Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના કરોડો લોકો ગંદા બજારમાં વેચાતા બિન આરોગ્યપ્રદ, પ્રદૂષિત શાકભાજી ખાય છે!

દુબઈ અને અબુધાબીની શાક માર્કેટમાં ધાર્મિક સ્થળ  જેટલી સ્વચ્છતા હોય છે

                                                                                                                                                                                                      

ભારતમાં જૂતાં ચપ્પલ શોરૂમમાં વેંચાય છે અને લીલા શાકભાજી ફૂટપાથ ઉપર વેચાય રહૃાા છે! આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં પણ લીલા શાકભાજી ગંદી જગ્યાઓએ અને અસ્તવ્યસ્ત હાલતમાં મળે છે. જામનગર શહેરમાં એકવાર જથ્થાબંધ અને છૂટક શાક માર્કેટ 'સુભાષ શાકમાર્કેટ'ની અવદશા નિહાળો તો દયા અને ગુસ્સો આવે તેવું છે. રજવાડા દ્વારા બાંધવામાં આવેલી શાક માર્કેટ હવે પડીને પાદર થઈ ગઈ છે. તેને પાડીને ટૂંક સમયમાં નવું રૂપ ધારણ કરશે. સજુબા ગર્લ્સ હાઇસ્કૂલથી લઈને દરબારગઢ સુધી પાથરણા અને લારીઓમાં વર્ષોથી બજાર ભરાય છે! ગાય-કૂતરાની ગંદકી વચ્ચે કેટલા આરોગ્યપ્રદ શાકભાજી મળતા હશે તે મોટો અને ગંભીર સવાલ છે! અહી તોલમાપ, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ સહિતના અનેક કાયદાનો અમલ થતો નથી. જામનગરની શાક બજાર ખરેખર રામ ભરોસે ધમધમી રહી છે. મહાનગરપાલિકાના નવા શાસકો સુભાષ શાક માર્કેટને આધુનિક રીતે નિર્માણ કરે તેવી નગરજનોની ઈચ્છા છે.

કરૂણતા

એન્જિયોગ્રાફીના લેખક મોટાભાગે શાક બકાલું લેવા જતા નથી, પરંતુ આ લેખ લખવા માટે થોડા મહિના પહેલા સુભાષ શાકમાર્કેટની મુલાકાત લીધી. અતિશય ગંદકી, રખડતાં ઢોર અને કૂતરા વચ્ચેથી બચતા બચતા નિરીક્ષણ કર્યું. બીજી ખાસ વાત એ છે કે, ૧૦  મે એ, જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાતવાસો કરવા જામનગર પધારવાના હતા તે દિવસે આખું વહીવટી તંત્ર શહેરની સ્વચ્છતા અને સુંદર વ્યવસ્થામાં ગળાડૂબ હતું તે દિવસે જ સુભાષ માર્કેટ વિસ્તાર ગંદકી અને ટ્રાફિકથી ત્રસ્ત હતો! જ્યાંથી મોટાભાગનું શહેર પેટપૂજા માટે શાકભાજી ખરીદે છે ત્યાં વડાપ્રધાનના આગમમની કોઈ કાર્યવાહી કે અસર થઈ નહોતી. વડાપ્રધાન આવતા હોય અને જે સ્થળને નજર અંદાઝ કરવામાં આવતું હોય ત્યાં, સામાન્ય દિવસોમાં શું પરિસ્થિતિ હશે?

શું આપણી સંવેદના મરી પરવારી છે? શાસકો અને પ્રજા બન્ને આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. જામનગર શહેરમાં ૨૦૦ કરોડનો જંગી ઓવરબ્રિજ બની શકે છે તો, ૨૫-૫૦ કરોડની નમૂનેદાર શાકમાર્કેટ કેમ બનતી નથી? જામનગર શહેર હવે ૧૨૫ કિલોમીટર પરિઘમાં વિસ્તરી ચૂક્યું છે ત્યારે ઓછામાં ઓછી ૩ મોટી આધુનિક શાકમાર્કેટ બનાવવી જરૂરી છે. મહાનગરપાલિકા પાસે દૃષ્ટિ કે ઈરાદા નથી. વિવિધ કામો ઉપર અબજોના ખર્ચ પછી પણ શહેરની મુખ્ય શાકમાર્કેટ ખંડેર હાલતમાં બંધ છે. અહી ચોમાસામાં શું હાલત થતી હશે તે રામ જાણે.

હવે જાગો

મારી જાણકારી મુજબ આખા ગુજરાતમાં ક્યાંય નમૂનેદાર આધુનિક શાકમાર્કેટ બની નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારને મોટા મોટા માર્ગો નિર્માણ કરવાના જ વિચાર આવે છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા કે જૂનાગઢમાં ૨૧ મી સદીમાં પણ શાકભાજી રોડ કે ફૂટપાથ ઉપર જ વેચાઈ રહૃાું છે! નરેન્દ્ર મોદી સરકારે હવે બીજા બધા નિર્માણ કાર્યો પડતા મૂકીને આધુનિક અને નમૂનેદાર શાક માર્કેટ નિર્માણ કાર્ય શરૂ કરવાની જરૂર છે. જામનગર શહેરમાં અનેક નવા નિર્માણ કાર્યો ધમધમી રહૃાા છે. પરંતુ સજુબા ગર્લ્સ હાઇસ્કૂલથી દરબારગઢ સુધી ખુલ્લામાં બિન આરોગ્યપ્રદ રીતે વેચતા શાકભાજીના ઉદ્ધાર માટે તંત્ર કુંભકર્ણ નિદ્રામાં વ્યસ્ત છે. આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અનેકવાર વિદેશ યાત્રાઓ કરે છે, પરંતુ ત્યાંના અભ્યાસનો અહી અમલ કરતાં જ નથી!

સરકાર

ગુજરાત સરકાર દોઢ દાયકાથી ડબલ એન્જિન સરકાર છે. દુનિયામાં મોટી ઊપજ ધરાવે છે. પરંતુ શાક-બકાલા ક્ષેત્રે તેમનો મૃદુ અને મુલાયમ વહીવટ સામાન્ય લોકોને ગળે ઊતરતો નથી. ભૂપેન્દ્ર પટેલની સરકાર ગંદા અને બિન આરોગ્યપ્રદ સ્થળો ઉપર વેચતા શાકભાજી બાબતે 'ઝીરો ટોલરન્સ નીતિ' અમલમાં મૂકવામાં કેમ નબળી પડે છે તે મોટો સવાલ છે. ૩૦ વર્ષ સુધી મોટા અને વિશાળ માર્ગો બનવ્યા, હજારો ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવ્યા, હવે તેને આરામ આપી ભવ્ય શાક માર્કેટો બનાવો. વિદેશી પ્રતિનિધિ મંડળો જોવા આવે તેવી ડિઝાઇન બનાવો. ભાજપ સરકારે ગિફ્ટ સિટી બનાવવા માટે જેટલો રસ લીધો અને જેટલા નાણા ફાળવ્યા તેના પ્રમાણમાં શુદ્ધ અને સલામત શાકભાજી નાગરિકોને મળે તે માટે નથી લીધો તે લોકો બહુ સારી રીતે જાણે છે. ગુજરાતના મંત્રી મંડળે એકવાર જામનગરમાં સજુબા ગર્લ્સ હાઇસ્કૂલથી દરબારગઢ સુધી પદયાત્રા કરી વાસ્તવિકતા જાણવાની જરૂર છે. થોડા વર્ષો પહેલા જામનગરના બેડીગેઈટ-કડીયાવડમાં નાની શાક માર્કેટ ભરાતી હતી, ત્યાં આ વિસ્તારનું મોટુ શૌચાલય ખદબદતું  હતું. તે હવે કડીયાવાડમાં ભરાય છે.

ગુજરાત સરકારે રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકા મથકોએ નવી શાક બજાર બનાવવાની જરૂર છે. મે દુબઈ અને અબુધાબીની શાક માર્કેટ જોઈ છે. ધર્મ સ્થાનો જેટલી સ્વચ્છતા હોય છે. અમેરિકાની સૌથી મોટી રીટેલ ચેઇન 'વોલમાર્ટ'માં વેજીટેબલ ગુણવત્તા ચકાસવા માટે અલાયદો વિભાગ છે. શાકભાજીની સાથે તેના વિક્રેતાઓના આરોગ્યની પણ તપાસ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વેપાર સાથે સંકળાયેલા લોકોના આરોગ્યની ચકાસણી કરવાની કોઈ પદ્ધતિ નથી. નાની-મોટી બીમારીથી પીડાતા લોકો આ ધંધો કરી શકવા ન જોઈએ! કારણ કે, તેનાથી બીમારી ફેલાવાનો ભય રહે છે.

ગુજરાતમાં મોટી શાકમાર્કેટ ઉપરાંત ગલી મહોલ્લામાં પણ ફેરિયા બકાલાનો ધંધો કરે છે. આવા હજારો ફેરિયા યોગ્ય વજનમાં માલ આપે છે કેમ તેના વજન કાંટા પણ તપાસવા જોઈએ. ૧૦ કિલોગ્રામના કેરીના બોક્સમાં પુરતા વજનમાં માલ હોય છે? કેરીને કાર્બન અથવા કેમિકલથી પકવવામાં આવે છે? લીલા શાકભાજીમાં રસાયણોનું પ્રમાણ કેટલું છે? તે ચકાસવા માટે વ્યવસ્થા છે?

મારા મતે શાકભાજી અને ફળો બાબતે સંપૂર્ણ લાલિયાવાડી ચાલે છે. આ જીવન જરૂરી અને દૈનિક વપરાશની વસ્તુઓ છે. તે તંદુરસ્તી અને માંદગી સાથે સીધી રીતે સંકળાયેલી છે. ગુજરાતના ખેતીવાડી મંત્રીઓએ આ ક્ષેત્રની નોંધ જ લીધી નથી.

ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેમ ગ્રાહકોને પણ પોષણયુક્ત શાકભાજી મળે તે જરૂરી છે.

ગ્રાહકો સંગઠિત નથી તેથી તેનો કોઈ અવાજ નથી. ગુજરાતના ગંદા ગોબરા શાકમાર્કેટ શા માટે ચલાવી લેવા જોઈએ. જામનગરની સુભાષ માર્કેટ, જૂનાગઢની ડબા ગલી કે પાંચ હાટડી, અમદાવાદનું જમાલપુર શાક માર્કેટ કે રાજકોટનું લાખાજીરાજ શાકમાર્કેટ નમૂનેદાર શા માટે ના બને? રાજકોટમાં આ શાક માર્કેટની મરામત એક વર્ષથી અદ્ધરતાલ છે, કારણ કે, શાક બકાલાના વેપારીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નથી આવી!

રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા બે વર્ષમાં નવી શાક બજાર બની જશે તેવો અંદાજ છે અને અંદાજિત ખર્ચ ૨૯ કરોડનો છે. અહી આધુનિક મોલ જેવી વ્યવસ્થાઓ હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે હોસ્પિટલોની જેમ શાકબજાર માટે પણ એસ.ઑ.પી. તૈયાર કરવી જોઈએ. ખાલી વેપાર માટેના થડા બાંધી દેવાથી કામ પતાવવું ન જોઈએ. દુનિયાની આધુનિક છૂટક શાક વિતરણ વ્યવસ્થાનો અભ્યાસ થવો જોઈએ.

નવી હવા

ગુજરાતમાં તાલુકા, જિલ્લા અને મહાનગરોમાં નવા પદાધિકારીઓ નિયુક્ત થઈ ગયા છે. હવે ભાજપે 'આધુનિક શાક માર્કેટ નિર્માણ અભિયાન' શરૂ કરવાનો સમય પાકી ગયો છે. મહાનગરો ઉપરાંત તાલુકા મથકોએ પણ શાકભાજીની વિતરણ વ્યવસ્થા બહુ કંગાળ હાલતમાં છે. સરકાર પાસે રોડ-રસ્તા અને ભવનો બાંધવા માટે અબજો રૂપિયા છે, પરંતુ સ્વસ્થ ગુજરાતના નારા ગજવતી સરકાર પાસે આધુનિક શાકમાર્કેટ બાંધવાની દૃષ્ટિ, ઈરાદા કે નાણા નથી. એશિયાડ અને ઓલમ્પિક ખેલ માટે અત્યારથી તિજોરી ખૂલી મૂકી દીધી છે, પરંતુ નાગરિકોને શુદ્ધ ખોરાક મળે તેની ચિંતા નથી. ભેળસેળ કરતા લોકોને કડક સજા કરવાના કાયદા ઘડવાનો સમય નથી. ભેળસેળ પકડવા માટે પૂરતો સ્ટાફ કે આધુનિક લેબ પણ નથી! કૃષિ મંત્રી અને પુરવઠા મંત્રી શું કરે છે તે નાગરિકોને ખબર નથી.

ઈચ્છા

ગૌરવવંતા ગુજરાતીઓ રાજ્યમાં ભેળસેળ મુક્ત અને પ્રદૂષણ રહિત ખોરાક માંગે છે. રાજ્યમાં શાકભાજીની છૂટક વિતરણ વ્યવસ્થા મજબૂત અને સ્વચ્છ બને તે જરૂરી છે. શાક બકાલું વેંચતા ધંધાર્થીઓની નિયમિત આરોગ્ય ચકાસણી થવી જોઈએ. મહાનગરપાલિકાઓમાં જેમ એસ્ટેટ વિભાગ હોય છે તેમ ખોરાક વ્યવસ્થાપન વિભાગ પણ હોવો જોઈએ. જામનગરની સુભાષ માર્કેટમાં જો કાનૂની વિવાદ કે અડચણ હોય તો તાત્કાલિક તેનો ઉકેલ લાવવો જોઈએ. રાજ્યમાં આ ક્ષેત્ર માટે તાત્કાલિક ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવી જોઈએ. બુધવારની કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવી જોઈએ. સરકારે આ બાબતેની પ્રગતિનો અહેવાલ કમિશનરો પાસે મંગાવો જોઈએ. સાથે મેયર, જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખો પાસે પણ રિપોર્ટ માંગવો જોઈએ. જિલ્લા કક્ષાએ મળતી સંકલન સમિતિની બેઠકોમાં પણ નવી અને આધુનિક શાકમાર્કેટ બાબતે સાંસદ અને ધારાસભ્યોએ સક્રિય થવું જોઈએ. સ્વચ્છ શાક માર્કેટ માટેની હરીફાઈ રાખવી જોઈએ.

મોટા શહેરોમાં અનેક વિસ્તારોમાં છૂટક વેચાણ કરવામાં આવે છે. મહાનગરપાલિકા હસ્તક જમીનના પ્લોટ હોય, શોપિંગ સેન્ટર હોય ત્યાં શાકભાજી માટે દુકાનો, જગ્યા અનામત રાખવી જોઈએ. ખાનગી શોપિંગ સેન્ટરોમાં જેમ પાર્કિંગની જગ્યા ફરજિયાત હોય છે તેમ એક કે બે દુકાનો શાકભાજી માટે અનામત રાખવાનો નિયમ બનાવવો જોઈએ. જો કોઈ ખાનગી બિલ્ડર માત્ર શાકભાજી માટે બિલ્ડિંગ બનાવે તો, નિયમોમાં છૂટછાટ આપવી જોઈએ. બેન્કોએ પણ ધિરાણમાં ખાસ રાહત આપવી જોઈએ.

સરકારી ફંડ

વાજબી ભાવે શુદ્ધ ખોરાક મેળવવો તે નાગરિકનો અધિકાર છે અને સરકારની ફરજ છે. અશુદ્ધ ખોરાકને કારણે કેન્સર, હદય રોગ જેવા અનેક રોગો સમાજમાં વધી રહૃાા છે. સરકારે જે કરવાનું છે તે, નાગરિકોના કરવેરાની આવકમાંથી જ કરવાનું છે. પ્રજાના પ્રતિનિધિઓએ પણ હવે સક્રિય થવાની જરૂર છે. સરકાર સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓને વિકાસ કામો માટે ખાસ ફંડ આપે છે. તેમણે પણ શાકમાર્કેટ નિર્માણ માટે આ ફંડ ફાળવવું જોઈએ.

નાગરિકો

નાગરિકોની લાપરવાહી અને નિષ્ક્રિયતા પણ આ માટે જવાબદાર છે. સોશિયલ મીડિયા ઉપર આવી બાબતો લખવી જોઈએ. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંદેશા મોકલી જાગૃત કરવા જોઈએ, માંગણી કરવી જોઈએ. આવી માંગ કોઈ સરકાર વિરોધી પ્રવૃત્તિ નથી, આપણો મૂળભૂત અધિકાર છે.

'નોબત'ના વાચકો અને ચાહકો આ લેખ વાંચી પદાધિકારીઓ અને અધિકારીઓને સંદેશ પાઠવી માંગ કરે તેવી હાર્દિક વિનંતી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh