Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ હર્ષદ માતા પરિસર ફેઈઝ-૧ નું ખાતમુહૂર્તઃ અદ્યતન સુવિધાઓ ઊભી કરાશે

રાજયના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે

ખંભાળીયા તા. રપઃ કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) માં "હર્ષદ માતા મંદિર પરિસર" ના ફેઝ-૧ નું ખાતમુહૂર્ત કરતા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પ્રથમ ફેઈઝમાં રૂ. ૮ કરોડથી વધુ રકમના ખર્ચે પ્રવાસીઓ માટે અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ જેવી કે પાર્કિંગ, ટોયલેટ બ્લોક, ચિલ્ડ્રન પ્લે એરિયા અને ગઝેબો તથા બીચ શેકનું નિર્માણ કરાશે. ગુજરાત રાજ્ય પ્રવાસીઓ માટે ફેવરીટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે ખ્યાતી મેળવી રહ્યું છે.

રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મૂળુભાઇ બેરાના હસ્તે કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) માં અંદાજિત રૂ.૦૮ કરોડથી વધુ રકમ ખર્ચે *હર્ષદ માતા મંદિર પરિસર*ના વિકાસ કામગીરીના ફેઝ- ૧નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રાજા વિક્રમાદિત્યના કુળદેવી શ્રી હરસિદ્ધિ માતાના મંદિરે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારતા હોય છે. ભારત સરકારના પ્રવાસન વિભાગની સ્વદેશ દર્શન સ્કીમ અંતર્ગત મંદિર પરિસરનો બે ફેઝમાં વિકાસ કરવામાં આવશે. આ માટે રૂાપિયા ૨૫ કરોડની ફાળવણી થઈ છે. ત્યારે "હર્ષદ માતા મંદિર પરિસર" ફેઝ-૧નું રૂા .૦૮ કરોડથી વધુ રકમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જે પ્રારંભિક તબક્કો છે જેને હજુ પણ વધારે વિકાસ કરવાનું અને યાત્રાળુઓને ઉત્તમ સુવિધાઓ મળે તે માટેનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને સંસ્કૃતિના સંરક્ષણ થકી પ્રગતિના અભિગમને તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દૃઢ સંકલ્પ સાથે પૂર્ણ કરી રહ્યા છે. આજથી બે દાયકા પૂર્વે વડાપ્રધાનએ સેવેલા વિકાસના સ્વપ્નોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર મક્કમતા સાથે આગળ ધપાવી રહી છે.

વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી વિઝનના પરિણામે ગુજરાત રાજ્યએ સર્વ સમાવેશી વિકાસનું પર્યાય બન્યું છે. આજે ગુજરાતમાં પ્રવાસન સ્થળે માળખાકીય સુવિધાઓ સુદૃઢ બનતા દેશ વિદેશથી પ્રવાસીઓ પધારી રહ્યા છે. છેલ્લા થોડા વર્ષોમાં ધાર્મિક પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ધસારો ઉતરોત્તર વધી રહ્યો છે. પ્રવાસન ક્ષેત્રની વાત આવે એમ આપણો દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ ક્યાંય પાછળ પડે તેમ નથી. ભગવાન દ્વારકાધીશની આ ભૂમિમાં આવેલ દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર મંદિર, બેટ દ્વારકા મંદિર, હરસિદ્ધિ માતા મંદિર, હરસિદ્ધિ વન, બરડો ડુંગર સહિત અનેક પ્રવાસન સ્થળો પ્રવાસીઓના માનીતા ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે ઉભરી આવ્યા છે.

વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. વધુમાં વધુ પ્રવાસીઓ આપણા રાજ્યમાં પધારે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. એમાં પણ દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ થી દ્વારકા સુધીમાં વચ્ચે આવતા પ્રવાસન સ્થળોને ટુરિસ્ટ સર્કીટ તરીકે વિકસાવી સ્થાનિક ક્ષેત્રે રોજગારીની વિપુલ તકોનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પાસે વિશાળ દરિયાકાંઠો હોવાથી એડવેન્ચર ટુરિઝમની પણ વિપુલ સંભાવનાઓ રહેલી છે. ઉપરાંત, પવન અને સૌર ઉર્જા જેવા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ દ્વારકા જિલ્લામાં અનેક તકો રહેલી છે જે દિશામાં સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પ્રવાસીઓ માટે માળખાકીય સુવિધાઓમાં વધારો કરવામાં આવતા સ્થાનિકોને પણ રોજગારી મળી છે. હવે તે દિવસો દૂર નથી જ્યાં હાલમાં આવે છે તેના કરતા પણ વધારે સંખ્યામાં પ્રવાસીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવશે.

આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ કહ્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોના પરિણામે પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી છે. સરકાર દ્વારા આપણી સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવા માટે સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવાસન સ્થળો વિકાસ કરી સર્વગ્રાહી વિકાસની નેમ ને ખરા અર્થમાં સાર્થક કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસન સ્થળોનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. ત્યારે આપણી એક જવાબદાર નાગરિક તરીકે ફરજ છે કે પર્યાવરણીય તેમજ સ્વચ્છતાની દૃષ્ટિએ તેની જાળવણી કરવી જોઈએ.

કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ લિ.ના પ્રોજકેટ મેનેજર અજિત જોશી દ્વારા કરાયું હતું. આ તકે કાર્યક્રમમાં મામલતદાર આર.એચ. સુવા, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર, અગ્રણી પી.એસ.જાડેજા, રણમલભાઇ માડમ, દેવાતભાઈ ગોજીયા, સગાભાઈ રાવલીયા, હર્ષદ માતા મંદિરના પૂજારીઓ, સ્થાનિક આગેવાનો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

"હર્ષદ માતા મંદિર પરિસર" ફેઝ-૧ ની સુવિધાઓ

સમગ્ર મંદિર પરિસરના વિકાસ માટે       ફેઝ-૧ અંતર્ગત વિવિધ પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. જેમાં ટેકસી, કાર અને ટુ-વ્હીલર પાર્કિંગ, ટોયલેટ બ્લોક, રાહદારીઓની શેરી, નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા અને વડીલોને બેસવા માટે ગઝેબો, બીચ શેક સહિત અન્ય સુવિધાઓ વિકસાવાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh