Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત ગુજરાતના ઘણાં મતદારો એસઆઈઆર કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા પછી જાહેર કરાયેલી ચૂંટણીપંચની ડ્રાફટ મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં, અને પોતાના પરિવારજનો પૈકી પણ કોઈનું નામ ઉડી ગયું નથી ને ? તે જોવા ચૂંટણીપંચની સંબંધિત વેબસાઈટો અને એપ્સ ખંગાળી રહ્યા છે, અને તેથી વેબસાઈટ પર લોડ વધી ગયો હોવાથી થોડા સમય પછી પ્રયાસ કરવાની ઈન્સ્ટ્રકશન આવી રહી હોવાની તથા ડ્રાફટ યાદીઓની પીડીએફ ફાઈલો સરળતાથી ડાઉનલોડ થઈ નહીં રહી હોવાની તથા તદ્વિષયક ઓનલાઈન પ્રક્રિયામાં સામાન્ય મતદારોને મુશ્કેલી પડી રહી હોવાની રાવ પણ ઉઠી રહી હતી, અને તેના સંબંધે મતદારો પરસ્પર કે આ કામગીરીના જાણકારોને ફોન કરીને માર્ગદર્શન માંગી રહેલા પણ જોવા મળ્યા હતા. આ પ્રકારની તાલાવેલી મતદારોમાં આવેલી જાગૃતિ પણ દર્શાવે છે.
આ સ્થિતિ ઊભી થવાનું કારણ એે છે કે ગઈકાલે જામનગર જિલ્લાના ચૂંટણીતંત્ર સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓના તંત્રોએ એસઆઈઆરનો પ્રથમ તબક્કો સંપન્ન કરીને સુધારેલી મતદાર યાદીઓની ડ્રાફટ યાદી (પ્રાથમિક મતદાર યાદી) ઓનલાઈન વેબસાઈટ પર મૂકી દીધી હોવાનું જાહેર કર્યું હતું અને મતદારો તેનું નિરીક્ષણ કરીને જો પોતાનું નામ મતદાર યાદીમાં ન હોય, તો નિયત કરેલા ફોર્મમાં આધાર-પુરાવા સાથે ઈઆરઓ સમક્ષ દાવો રજૂ કરવાનો રહેશે, તેમ જણાવાયુ હતું, અને આ પ્રક્રિયા માટે એક મહિનાનો સમય મળશે, તેવું જણાવી ચૂંટણીપંચના વેબ એડ્રેસ તથા સંબંધિત એપ્સ વગેરેની માહિતી પણ જાહેર કરાઈ હતી. એ પછી માત્ર મતદારો જ નહીં, પરંતુ રાજકીય પક્ષોની ટીમો પણ ડ્રાફટ યાદી ખંગોળવા લાગી છે, અને જે નામો હટાવાયા છે, તે પૈકી જેના આધાર-પુરાવા સાથેના ફોર્મ્સ મળશે, તથા અન્ય રજૂઆતો વગેરે થશે, તો તેના પર નિયમાનુસાર કાર્યવાહી કર્યા પછી સુધારા, વધારા, ઘટાડા કે ઉમેરા કરીને તે પછી જ ફાયનલ મતદાર યાદી જાહેર કરાશે, તેથી આ પ્રક્રિયામાં ખોટી ઉતાવળ કરવાની જરૂર નથી, પરંતુ જેઓના નામ આ પ્રાથમિક મતદાર યાદીમાં સમાવાયા જ ન હોય, તેઓએ પોતાના બીએલઓ તરફથી નોટિસ મળ્યેથી અથવા સામેથી સંપર્ક કરીને જરૂરી ફોર્મ્સ ભરાવી દેવા અને જરૂરી આધારો રજૂ કરવાની પ્રક્રિયા પણ લોકતાંત્રિક સંસ્થાઓ અને રાજનૈતિક પક્ષો-સંગઠનો-મતદારોને મદદરૂપ થશે, તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો કે, જેના નામ કે ડેટા મેચ થયા નહીં હોય કે અન્ય ટેકનિકલ કારણોસર હટાવાયા હશે, તો તેની નોટિસ પણ ચૂંટણીપંચ દ્વારા સંબંધિત મતદારોને અપાશે, તેથી તે અંગે બીએલઓને પણ હજુ મોટી કવાયત કરવી પડે તેમ છે, અને સંપર્ક નંબરો કે કોઈ પણ માધ્યમથી કોન્ટેક્ટ કરીને એક પણ યોગ્ય મતદાર મતદાર યાદીમાં ચડાવવાથી વંચિત રહી ન જાય, તેની તકેદારી પણ બીએલઓથી લઈને ઈઆરઓ સુધી તથા ચૂંટણીપંચની હાઈ-ઓથોરિટીઝે આપવી જ પડશે, સામૂહિક કવાયતનો કોઈ જ અર્થ નહીં રહે અને આક્ષેપો-આશંકાઓનો દોર શરૂ થઈ જશે.
ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા પછી પ્રવર્તમાન-મતદાર યાદીમાંથી કમી કરાવેલા (મતદાર યાદીમાંથી હટાવાયેલા) ૭૩.૭૩ લાખ નામો પૈકી મૃત્યુ પામેલા અને કાયમી સ્થળાંતર કરી ચૂકેલા મતદારો સિવાયના જે નામો હટાવાયા હોય, તેમાં ડેટા મેચ થતો ન હોય કે સર્વેક્ષણ સમયે મળી આવ્યા ન હોય, તેમજ જેઓના નામો વર્ષ-૨૦૦૨-૦૩ની મતદાર યાદીમાં ન હોય, અથવા ચોક્કસ વયજૂથના મતદારોના માતા-પિતાના નામો વર્ષ ૨૦૦૨-૦૩ની મતદાર યાદીમાં મળી આવ્યા નહીં હોય, કે મેચ થતા નહીં હોય, તેવા મતદારોને બીએલઓઝ તરફથી કે તંત્ર તરફથી નોટિસ પાઠવીને જાણ કરાશે, તેવું જાહેર કરાયું હતું, અને તે પછી આ પ્રકારના મતદારો ઉપરાંત મતદાનનો અધિકાર મળવાપાત્ર વયજૂથના નવા મતદારોના નામો ચડાવવાના રહી ગયા હોય, તે તમામના જરૂરી ફોર્મ ભરાવીને તથા જરૂરી આધાર-પુરાવા મેળવીને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થાય, ત્યાં સુધીનું ખૂબ જ જવાબદારીવાળુ ભગીરથ કામ ચૂંટણીપંચે પણ સંપન્ન કરવાનું છે, અને તેમાં ચૂંટણીતંત્રે સૌ કોઈના સહયોગની અપેક્ષા પણ વ્યક્ત કરી છે.
જામનગર જિલ્લામાં પણ પહેલાની મતદાર યાદીમાં ૧.૭૭ લાખ જેટલા મતદારોના નામો ડ્રાફટ યાદીમાં નહીં હોય, અને તેમાં જેઓના નામો રહી ગયા છે, અને મતદાર તરીકે હક્કદાર છે, તેઓ તા. ૧૮ જાન્યુઆરી સુધીમાં વાંધા અરજી કે હક્કદાવા ઓનલાઈન અથવા ઓફલાઈન રજૂ કરી શકશે, તેમ જાહેર થયું છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૨ની મતદાર યાદીમાં નામ ન મળ્યા હોય કે નામોમાં ફરક વગેરે ટેકનિકલ કારણોસર જે મતદારોના નામ આ પ્રાથમિક યાદીમાં નહીં હોય, તેઓને નોટિસો બજાવશે.
આ પ્રકારના ૧,૨૯,૧૨૮ જિલ્લાના મતદારોને નોટિસો પાઠવ્યા પછી પણ તેઓનો સંપર્ક કરીને તથા એસઆઈઆર પ્રક્રિયાના પ્રથમ તબક્કાની જેમ જ સમયાંતરે વિસ્તારવાર, બૂથવાર અને બીએલઓના વિભાગવાર કેમ્પો યોજીને આધાર-પુરાવા સાથે નિયત ફોર્મ્સ ભરાવવાની વ્યવસ્થા પણ ચૂંટણીતંત્રે કરવી પડશે. આ માટે વ્યાપક જન સહયોગની પણ જરૂર પડશે. કોઈપણ યોગ્ય મતદારનું નામ હટી ન જાય, તેવા "ક્લિન" આખરી મતદાર યાદી જાહેર થાય અને કોઈ ગરબડ નહીં થાય તેવી અપેક્ષા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial