Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણ મહિનામાં પરિવાર સાથે પાનાની રમત રમનારાઓ પર પોલીસ તંત્રની 'બહાદુરી'ભરી તવાઈ

એક તરફ બારેમાસ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે... અને

શ્રાવણ મહિનો એટલે તહેવારોની સીઝન... મેળા, મંદીરોમાં ભક્તિ-પૂજા-દર્શન, નાની મોટી ખરીદી, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારોની હારમાળામાં નાના-મોટા, ગરીબ, મધ્યમવર્ગ કે તવંગરો... સૌ કોઈ આ આખો મહિનો આનંદ માણવા ઉત્સુક હોય છે અને ગમે તેવી મોંઘવારી હોય, આર્થિક મંદિ હોય કે અન્ય કોઈપણ વિપરીત સંજોગો હોય, આપણાં ઉત્સવપ્રેમી લોકો પરિવાર સાથે મનભરીને શ્રાવણ મહિનો ઉજવે છે... જે આપણી પરંપરાને સતત ગૌરવભેર ઉજાગર પણ કરે છે.

દર વર્ષે અષાઢ મહિનો અડધો પૂરો થાય કે આપણું પોલીસ તંત્ર સફાળુ ઉંઘમાંથી જાગે તેમ ઠેક-ઠેકાણે બે-ચાર જણાં પાનાની રમત રમતા હોય ત્યાં આતંકવાદી અડ્ડા ઉપર ત્રાટકે તેમ દરોડા પાડે અને જુગાર પકડાયાની મોટા પાયે પ્રસિધ્ધિ કરાવે અને અખબારોમાં તો વળી શ્રાવણીયા જુગારનો આરંભ જેવા મથાળા પણ અપાય... ત્યાર પછી શ્રાવણ મહિનામાં તો પોલીસતંત્રના એ-બી-સી-ડી સહિતના લગભગ તમામવિભાગો સંધાય કામ પડતા મુકીને બસ જુગાર અંગે દરોડા પાડવાની કાર્યવાહીને ટોચની પ્રાથમિકતા આપી ઠેર-ઠેર તૂટી પડે છે.

શ્રાવણ મહિનામાં શનિ-રવિ સહિત ઘણી રજાઓ આવે અને પરિવારજનો, આડોશ-પાડોશના લોકો એકઠા થઈને મોજ-મસ્તી માણતા હોય છે, નાસ્તા-પાણી, નાના-મોટા જમણવાર, પાર્ટીઓ પણ સૌલ્જરીથી કરાતા હોય છે. તેમાં બહારગામથી જામનગરના મેળા અને રજાનો આનંદ માણવા સગા-સંબંધીઓ, બહેન-દિકરીઓ આવતા હોય સાથે મળીને સાવ મામુલી રકમ કહેવાય તેવી હારજીતની પાનાની રમત રમીને આનંદ માણતા હોય છે. આ રમત જુગાર તો નથી જ... માત્રને માત્ર આનંદ માણવા માટેનું એક પારિવારીક ગેધરીંગ જ છે અહીં હારજીતનો કે કોઈ પરિવાર બરબાદ થઈ જાવાનો મુદ્દો જ નથી. અહીં બારમાસી જુગારનો અડ્ડો ચાલતો નથી, અહીં ઘરધણી 'નાલ'ના પૈસા ઉઘરાવી બહારથી કાયમી જુગારીઓને બોલાવીને જુગાર રમાડાતો નથી.. માત્ર શ્રાવણ મહિનામાં શનિ-રવિ કે તહેવારોની રજામાં સાથે બેસીને આનંદ જ માણતા હોય છે...

પણ... આપણા પોલીસ તંત્રને જામનગર શહેરમાં બારેમાસ, ચોવીસ કલાક ચાલતા ઘોડીપાસા, વરલી મટકાનાં જુગારના અડ્ડા ક્યારેય દેખાયા નથી, વિશ્વમાં ગમે ત્યાં નાના-મોટા કોઈપણ દેશો વચ્ચે ક્રિકેટ મેચો રમાતા હોય તો ક્રિકેટના ડબ્બામાં બારેમાસ મોટા પાયે જુગાર રમાય છે, શેર-સટ્ટા, મેટલ ઈન્ડેક્સ, ઓનલાઈન જુગારનું પણ એટલું જ વ્યાપક પ્રમાણ ચારે તરફ ફેલાયેલું રહે છે. અને સરાજાહેર ચાલતી આવી પ્રવૃત્તિઓના કારણે સામાન્ય જનમાનસમાં કાયમમાટે પોલીસ તંત્રની હપ્તાખોરીથી જ આવા ગોરખ ધંધા ચાલી રહ્યા હોવાની ખરાબ છબી ઉપસેલી રહે છે. શા માટે આવા બારેમાસ ચાલતા અને જુગારની બદીમાં અનેક પરિવારોને બરબાદીમાં ધકેલી દેનારા જુગારના અડ્ડાઓ બંધ થતાં નથી...!

માત્ર શ્રાવણ મહિનો આવે ત્યારે પોલીસના કેટલાક લાલચુ બાતમીદારો જ ક્યા એપાર્ટમેન્ટમાં, ક્યા લતામાં, કોના ઘરમાં જુગાર રમાઈ રહ્યો છે તેની જાણ કરતા હોય છે અને પોલીસ મહિલાઓ-પરિવાર સાથે આનંદ માણતા લોકોને જુગાર રમતા પકડયા હોવાનો રોફ જમાવે છે, અને મોટા ભાગે આવા લોકો સામાન્ય નોકરીયાતો, સરકારી કે બેંકોમાં નોકરી કરનારા, નાના વેપારીઓ કે મિત્રો જ હોય છે, જે સામાન્ય સન્માનભેર જીવન જીવતા હોય છે, તેથી પોલીસના દરોડાથી હેબતાઈ જાય છે, પોલીસ દરેકના ખીસ્સા ખાલી કરાવે, મોબાઈલ ફોન જપ્ત કરે, વાહનો જપ્ત કરે, અને અટકાયત કરી પોલીસ મથકે લઈ જઈ કલાકો સુધી લખ્ખાણપટ્ટી કરે... પટ્ટમાંથી મળેલી રકમ અને જાહેર કરેલી રકમ ના આંકડો પણ કાયમી શંકાસ્પદ જ હોય છે.. (બાતમી દારને પણ અમુક ટકા આપવા પડે ને ભાઈ...)

આમ પોલીસ તંત્રની ખાસ કરીને શ્રાવણ મહિનામાં જ જુગારના કેસો અંગેની કાર્યવાહી સામે સમગ્ર સમાજ/શહેરમાં રોષની લાગણી ફેલાયેલી રહે છે.

દર વર્ષે અખબારોમાં પોલીસ વડાને જનતાના અવાજ તરીકે પારિવારીક આનંદ સાથે રમવા બેસતા લોકો સામે કાર્યવાહી કરવામાં પોલીસનો સ્ટાફ પ્રમાણભાન જાળવે તેવી કડક સુચના આપવા અનુરો કરાય જ છે, પણ.... રાજ્ય સરકાર કે ઉચ્ચ પોલીસ અધિકારી સામાન્ય અને નિર્દાેષ આનંદ માણતા મોટા જનસમુહની વ્યથા સમજતા નથી તે મોટી કમનસીબી છે...

જોઈએ... આ વખતે તો જે રીતે ગુજરાતી અખબારોમાં પોલીસતંત્ર આ પ્રકારના પરિવાર સાથે પાના રમવાનો આનંદ માણતા લોકોને પરેશાન નહીં કરવાની સુચના આપવામાં આવી હોવાના અહેવાલો પ્રસિધ્ધ થઈ રહ્યા છે અને કાયદાકિય રીતે કદાચ તેના લેખિતમાં પરિપત્ર કે આદેશ બહાર ન પડે તે સ્વાભાવિક છે, પણ સરકાર તરફથી ગર્ભિત સુચના મળી છે તેવું જાણવા મળે છે... આશા રાખીએ કે પોલીસ વિભાગ સામાન્ય, મધ્યમવર્ગ, નાનો વેપારી વર્ગ ૫રિવાર સાથે બેસીને જે રીતે શ્રાવણ મહિનાના તહેવારોનો આનંદ માણે છે તેમાં વિધ્ન નાખવામાં નિમિત ન બને અને લોકોને મુક્ત મને તહેવારોનો તેમની રીતે આનંદ માણવા દયે...!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh