Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જ્યારે બે હ્ય્દય એક થાય છે, ત્યારે તેમના ધર્મ, ભાષા કે સંસ્કાર વચ્ચેની દિવાલો નાની પડી જાય છે પરંતુ સમાજ અને કાયદાની દૃષ્ટિએ એ સંબંધને માન્ય બનાવવા માટે કેટલીક સ્પષ્ટ રીતો નક્કી કરવામાં આવી છે.
આપણે વારંવાર સમાચાર કે ફિલ્મોમાં જોઈએ છીએ કે હિંદુ યુવતી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરે છે, અથવા ખ્રિસ્તી યુવક હિંદુ યુવતી સાથે લગ્ન કરે છે. એ સંબંધ લાગણીથી બને છે, પણ કાયદો કહે છે કે લગ્ન લાગણીથી નહીં, વિધિથી માન્ય બને છે.
ભારતમાં દરેક ધર્મના પોતાના વ્યક્તિગત કાયદા છે. જેમ કે હિંદુ લગ્ન અધિનિયમ, મુસ્લિમ કાયદો, ખ્રિસ્તી મેરેજ એક્ટ વગેરે. પરંતુ જો લગ્ન કરતી બે વ્યક્તિઓના ધર્મ અલગ હોય, તો એ વ્યક્તિગત કાયદા લાગુ પડતા નથી. એ સમયે કાયદો એક ધર્મનિરપેક્ષ માર્ગ આપે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ, ૧૯૫૪.
સ્પેશિયલ મેરેજ એક્ટ શું છે?
સ્પેશિયલ મેરેજ એક્ટ એ એવો કાયદો છે જે ધર્મ કે જાતિની મર્યાદા વિના લગ્નને કાનૂની માન્યતા આપે છે. તેના અંતર્ગત કોઈપણ બે વ્યક્તિઓ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ કે નિર્ધર્મ પોતાના ધર્મ બદલ્યા વિના કાયદેસર રીતે લગ્ન કરી શકે છે. આ કાયદો ધર્માંતરણ વગરના લગ્નને માન્ય બનાવે છે, એટલે કે કોઈને પોતાનો ધર્મ બદલવાની ફરજ નથી.
આ કાયદો કહે છે કે લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેની નાગરિક વિધિ છે, ધાર્મિક વિધિ નહીં. એટલે તેની માન્યતા પંડિત, કાજી અથવા પાદરીના આશીર્વાદથી નહીં, પરંતુ સરકારી અધિકારીની નોંધણીથી થાય છે.
લગ્ન પહેલાંની પ્રક્રિયા
સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા ઈચ્છુક દંપતીએ પોતાના જિલ્લામાંના મેરેજ ઓફિસર સમક્ષ અરજી આપવી પડે છે.
કાયદા મુજબ અરજી આપ્યા પછી ૩૦ દિવસની જાહેર નોટિસ આપવામાં આવે છે, જે મેરેજ ઓફિસના નોટિસ બોર્ડ પર લગાવવામાં આવે છે.
આ સમયગાળા દરમિયાન કોઈને જો આ લગ્ન સામે કાયદેસર વાંધો હોય ઉદાહરણ તરીકે, કોઈ પહેલાનું લગ્ન ચાલુ હોય, ઉંમર ઓછું હોય, અથવા ધોખાધડીનો શંકા હોય તો એ વાંધો ઉઠાવી શકે છે.
૩૦ દિવસ બાદ, જો કોઈ વાંધો ન આવે, તો બંને પક્ષો, ત્રણ સાક્ષીઓ સાથે, મેરેજ ઓફિસર સમક્ષ હસ્તાક્ષર કરે છે અને લગ્ન નોંધાઈ જાય છે.
આ વિધિ ખૂબ જ સરળ છે, પરંતુ કાયદાકીય દૃષ્ટિએ ખૂબ મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ નોંધણી કર્યા વગર ધર્મભિન્ન લગ્ન કાયદેસર ગણાતા નથી.
ધર્માંતર કર્યા વગર લગ્ન
ઘણીવાર લોકો માનતા હોય છે કે બે અલગ ધર્મના લોકો લગ્ન કરવા માટે એકને ધર્મ બદલવો પડે છે. પરંતુ સ્પેશિયલ મેરેજ એક્ટ આ માન્યતાને ખોટી સાબિત કરે છે.
આ કાયદો સ્પષ્ટ રીતે કહે છે કે ધર્માંતર કર્યા વિના લગ્ન શક્ય છે. લગ્ન પછી બંને પોતાના ધર્મમાં રહી શકે છે, પોતાના પૂજાપાઠ કે પરંપરાઓ અનુસરવા માટે સ્વતંત્ર છે.
હા, એ લગ્ન વ્યક્તિગત કાયદા (હિંદુ, મુસ્લિમ વગેરે) હેઠળ નહીં, પણ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ આવશે એટલે છૂટાછેડા, વારસો, સંતાનોનો હક વગેરે બધું આ ધર્મનિરપેક્ષ કાયદા મુજબ નક્કી થશે.
સંતાનનો ધર્મ અને વારસો
આ લગ્નથી જન્મેલા સંતાનોના હકો અને ઓળખને લઈને ઘણીવાર પ્રશ્નો થાય છે. સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ આવા સંતાનો કાયદેસર ગણાય છે. એટલે કે એ સંતાનને પિતા અને માતા બંનેની સંપત્તિમાં વારસાનો હક મળે છે.
સંતાન ધર્મપક્ષીય રીતે કોઈ એક ધર્મ અપનાવી શકે છે, પરંતુ કાયદેસર રીતે એના હકો પર ધર્મનો કોઈ પ્રભાવ નથી.
જો પતિપત્ની પૈકી કોઈનું મૃત્યુ થાય, તો જીવંત જીવનસાથી એના ધર્મના વારસાકાયદા મુજબ નહીં પરંતુ ઈન્ડિયન સકસેશન એક્ટ, ૧૯૨૫ હેઠળ વારસદાર ગણાય છે. આ કાયદો બધા માટે એકસરખો છે એટલે કે ધર્મથી સ્વતંત્ર.
જો લગ્ન તૂટે તો?
સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન થયા હોય, તો છૂટાછેડા પણ એ જ કાયદા હેઠળ જ લેવા પડે.
કાયદામાં છૂટાછેડાના આધાર હિંદુ લગ્ન અધિનિયમ જેવા જ છે જેમ કે ક્રૂરતા, વ્યભિચાર, ત્યાગ, અથવા એકબીજા સાથે રહેવાની અસમર્થતા.
અદાલત બંને પક્ષોને સાંભળીને લગ્ન ભંગ કરવાની મંજૂરી આપી શકે છે.
નોંધણી કેમ જરૂરી?
આજના સમયમાં ઘણીવાર લોકો લવ મેરેજ કરીને પછી કાયદેસર નોંધણી કરાવવાનું ભૂલી જાય છે.
પણ કાયદો કહે છે કે નોંધણી વિના કોઈ પણ લગ્ન પુરાવારૂપે માન્ય ગણાતાં નથી.
સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધણી માત્ર વિધિ નથી, એ કાયદેસર સુરક્ષા છે ખાસ કરીને સ્ત્રી માટે.
જો લગ્નમાં વિવાદ થાય, છૂટાછેડા અથવા વારસો સંબંધિત પ્રશ્ન ઊભો થાય, તો એ નોંધણી પુરાવા તરીકે સ્ત્રીના અધિકારોને રક્ષણ આપે છે.
સામાજિક દબાણ અને કાનૂની ઢાલ
આ પ્રકારના આંતરધર્મ લગ્નો ઘણી વાર સામાજિક વિરોધ, કુટુંબીય તણાવ અને ક્યારેક હિંસક પરિસ્થિતિઓ લાવે છે.
પરંતુ કાયદો એ દંપતિને સુરક્ષા આપે છે.
લગ્નની નોટિસ જાહેર થતાં જ જો દંપતિને ધમકીઓ મળે, તો તેઓ કોર્ટમાં જઈને સુરક્ષા માટે આદેશ લઈ શકે છે.
કાયદો પ્રેમને ગુનો ગણતો નથી, પરંતુ એનું રક્ષણ કરે છે.
એક જાણીતા કેસમાં અદાલતે કહૃાું હતું કે બે પુખ્ત વ્યક્તિઓ પોતાના જીવનસાથી પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા ધરાવે છે એ પસંદગી ધર્મ, જાતિ કે સમાજની મંજૂરી પર આધારિત નથી.
આ ચૂકાદાએ સ્પષ્ટ કર્યું કે વ્યક્તિગત સ્વતંત્રતા અને લગ્નનો અધિકાર ભારતના બંધારણીય હક્ક છે.
ધર્મ અને કાયદોસંતુલનનો પ્રશ્ન
ભારત એક ધાર્મિક વૈવિધ્ય ધરાવતો દેશ છે. અહીં ધર્મ, સંસ્કાર અને કાયદો ત્રણેય સાથે ચાલે છે.
સ્પેશિયલ મેરેજ એક્ટ એ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતો નથી એ ફક્ત એવી વ્યવસ્થા આપે છે કે જ્યાં બે અલગ ધર્મના લોકો ધર્માંતર કર્યા વિના પણ કાયદેસર રીતે લગ્ન કરી શકે.
એ કાયદો કહે છે કે લગ્ન વ્યક્તિની ઇચ્છા છે, સમાજની મંજૂરી નહિ.
પ્રેમની ભાષા એક છે, પરંતુ કાયદાની ભાષા અલગ છે.
જો બે લોકો એકબીજાને પસંદ કરે, જીવન સાથે જીવવાનો નિર્ણય લે, તો કાયદો એમને એ હક આપે છે. શરતે કે તેઓ એ નિર્ણય કાયદાની રેખાઓની અંદર લે.
સ્પેશિયલ મેરેજ એક્ટ એ એ જ રેખા છે જ્યાં ધર્મની અલગતા છતાં પ્રેમને કાયદાનો આશ્રય મળે છે.
લગ્ન એ માત્ર બે લોકોનો સંબંધ નથી, એ બે ધર્મ, બે કુટુંબ અને બે સંસ્કૃતિઓનું મિલન છે.
કાયદો એ મિલનને નિયમમાં બાંધે છે, જેથી સંબંધ પ્રેમથી પણ ટકે અને કાયદાથી પણ ટકે.
ધ્વનિ લાખાણી, એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial