Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રયાગરાજમાં અત્યારે કુંભમેળો ચાલે છે. અને કુંભમેળો ચાલતો હોય ત્યારે ત્યાં પ્રયાગરાજમાં સંગમ સ્થળે સ્નાન કરવાનો, એટલે કે ડૂબકી મારવાનો અનેરો મહિમા છે.
હવે શેરબજાર તો ડૂબકી મારવામાં નિષ્ણાત છે. કુંભમેળો શરૂ થયો એ જ દિવસે પહેલી ડૂબકી તો શેરબજારે જ લગાવી દીધી, શેરબજારના ઇન્ડેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો ઘટાડો નોંધાવીને.. શેરબજારની આ ડુબકીનો લાભ રોકાણકારોને પણ ઘરબેઠે જ મળ્યો -- તેમનું ઇન્વેસ્ટમેન્ટ પણ ડૂબકી ખાવા લાગ્યું.
અત્યારે કુંભમેળો પ્રયાગરાજમાં સંગમ સ્થળે ચાલે છે. એટલે કે અહીં ત્રણ નદીઓનો સંગમ થાય છે ગંગા, જમના અને અદૃશ્ય રહીને તેમાં ભળતી સરસ્વતી.
શેરબજાર પણ એક રીતે જોઈએ તો ત્રિવેણી સંગમ જ છે, તેજીના ખેલાડી, મંદીના ખેલાડી અને તેજી મંદીથી અલિપ્ત રહીને નિયમિતપણે રોકાણ કરતા લાંબાગાળાના ઇન્વેસ્ટરો. આવા ઇન્વેસ્ટરો સામાન્ય રીતે તેજી-મંદીની બહુ ચિંતા કરતા નથી. તેઓ તો એક જ વાતમાં વિશ્વાસ રાખે છે કે, *જીન ખોજા તીન પાઇયા, ગહરે પાની પૈઠ*. એટલે કે શેરબજાર જ્યારે જ્યારે તેની પ્રકૃતિ મુજબ ડૂબકી મારે છે ત્યારે તેઓ પણ સાથે સાથે ડૂબકી લગાવીને ઉંડા પાણીમાંથી સાચા મોતી જેવી કંપનીના શેર શોધી લાવે છે, અને માલામાલ થઈ જાય છે.
શેરબજારનું કામ પેલા લગ્નના લાડુ, એટલે કે લાકડાના લાડુ જેવું છે, જે ખાય એ પણ પસ્તાય, અને ન ખાય એ પણ પસ્તાય. એટલે કે તેમાં પૈસા રોકે તે પણ પસ્તાય અને ન રોકે તે પણ પસ્તાય.
એક તાજા જ ગ્રેજ્યુએટ થયેલા યુવાનને નોકરી મળી એટલે તે શહેરમાં રહેવા આવ્યો, અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. યુવાન એકદમ ઉત્સાહી હતો. તેણે મકાન માલિકને ભાડાની સાથે સાથે જ શેરબજાર વિશેનું જ્ઞાન પણ આપ્યું. તેણે એ પણ સમજાવ્યું કે શેરબજારમાં રૂપિયા કેટલા ઝડપથી ડબલ થાય છે...
તેના એ શેરબજારના જ્ઞાનની એવી અસર થઈ કે આજે તેઓ બંને ભાડાના મકાનમાં રહે છે...
એટલું જ નહીં તે યુવાને તો તેનું શેરબજારનું જ્ઞાન તેના પિતાજીને પણ આપેલું. તેણે કહ્યું કે શેરબજારમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ એ જ સૌથી શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ છે.
અને જમાનાના ખાધેલ તેના પિતાજીએ બીજા જ દિવસે ગામડામાં રહેલી તેની બે એકર જમીન અને તેના મકાનના દસ્તાવેજમાંથી આ યુવાનનું નામ કાઢી નાખ્યું..!!
રાજકારણમાં ટાઈમિંગ એ પણ એક ખૂબ જ અગત્યનું પરિબળ છે, દેશ કે દુનિયામાં કશુક બને અને સૌથી પહેલી પ્રતિક્રિયા જે આપે તેની સૌથી પહેલા નોંધ લેવાય અને તેની વાહ વાહ થાય. શેરબજાર ક્રેશ થયું તે સમાચાર મળતા જ નેતાજીએ તરત જ જાહેરાત કરી કે, મરનાર દરેક વ્યક્તિને સરકાર પાંચ પાંચ લાખ રૂપિયા અને ઘાયલ થયેલા દરેકને પચાસ પચાસ હજાર રૂપિયાની સહાય આપશે..!! અને ભવિષ્યમાં આવો ક્રેશ ન થાય તેને માટે સરકાર યોગ્ય સાવચેતીના પગલા પણ લેશે.. !!
હું તો હવે સરકારના એ નિર્ણયની રાહ જોઉં છું કે તેઓ શેરબજારના આ ક્રેશમાં કોને મરેલા ગણે છે, અને કોને ઘાયલ થયેલા ગણે છે.
વિદાય વેળાએ :કોરોના પછી શેરબજારમાં સતત આવેલી તેજી જોઈને નટુને પણ ઝડપથી કરોડપતિ થવાની ઈચ્છા થઈ. તેણે મિત્રો સાથેની મિટિંગમાં પૂછ્યું, *મારે એક વર્ષ પછી એક કરોડ રૂપિયા જોઈતા હોય તો અત્યારે કેટલા રૂપિયા રોકવા જોઈએ ?*
*ફક્ત બે કરોડ...!!* લાલાએ હસતા હસતા તેને જવાબ આપ્યો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial