Advertisement
Author: નોબત સમાચાર

કેશીયાના ઓવરબ્રિજ પર ટ્રેક્ટર પાછળ મોટર ટકરાતા ચાલક સહિત બેના મૃત્યુ

ટ્રેક્ટરચાલકે ખેંચીને બ્રેક મારતા સર્જાયો અકસ્માતઃ સુભાષબ્રિજ પાસે પણ અકસ્માતઃ

જામનગર તા.૨૧ : જોડિયાના કેશીયા ગામ નજીક ઓવરબ્રિજ પાસે ગઈકાલે એક ટ્રકને રોડ પર ચઢતો જોઈ એક ટ્રેકટરચાલક ગભરાયો હતો અને તેણે જોરથી બ્રેક મારી હતી જેના પગલે ટ્રેક્ટર રોડ પર ફગ્યું હતું અને પાછળથી આવતી મોટર તેમાં ટકરાઈ પડી હતી. ટ્રેકટર પરથી પાણીનો ટાંકો ઉથલી પડ્યો હતો તે ટાંંકા નીચે દબાઈ જતાં એક પરપ્રાંતીય શ્રમિકનું અને અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા દુધઈ ગામના મોટરચાલકનું મૃત્યુ નિપજયું છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુન્હો નોંધ્યો છે. ઉપરાંત સુભાષબ્રિજ પાસે એક મોટર પાછળ બીજી મોટર ટકરાઈ પડતા રૂ.૫૦ હજારનું નુકસાન થયું છે.

જોડિયા તાલુકાના કેશિયા ગામમાં નોકરી કરતા દુધઈ ગામના રાજેશભાઈ ત્રીકુભાઈ ગાંભવા નામના પટેલ પ્રૌઢ ગઈકાલે સાંજે પોતાની નોકરી પૂર્ણ કરી જીજે-૧૦-સીજી ૨૯૩૨ નંબરની હ્યુન્ડાઈ કંપનીની ઈઓન મોટર લઈને દુધઈ જવા માટે નીકળ્યા હતા.

તેઓ જ્યારે કેશીયા ગામના ઓવરબ્રિજથી પાછળ પહોંચ્યા ત્યારે આરજે-૧૪-આરસી ૯૧૪૦ નંબરનું ટ્રેક્ટર દોડી જતું હતંંંુ. તે ટ્રેક્ટરના ચાલક રાજસ્થાનના રાકેશ દેવારામ ખટાણાએ એક ડમ્પરને રોડ ચઢતું જોઈને પોતાના ટ્રેક્ટરને બ્રેક મારી હતી. જેના કારણે તેણે ટ્રેક્ટરના સ્ટીયરીંગ પરનો કાબુ ગૂમાવી દીધો હતો.

અચાનક જ બ્રેક વાગતા અને સ્ટીયરીંગ ફગતા ટ્રેક્ટર રોડની વચ્ચે આવી ગયું હતું ત્યારે જ પાછળ આવી રહેલી રાજેશભાઈની મોટર ટ્રેક્ટરની સાથે ટકરાઈ પડી હતી. ટ્રેક્ટર પર રહેલો ટાંંકો ઉંધો પડી ગયો હતો અને ટ્રેક્ટરના પંખા પર બેસીને જઈ રહેલા મનિષ રામભરત આદિવાસી (ઉ.વ.૨૫) નામના યુવાન ટાંકા નીચે દબાઈ ગયા હતા અને મોટર ટકરાઈ પડતા રાજેશભાઈ ગંભીર ઈજા પામ્યા હતા. આ અકસ્માતમાં રાજેશભાઈનું તથા ટાંકા નીચે દબાઈ ગયેલા મનિષ આદિવાસીનું મૃત્યુ નિપજ્યું છે.

અકસ્માતની જાણ થતાં ૧૦૮ ધસી આવી હતી. જોડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો. મૃતક રાજેશભાઈના ભત્રીજા યોગેશ મનસુખભાઈ ગાંભવા દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ટ્રેક્ટરના ચાલક રાકેશ ખટાણા સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના સુભાષબ્રિજ પરથી ગઈકાલે સાંજે જીજે-૧૦-ઈસી ૧૦૦ નંબરની ઈનોવા મોટર લઈને જતા અને ખંભાળિયા માર્ગ પર નાઘેડી નજીક વિનાયક સિટીમાં રહેતા પૃથ્વી છગનભાઈ મોઢવાડીયા જ્યારે સુભાષચંદ્ર બોઝના પૂતળા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી જીજે-૧૦-બીજી ૫૯૭૬ નંબરની ડસ્ટર મોટર ટકરાઈ પડી હતી.

આ અકસ્માતમાં ઈનોવામાં રૂપિયા અડધા લાખનું નુકસાન થયું છે. અકસ્માત સર્જનાર ડસ્ટર મોટરના ચાલક સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પૃથ્વી મોઢવાડીયાએ ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh