Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક ગઈકાલે જામનગરની મુલાકાત લઈ ગયા, અને ભાજપ સરકાર પર પ્રહારો કરવાની સાથે સાથે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો કોંગીજનોને સંદેશ પણ આપી ગયા. કોંગી નેતાઓએ કેટલાક ચોક્કસ મુદ્દાઓ ઊઠાવીને સ્થાનિક નેતાઓ-કાર્યકરોમાં જુસ્સો ભરવાનો પણ પ્રયાસો કર્યા.
બીજી તરફ રાજ્ય કક્ષાએ શિક્ષકો દ્વારા એકમ કસોટીનો જબરદસ્ત વિરોધ ઊઠતા રાજ્યવ્યાપી આંદોલનના પડઘમ પણ વાગવા લાગ્યા છે. એકમ કસોટી વિદ્યાર્થીઓ માટે તો ફળદાયી છે, પરંતુ એકમ કસોટીના કારણે રાજ્યના ત્રણ લાખ શિક્ષકો પર વધેલા ભારણના કારણે શિક્ષણ પર જ વિપરીત અસરો થશે તેવી તર્કબદ્ધ દલીલો સાથે શિક્ષક સમુદાયમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ હોવાના પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે.
આગામી ૩૧ મી જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, અને કેન્દ્રિય બજેટ પહેલી ફેબ્રુઆરીના રજૂ થશે, તેવી જાહેરાત થઈ છે. હવે બજેટની મોસમ આવશે, અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને બોર્ડ-નિગમ-કોર્પોરેશનો દ્વારા વાર્ષિક બજેટો ઘડાશે, ચર્ચાશે અને મંજુર થશે. બજેટની આ પ્રક્રિયા આખો ફેબ્રુઆરી મહિનો ચાલશે, અને બજેટ સત્ર દરમિયાન સંસદ ગૂંજતી રહેશે.
વડોદરાની મહાનગરપાલિકાએ બજેટનો મુસદે તૈયાર કરતા પહેલા ત્યાંના નગરજનોના સૂચનો માંગ્યા છે, અને એક ઈ-મેઈલ આઈડી જાહેર કર્યું છે, અને તેના સ્થાનિક કક્ષાએ મિશ્ર પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે, પરંતુ આ અભિગમનું અનુકરણ જામનગર સહિતની અન્ય મહાનગરપાલિકાઓ પણ કરી શકે છે, તે પ્રકારનો જનમત પણ ઘડાઈ રહ્યો છે. કેટલીક મહાનગરપાલિકાઓને વ્હોટ્સ એપ દ્વારા ફરિયાદ નિવારણની પહેલ કરવા જેવા ઊઠાવેલા કદમના અનુભવે જ નગરજનોના સૂચનો મંગાવવા જોઈએ, અને પ્રત્યેક ઈ-મેઈલનો વ્યક્તિગત વિગતવાર (સરકારી ધોરણે નહીં) જવાબ પણ ઈ-મેઈલ દ્વારા જ નાગરિકોને આપવો જોઈએ, તેમ નથી લાગતું?
સામાન્ય રીતે આ પ્રકારના સરકારી અભિયાનો પછી લોકોએ મોકલેલા સૂચનો ડસ્ટબીનમાં જતા હોય છે, અને તેની નોંધ પણ લેવાતી નથી, તેવી લોકોમાં મજબૂત માન્યતા (કલંક) છે, જેથી આ પ્રકારના સૂચનોને કેવો પ્રતિભાવ આપવો, કેટલી નોંધ લેવી તથા કેટલો ઉપયોગ કરવો તેનો એકાધિકારી આ સૂચનો મંગાવનારાઓ પાસે જ રહેવાના બદલે કોઈ પારદર્શક તટસ્થ પ્લેટફોર્મ તૈયાર કરવું જોઈએ, અને સૂચનો કરનાર પ્રત્યેક નાગરિકે કરેલા સૂચનો તેના નામ સાથે તે જ સમયે જાહેર થવા જોઈએ. આવું જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મેલી મથરાવટી ધરાવતા તંત્રો પર કોઈ ભરોસો કરવાનું નથી, ખરૃં કે નહીં?
કેન્દ્રિય બજેટ પહેલા નાણામંત્રી અને તેના મંત્રાલય દ્વારા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે તબક્કાવાર ચર્ચા-પરામર્શ કરવાની પરંપરા તો પહેલેથી જ છે, પરંતુ બજેટ પૂર્વે મેળવાયેલા આ અભિપ્રાયો-સૂચનો અને માંગણીઓનો કેટલો સ્વીકાર કરવો, અને કટલાક બજેટમાં સમાવવા, તેનો એકાધિકાર પણ સરકાર પાસે જ રહે છે, પરંતુ બજેટસત્રમાં ચર્ચા થયા પછી અંતિમ મંજુરી પહેલા તેમાં સુધારા વધારાને અવકાશ પણ રહેતો હોય છે.
આ વખતે કેન્દ્રિય બજેટમાં મધ્યમ વર્ગને ખુશ કરવા કદાચ ઈન્કમ ટેક્ષમાં રાહતો અપાય, અને સુક્ષ્મ, ,મધ્યમ ઉદ્યોગો, એ.આઈ. અને મેન્યુફેક્ચરીંગ સેક્ટરને લઈને કોઈ મહત્ત્વપૂર્ણ જાહેરાતો થાય, તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે. એટલું જ નહીં, રક્ષામંત્રી રાજનાથસિંહે તાજેતરમાં પીઓકેને લઈને કરેલું સૂચક નિવેદન, ચીનના જ્હાજોએ ભારતીય જ્હાજનો પીછો કર્યો હોવાના અહેવાલ તથા ભારતીય સેનાની વ્યૂહાત્મક જરૂરિયાતોને ધ્યાને રાખીને દેશના સંરક્ષણ બજેટમાં વધુ ફાળવણી કરવામાં આવશે, તેમ જણાય છે. જો એવું થશે, તો ક્યા ક્ષેત્રમાં કાપ આવશે, તે અંગે પણ અટકળો થઈ રહી છે. એટલું જ નહીં, કદાચ આગામી વર્ષે કેટલાક સરકારી ખર્ચાઓ પર કાપ આવે અને સરકાર કરકસરના પગલાં જાહેર કરે, તેવી શક્યતાઓ પણ જણાવાઈ રહી છે. એકંદરે આગામી બજેટ 'કહીં ખુશી, કહીં ગમ' જેવી સ્થિતિનું નિર્માણ કરશે અને દેશની સુરક્ષા, એ.આઈ. સેક્ટર, આઈટી સેક્ટર તથા મિડલકક્ષાના સંબંધિત બાબતોને પ્રાધાન્ય અપાશે, તેવા અનુમાનો થઈ રહ્યા છે.
દેશની રાજધાનીમાં ચૂંટણીલક્ષી માહોલ હોવાથી અવારનવાર પ્રેસ કોન્ફરન્સો યોજાઈ રહી છે અને રાજકીય આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. હવે તો સરકાર પર મીડિયા મેનેજમેન્ટ તથા પ્રોપાગન્ડાના આક્ષેપો સાથે 'ગોદી મીડિયા'ના આક્ષેપો થઈ રહ્યા છે, તો નગરથી નેશન સુધી કોંગ્રેસની પત્રકાર પરિષદો પણ ચર્ચામાં છે. કોંગ્રેસે ટોપ-ટુ-બોટમ સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.
બીજી તરફ કેન્દ્રિય એજન્સીઓના દુરૂપયોગની સાથે સાથે હવે પ્રેસ-મીડિયાને પ્રભાવિત કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તેવા વિક્ષેપો-આક્ષેપોની વચ્ચે હવે તો જાહેર તથા ખાનગી ક્ષેત્રો દ્વારા પ્રેસ-મીડિયાને પ્રભાવિત કરવા તથા દબાવવાની રીત-રસમો હવે છાપેલા કાટલા જેવા અપરાધીઓ પણ અપનાવવા લાગ્યા હોય, ત્યારે મીડિયા જગતે પણ જાગૃત અને એકજુથ થવાની જરૂર હોવાના પ્રત્યાઘાતો પણ સામે આવવા લાગ્યા છે.
જ્યારે દેશમાં કોઈ રાજ્યમાં ચૂંટણી હોય, અને તે જ સમયગાળામાં બજેટની મોસમ શરૂ થતી હોય, ત્યારે બન્ને એકબીજાને પ્રભાવિત કરે તે સ્વાભાવિક છે, પરંતુ અભિવ્યક્તિની આઝાદી જેવા મૂળભૂત અધિકારો ધરાવતા દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થાના ચોથા સ્તંભસમા પ્રેસ-મીડિયાને પ્રભાવિત કરવાના પ્રયાસો પગ પર કૂહાડી મારવા જેવા વાહિયાત ગણાય, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial