Advertisement
Author: નોબત સમાચાર

ગવર્મેન્ટ જોબ ધરાવતો દીકરો ઘરખર્ચમાં માતાને સહયોગના બદલે કરજા કરતો હતોઃ અભયમ્ની ટીમ દોડી

ઘર ઘર કી કહાની... આવું થાય તો અભયમનો સંપર્ક કરી શકાય...

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: એક પીડિત મહિલાએ પોતાના પુત્ર દ્વારા કરવામાં આવતી સતત માનસિક હેરાનગતિ અને આર્થિક બેદરકારીથી કંટાળી ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદ માંગતા, અભયમ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાઉન્સિલિંગ અને સુખદ સમાધાનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઘટનાની વિગત એવી છે કે, પીડિત મહિલાએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને આપવીતી જણાવી હતી કે, તેમનો પુત્ર સરકારી નોકરીમાં હોવા છતાં ઘરખર્ચમાં કોઈ આર્થિક સહયોગ આપતો નથી. આ ઉપરાંત, તે અવારનવાર વિવિધ વ્યક્તિઓ પાસેથી મોટી રકમની લોન તથા ઉધાર રૂપિયા લે છે. આ ઉધાર આપનારા લેણદારો વારંવાર ઘરે આવીને વૃદ્ધ માતાને ઉઘરાણી માટે હેરાન કરતા હતા તેમજ અપમાનજનક શબ્દો બોલીને માનસિક ત્રાસ આપતા હતા. માતાના જણાવ્યા મુજબ, પુત્રની આ કુટેવોના કારણે અગાઉ પણ તેમણે પોતાના તરફથી પુત્રના વ્યાજની મોટી રકમ ચૂકવવી પડી હતી.

પુત્રની આર્થિક બેદરકારી, બિનજવાબદાર વર્તન અને લેણદારોના સતત ત્રાસથી પરેશાન થઈને આખરે માતાએ પોતાના પુત્રને યોગ્ય માર્ગે લાવવા માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી.

માહિતી મળતાની સાથે જ ૧૮૧ અભયમ હેલ્પલાઇનની કાઉન્સિલર અને ટીમ તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી હતી. ટીમે સૌપ્રથમ મહિલાનું કાઉન્સિલિંગ કરી તેમને જરૂરી માનસિક આધાર અને આશ્વાસન પૂરૃં પાડ્યું હતું. ત્યારબાદ મહિલાના પુત્ર સાથે વિસ્તૃત અને ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. તેને માતા પ્રત્યેની નૈતિક અને કાનૂની જવાબદારીઓ, પરિવાર પ્રત્યેની ફરજો તેમજ આડેધડ ઉધાર લેવાની કુટેવોના કારણે ભવિષ્યમાં આવનારા ગંભીર કાનૂની પરિણામો અંગે કડક શબ્દોમાં સમજાવવામાં આવેલ.

અભયમ ટીમના સચોટ કાઉન્સિલિંગ દરમિયાન પુત્રને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે લેખિત/મૌખિક ખાતરી આપી હતી કે, ભવિષ્યમાં તે કોઈપણ વ્યક્તિ પાસેથી આ રીતે આડેધડ ઉધાર કે લોન નહીં લે. તેમજ હવેથી નિયમિત રીતે ઘરખર્ચ માટે માતાને આર્થિક સહયોગ આપશે અને માતાને કોઈપણ પ્રકારની માનસિક કે આર્થિક હેરાનગતિ નહીં પહોંચાડે. લાંબા સમયની આ માનસિક પીડામાંથી મુક્તિ મળતા અને દીકરો સાચા રસ્તે આવતા માતાએ ભીની આંખે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમનો હ્ય્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા આવી જરૂરિયાતમંદ મહિલાઓને સમયસર કાઉન્સિલિંગ, માર્ગદર્શન અને જરૂરી કાનૂની-માનસિક સહાય પૂરી પાડીને પારિવારિક વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. તેથી 'ઘર ઘર કી કહાની' જેવી આ પ્રકારની પરેશાની ભોગવતા વૃદ્ધ-વડીલો 'અભયમ'નો સંપર્ક કરી શકે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh