Advertisement
Author: નોબત સમાચાર

હેં આને ચોરી ન કહેવાય???

આજે તો સવાર સવારમાં જ ચુનિયાના ઘરવાળા નો ફોન આવી ગયો.હજી તો હું ઊંઘમાં હતો ત્યાં મારી ઘરવાળી એ મને જગાડ્યો અને કહ્યું કે ભાભીનો ફોન છે વાત કરો હાંફળા ફાફળા થઈ અને મેં ફોન રિસીવ કર્યો 'બોલો બોલો ભાભી કંઈ તકલીફ પડી?' તરત જ બોલવાનું શરૂ કર્યું કે, 'તકલીફ તો શું પડે પરંતુ કાલ તમારા ભાઈ તમારી સાથે પ્રોગ્રામમાં આવેલા તો એને તમે તમારી સાથે હોટલમાં નહોતા રાખ્યા? આખો થેલો મેં જોઈ લીધો ક્યાંય શેમ્પુ કે સાબુ દેખાયા નહીં અને તમે જે હોટલમાં ઉતારવાનું કહેતા હતા તે હોટલમાં તો આખી કીટ આપે છે.' મેં તરત જ કહ્યું કે, 'ના ના ભાભી એવું નથી અમે તે જ હોટલમાં ઉતરેલા.' ફોનમાં દેકારો સાંભળી અને ચુનિયો તેના ઘેર ઉઠી ગયો હશે અને તેણે તેની ઘરવાળીને ખખડાવી કે 'અત્યારે સવારના પોરમાં મિલનભાઈને ક્યાં જગાડે છે મને પૂછ તો ખરી? જો બેગના ચોર ખાનામાં હશે, અને હા ગયા વખતના પ્રિન્સ હોટલના શેમ્પૂ અને સાબુ હજી ક્યાં પૂરા થયા છે કે તારે નવા કાઢવા છે,' સામા છેડે મેં આ વાત સાંભળી લીધી અને ફોન મૂકી દીધો. આવા સંજોગોમાં તમે ચુનિયાને ચોર કહી શકો? હું કહું છું ના એ ચોરી ના કહેવાય અમુક લોકોની પ્રકૃતિ સાથે જોડાયેલી ચીજ છે. જ્યારે જ્યારે પ્રોગ્રામમાં કોઈ હોટલમાં હું ઉતરૂ છું ત્યારે ત્યારે ચુનિયો મારી સાથે આવે છે. શરૂઆતમાં મને એમ થતું હતું કે મને કંપની દેવા માટે આવે છે પરંતુ ચાર પાંચ વારના અનુભવ પછી મને એવું થયું કે આને હોટલની કીટમાં રસ છે. એમાં પણ જો દસેક દિવસ મારે કાર્યક્રમમાં હોટલમાં રહેવાનું ન થયું હોય તો સામેથી પૂછે કે મિલનભાઈ કાર્યક્રમો ઘટી ગયા કે શું? કે કોઈ હોટલ નથી આપતું? ત્યારે હું મારી બેગમાંથી તેને કીટ મોકલી દઉં છું. દુનિયાની હોત નીચે મેં ઘણાં વાચક વર્ગની વાત કરી નાખી છે જ્યાં સમજી ગયા હશો. ઘણાં તો એવા હોય છે કે બે દિવસ હોટલમાં રહે તો હોટલમાં નાય નહીં અને જે કીટ આવતી હોય તે ઘરે લઈ જાય. ચા-કોફી, સુગર, સુગર ફ્રી ના પાઉચ, નાસ્તાના પડીકા, ફોર સ્ટાર કેટેગરીની ઉપરની હોટલ હોય તો કાજુ, બદામ, પિસ્તાના પડીકા, ફ્રૂટ પણ હોય, મારે તો પાર્ટીના ખર્ચે હોટલ હોય એટલે હું ન લઉં. પુરસ્કારની રકમથી સંતોષ માની લઉં. પરંતુ ક્યારેક જોડે આવેલા લોકો સિફતથી સરકાવી લે ત્યારે તકલીફ પડે. ચુનિયો તો બિચારો શેમ્પુ, સાબુના પાઉચ સુધી જ રહે છે. એકવાર મારા એક બીજા મિત્રને હું કાર્યક્રમમાં લઈ ગયો હતો, સારામાં સારી હોટેલમાં ઉતારો હતો સાથે તે એક મોટી બેગ લાવેલો મેં તેને કહ્યું કે, 'તારે આટલા બધા કપડાંની શું જરૂર હોય?' એ મને કહે, 'તમને ન ખબર પડે મારે કામ છે એમ કઈ મારી સાથે આવ્યો પરંતુ જ્યારે  હોટેલમાંથી બીજે દિવસે ફોન આવ્યો કે 'સાહેબ તમારી રૂમમાંથી એક ટુવાલ, ચાની કીટલી, એસીનું રિમોટ, કાચના બે ગ્લાસ, બે ચમચી વિગેરે ગુમ છે' ત્યારે મને મોટી બેગનું રહસ્ય સમજાણું, છતાં હું મિત્રને તો ન કહી શક્યો અને તેનું બીલ હોટલવાળાને ચૂકવી આપ્યું. આ એક સાઈકોલોજીકલ ડિસોર્ડર છે. જેને ''ક્લેપ્ટોમેનિયા''નો રોગ કહે છે. ૫,૦૦૦ રૂપિયાનો આપણે રૂમ રાખી શકીએ છીએ પરંતુ પાંચ રૂપિયાના સાબુ અને શેમ્પૂને છોડી શકતા નથી. હોટલની ક્વોલિટી કરતા સારામાં સારી ક્વોલિટી આપણે ઘરે વાપરતા હશો પરંતુ તે લેવાની મજા જ કંઈક જુદી છે.

સામાન્ય રીતે મોલમાંથી ચોરી ઓછી થતી હોય છે પરંતુ તેમાં પણ ઘણાં બહેનો પાંચ રૂપિયાના માથામાં નાખવાના બકલ, નાની શેમ્પુની બોટલ, સારી ક્વોલિટીની ચોકલેટ કે બિસ્કીટ ક્યારેક ઉપાડી લે છે. હું એમ નથી કહેતો કે તે ચોરી કરે છે પરંતુ દસ હજાર રૂપિયાનું શોપિંગ કરે તો શું તે સો રૂપિયાનું આવું નાની મોટી વસ્તુનું બિલ ચૂકવી ન શકે? પરંતુ ના એ એક થ્રીલની વાત છે તેવું તે લોકોનું માનવું છે. મોલમાં હમણાં એક કાકીએ બિસ્કિટનું પેકેટ તફડાવ્યું, ખબર પડી ગઈ એટલે કોર્ટમાં લઈ ગયા જજે હુકમ કર્યો કે બિસ્કીટના પેકેટમાં કેટલા બિસ્કીટ હતાં જેટલા બિસ્કીટ હોય તેટલા દિવસની સજા કરવામાં આવશે ૧૦ બિસ્કીટ હતા એટલે દસ દિવસ મુજબ હજી તો ચુકાદો લખે ત્યાં જ કાકાએ પાછળથી કહ્યું કે એક મમરાનું પેકેટ પણ તફડાવ્યું છે. તમે નહીં માનો કોર્ટમાં પંખો બંધ કરી અને સાંજ સુધી લોકોએ મમરા ગણ્યા. કાકાને નિરાંત થઇ ગઈ.

હોટલમાં જમ્યા પછી પેપર નેપકીનમાં મુખવાસનો મુઠો ભરી અને લઈ જવો, દસ-પંદર ટુથપીક લઈ જવી, ક્યારેક કોઇ ચમચી-ચમચા પણ લઈ લે છે. 'ક્લિપ્ટોમેનીયા'નો એક મજેદાર કિસ્સો તમને કહું, એક હોટલમાં બાજુ બાજુમાં જમતા બે અજાણ્યા પરિવાર જમી અને સાથે ઊભા થયા પરંતુ એક ટેબલવાળાએ જોયું કે બે સરસ-મજાની ચમચી બાજુવાળાએ પોતાના કોટના ખિસ્સામાં નાખી દીધી છે. કાઉન્ટર ઉપર પહોંચતા જ પહેલા ટેબલવાળા ભાઈએ હોટલ મેનેજરને કહ્યું કે હું જાદુગર છું અને એક ડેમોસ્ટ્રેશન આપવા માગું છું હું મારા ખિસ્સામાં બે ચમચી મૂકુ અને બીજાના ખિસ્સામાંથી કાઢુ તો તમે માનો કે નહીં?  અને તેણે પોતાના ખિસ્સામાં બે ચમચી નાખી અને જે બાજુના ટેબલવાળાએ પોતાના ખિસ્સામાં બે ચમચી નાખી હતી તે કાઢી બતાવી લોકોએ તાળીઓના ગડગડાટ કર્યા અને આવા સારા જાદુગરનું બિલ થોડું લેવાય એમ કહી અને હોટલના મેનેજરે એ જાદુગર ટેબલવાળાનું બીલ ન લીધું. બાજુવાળાના ટેબલવાળો એમ તો ન કહી શકે એ તમારી બે ચમચી લઈ અને મફતમાં ખાઈને ખોટો જાદુગર કળા કરી ગયો. આ રોગ એવો છે કે તેની કોઈ ઉંમર નથી. જમવાનું બિલ ત્રણ હજાર રૂપિયા ચૂકવશે પરંતુ છેલ્લી આ હરકતો ખબર નહીં તેમને શું મજા આપે છે?

રેલવેમાં એસી કોચમાં મુસાફરી કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે તમે વધારે ભાડું ચૂકવો છો છતાં દસ રૂપિયાના નેપકીન ઘરે લાવવાની જે મજા છે એ વાત ખરેખર રોમાંચિત જ છે. એ નેપકીનથી તમે ઘરે મોઢૂ લૂછવાના નથી કે મહેમાનોની હાજરીમાં તમે બેઝીન પાસે ટીંગાડવાના નથી, સ્કૂટર કે ગાડીનો ગાભો બનીને રહી જાય છે છતાં બેગમાં સરકાવી અને ઘરે લઈ જઈએ છીએ. આ બધી વસ્તુ લેવી તેને હું ચોરી નથી ગણતો કારણકે તેનાથી કોઈને કદાચ ઝાઝું નુકસાન થતું નથી. મધ્યમવર્ગ આનાથી વિશેષ કશું કરી પણ શું શકે? પરંતુ મોટા મગરો તો ટેક્સ બચાવવા માટે આડા અવળા ધંધા કરે અને કરોડો રૂપિયાનો ચૂનો લગાડે તો તે ચોરી જ કહેવાય. જોકે એક દલીલ એવી પણ છે કે તે જેટલું કમાય છે અને તેના પ્રમાણમાં જે ચોરી કરે છે તે ખરેખર સાબુ શેમ્પુ જેટલું જ કહેવાય. ફ્લાઇટમાં મુસાફરી ખરેખર મોંઘી છે પરંતુ તેમાં પણ હેડફોન, સાલ કે ફ્રી માં આવતી કોઈપણ વસ્તુ, ખરીદેલી વસ્તુ કરતા પણ વધારે જાળવણીથી ઘર ભેગી થાય છે.

અમે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે ઉત્તરાયણ માટે ઘરેથી જે પૈસા પતંગ ખરીદવા અપાતા તે બીજી કોઈ જગ્યાએ વપરાય જતા પરંતુ તેમ છતાં જ્યાં પતંગની હરાજી થતી ત્યાં અમે ગેંગ બનાવી અને પહોંચી જતા અને અમારા પૂરતા પતંગ તો અમે સરકાવી જ લેતા, દોરી ધુળેટીના રંગ, દિવાળીના ફટાકડા આ બધું જ ખરીદવા ઉપરાંત તફડાવીને પણ આવતું. જોકે આજકાલ સીસીટીવી કેમેરાએ અમુક થ્રિલ માટે થતી તફડંચીની મજા બગાડી નાખી છે. જોકે આખું ઘર સાફ કરી અને ચોર નીકળી જાય અને પકડાય પછી એ એમ ના કહી શકે કે હું ક્લેપ્ટોમેનીયાનો શિકાર છું.

વિચારવાયુઃ 'ક્લિપ્ટોમેનીયા સિન્ડ્રોમ'ની તીવ્રતા જેટલી વધુ અધિકારી એટલો મોટો અને સફળ આ વાત સાચી?

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh