧ હજાર વોટનો બલ્બ એક કલાક ચાલુ રહે ત્યારે એક યુનિટનો વપરાશ થાય છે. આ બાબતની દરેક મીટરની જે તે ગ્રાહકની હાજરીમાં પ્રેક્ટિકલ ખરાઈ કરાવ્યા પછી જ મીટર નાંખી શકાય... વીજચોરીના મામલાઓમાં વીજતંત્ર તેમની લેબમાં ગ્રાહકને બોલાવે, તેમની હાજરીમાં મીટર ખોલે, ચકાસણી કરે અને જરૂરી કાર્યવાહી કરે છે તો સ્માર્ટ મીટર માટે પણ દરેક ગ્રાહકને તેના મીટરની ખરાઈ કરાવવા લેબમાં બોલાવે, રોજકામ કરો અને ખાત્રી આપો કે મીટર નિયમ પ્રમાણે જ ચાલે છે?
આમ તો અનેક પ્રશ્નો સાથે ઉગ્ર વિરોધ ઊઠવા પામ્યો છે. હજી નવા નવા પ્રશ્નો-સમસ્યાઓ સર્જાશે... ખાસ કરીને થ્રી ફેઈસના સ્માર્ટ મીટરો નાંખવા સમયે? જો કે જાણી જોઈને કે કોઈ દબાણના કારણે જ મોટા માથાઓને હાલ બાકાત રાખવામાં આવ્યા હોય તેમ જણાય છે. સૌથી વધુ કસોટી તો ગ્રામ્ય વિસ્તારોમાં થવાની છે!
જામનગર સહિત સમગ્ર ગુજરાભરમાં સ્માર્ટ મીટર અંગે ઊઠેલો વિરોધ વંટોળ સ્વયંભૂ જવાળામૂખી ફાટે તેવું આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા સરકારે વીજતંત્રએ તાકીદે કોઈ યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે.
બાકી તો ચૂંટાયેલા નેતાઓ તો સાવ ચૂપ થઈને બેઠા છે! સમગ્ર જનતાને સ્પર્શતી આ અતિ ગંભીર સમસ્યા અંગે તેમની ચૂપકીદી સામે પણ પ્રજામાં રોષ ફેલાયો છે... બે હાથ જોડીને મત માંગવા નીકળનારા આ પ્રશ્ને શા માટે સંતાઈ રહ્યા છે? લોકો બધું બરાબર સમજે જ છે... ભાઈ!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial