Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરીથી તે જ સ્થળે દબાણો અટકાવવા ફેન્સીંગ વોલ સાથે બોર્ડ મૂકાશેઃ આ ચાર દાયકાના દબાણનું જવાબદાર કોણ ?
ખંભાળિયા તા. ૧૫: દેવભૂમિ જિલ્લાના બેટ દ્વારકામાં ડિમોલેશન જમીનની કિંમત ૫૦ કરોડ થવા જશે. હવે યાત્રાધામ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરાશે. તેવા સંકેતો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા વિસ્તારમાં શનિવારથી રેકોર્ડ મેગા ડિમોલેશન શરૂ થયું હતું જે આજે પાંચમાં દિવસે પણ ચાલુ છે તથા રેકોર્ડ રૂપ ૪૭.૧૬ કરોડની કિંમતની જગ્યાઓ ખાલી થઈ છે તથા છયાંસી હજાર ઉપરાંત મીટરની જગ્યાઓમાં ૨૭૨ મકાનો ૭ વાણીજયક બિલ્ડીંગ તથા ૭ અન્ય ધાર્મિક સ્થળ દૂર કરવામાં આવ્યા હતા.
ઓપરેશન ડિમોલિશન અંગેની વિસ્તૃત વિગતો આપતા પ્રાંત અધિકારી દ્વારકાથી અમોલ આવરે એ જણાવેલ કે શનિવારથી તા. ૧૧-૧ની ડિમોલિશન કાર્યવાહી શરૂ થઈ હતી જેમાં બાલાપર વિસ્તારમાં જ ૨૩૩ મકાનો તથા ૪ અન્ય મકાનો મળીને કુલ ૩ દિવસમાં ૨૩૭ દબાણોમાંથી ૬૩૭૪૩ ચો.મી. જગ્યા ખાલી થયેલ જેથી અંદાજીત બજાર કિંમત ૩૪.૬૦ કરોડ થવા જાય છે.
ગઈકાલે મકર સંક્રાંતિના દિને પણ ડિમોલિશનની કામગીરી રેવન્યુ તથા પોલીસ તંત્ર દ્વારા ચાલુ રાખીને દામજી જેટી, બાલાપર ગામ, હનુમાન દાંડી રોડ વિસ્તારોમાંથી ૧૨.૨૪ કરોડની ૨૨૬૩૮ ચો.મી. જગ્યા ખાલી કરવા કાર્વાહી કરવામાં આવી હતી.
ગઈકાલે દામજી જેટી પર સાત વાણીજ્યક દબાણો ૮ હજાર ચો.મી.ના કિંમત છ કરોડના પંચવની વિસ્તારમાં ૭૩.૬૫ લાખના ત્રણ, બાલાપર ગામતળમાં ૨૦ મકાનો ૨૪૦ ચો.મી. કિંમત ૧.૨૯ કરોડ તથા હનુમાન દાંડી રોડ પર ૧૯ મકાનો તોડી પાડવામાં આવેલ તથા કુલ ૧૨.૨૪ કરોડની જગ્યા ગઈકાલે એક જ દિવસમાં ખાલી કરવામાં આવી હતી.
સતત ચાર દિવસથી ચાલતી આ કામગીરીમાં દ્વારકા પ્રાંત અમોલ આવરે દ્વારકા મામલતદાર, સર્કલ ઈન્સ્પેકટર તથા ઓખા ચીફ ઓફિસર શુકલ ઉપરાંત જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે, ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ તથા દ્વારકા જિલ્લા તથા અન્ય શહેરોમાંથી પણ સ્ટાફ જોડાયો છે. તથા કડક અને ચુસ્ત બંદોબસ્ત સાથે ચાર દિવસથી લોકોને ઈમરજન્સી વગર બહાર નીકળવા મનાઈ સાથે યાત્રીકોને બેટ દ્વારકામાં પ્રવેશબંધી સતત પેટ્રોલીંગ પગપાળા વાહન સાથે તથા ડ્રોન પેટ્રોલીંગ પણ સતત ચાલુ રખાયા છે તથા સવારથી રાત્રિ સુધી ખુદ જિલ્લા પોલીસવડા નીતેશ પાંડે બેટ દ્વારકામાં હાજર રહે છે !!
જિલ્લા કક્ષાએથી સતત મોનીટરીંગઃ ગૃહરાજયમંત્રીના તંત્રને અભિનંદન
દેવભૂમિ દ્વારકા રેવન્યુ તથા પોલીસ તંત્ર દ્વારા દ્વારકા કોરીડોરના વિકાસ કાર્ય સંદર્ભ તથા આંતરિક તથા આંતરરાષ્ટ્રીય સલામતીના ભાગરૂપે થયેલ ડિમોલિશનની કામગીરીમાં જિલ્લા ઈન્ચાર્જ કલેકટર એ.બી. પાંડોર દ્વારા જિલ્લા કક્ષાએ ખંભાળિયામાં માસ મોનીટરીંગની વ્યવસ્થા સાથે છેક ઉચ્ચકક્ષા સુધી ડિમોલિશનની માહિતી વિગતો તથા ઉચ્ચકક્ષાએ સંપર્ક અને માર્ગદર્શન સાથે કાર્યવાહી સતત ચાલુ રાખી છે. ગઈકાલે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ફોન દ્વારા જિલ્લા રેવન્યુ તંત્રના વડા ઈન્ચાર્જ કલેકટર એ.બી. પાંડોર તથા જિલ્લા પોલીસવડા નીતેશ પાંડેને અભિનંદન સાથે કામગીરી બિરદાવી હતી.
આજે પણ
બાલાપરમાં ડિમોલિશન
બાલાપર વિસ્તારને બેટ દ્વારકામાં દબાણોનુ મોટું કેન્દ્ર હોય સતત ચાર દિવસથી અહીં દબાણો હટાવાઈ રહ્યા છે તેમાં હજુ કેટલાક દબાણો નાના રહી ગયા હોય આજે સવારથી તેને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાંજ સુધી તે ચાલશે તેમ પ્રાંત અધિકારી આવરેએ જણાવ્યું હતું.
હવે પછી દ્વારકાનો વારો
બેટ દ્વારકા પછી દ્વારકા શહેરનો વારો આવનાર છે જો કે, થોડા દિવસ પહેલા જ ડિસેમ્બર માસમાં જ પ્રાંત અધિકારી અમોલ આવરેની આગેવાનીમાં હાથી ગેટ ટી.વી. સ્ટેશન રોડ સહિતના વિસ્તારો તથા બજારમાંથી કરોડોના દબાણો હટાવાયા હતા જે પછી દ્વારકા કોરીડોરના વિકાસ નકશાના સંદર્ભમાં હવે થોડા સમયમાં દ્વારકાનો વારો શરૂ થશે જેમાં આ વખતે દ્વારકા મંદિર નજીકના દબાણો કે જેના સંદર્ભમાં અગાઉ પણ ફરિયાદો થઈ હતી તેનો વારો લેવામાં આવશે. તથા બેટ દ્વારકાની જેમ કડક અને ચુસ્ત રીતે કાર્યવાહી કરવામાં આવશે. દ્વારકામાં પણ દબાણો હટાવવાની પ્રક્રિયા નોટીસો કયારની અપાઈ ગઈ છે હવે પછી આખરી નોટીસ પછી તંત્ર કાર્યવાહી શરૂ કરશે જે બેટ દ્વારકાની જેમ રેકોર્ડરૂપ હશે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨માં દ્વારકામાં ૩ાા લાખ ફૂટ જમીન સાથે ૨૬૨ દબાણો હટાવાયા હતા જેમાં અનેક મકાનો વંડા કોમર્શીયલ સ્થળો ધાર્મિક સ્થળોનો કડુસલો બોલી ગયો હતો તે પછી ૨૦૨૩માં હર્ષદ, ગાંધવી નાવદરા સહિતના દરિયાઈ વિસ્તારોમાં પણ તત્કાલીન જિલ્લા કલેકટર પંડયા તથા હાલના એસ.પી. નીતેશ પાંડે દ્વારા થયું હતું તે પછી બેટ દ્વારકા સેકન્ડ રાઉન્ડ શરૂ થયો તે પછી દ્વારકા પણ આવશે જે ગત રાઉન્ડમાં બાકી રહી ગયું હતું.
દબાણોમાં ખાલી જમીન પર ફેન્સીંગ કરી કબ્જો લેવાશે
સરકારી તંત્ર દ્વારા દબાણો ખુલ્લા થાય તે પછી થોડો સમય પછી દબાણો પર ફરીથી દબાણો થઈ જતાં હોય છે. વીસેક વર્ષ પહેલા ઓખા બંદર વિસ્તારમાં પણ કરોડોના દબાણો પંદર દિવસમાં હટાવાયા હતા ત્યાં ફરીથી દબાણના જંગલ થઈ ગયા હોય અહીં આવું ના થાય તે માટે ઈન્ચાર્જ જિલ્લા કલેકટર એમ.બી. પાંડોર દ્વારા તથા પ્રાંત અમોલ આવરે દ્વારા તંત્રને ડિમોલિશન પૂર્ણ થયા પછી જગ્યા સાફ કરીને ત્યાં ફેન્સીંગ વોલ સાથે સરકારી જમીન ગૌચરના બોર્ડ પ્રદર્શિત કરવા પણ સૂચના અપાઈ છે.
૨૫ થી ૪૦ વર્ષ જુના દબાણો જવાબદારી કોની?
દ્વારકા કોરીડોર તથા વિકાસ માટે શરૂ થયેલ આ ડિમોલિશન સામાન્ય જનમાં આવકાર્ય બનેલ છે. પણ જે જમીન દબાણો હટાવાયા તે ૨૫થી ૪૦-૪૦ વર્ષ જુના હતા જેમાં પાલિકાના નળ, વીજ તંત્રના જોડાણ હતા તો આટલા વર્ષો સુધી સ્થાનિક તંત્ર ઊંઘતુ હતું કે ભાગ બાટાઈમાં સામેલ હતા તેવો પણ પ્રશ્ન ઉઠયો છે. સરકારના પરિપત્ર મુજબ નાનકડા ગામમાં પણ જમીન દબાણ ના થાય તથા સરકારી જમીનો ગૌચરનું ધ્યાન રાખવા તલાટી મંત્રીની જવાબદારી ફિકસ થઈ છે તો ૫૦ કરોડના દબાણોમાં કોની ? તે પણ યક્ષ પ્રશ્ન ઉઠયો છે.
જો કે ટવીટર પર વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર પોસ્ટ સંદર્ભમાં પોલીસે તપાસ કરતાં જ આ ટવીટર એકાઉન્ટ બંધ થઈ ગયું હતું જો કે, પોલીસે ઉંડી તપાસ ચાલુ જ રાખી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial