Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના મેન્ડેટની વિરૂદ્ધ જઈને જયેશ રાદડિયાએ વટથી ઈફ્કોની ચૂંટણી જીત્યા પછી બદલાયા સમિકરણો?
અમદાવાદ/રાજકોટ તા. ૧૪: ઈફ્કોની ચૂંટણીમાં ડાયરેક્ટર પદે ભાજપના મેન્ડેટથી વિરૂદ્ધ જઈને ચૂંટણી જીત્યા પછી પાર્ટીમાં આંતરિક અને પ્રાદેશિક સમિકરણો બદલાઈ રહ્યા હોવાની જબરી ચર્ચા છે.
ઈફ્કોની ચૂંટણીના પગલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે ભાજપના જ કેટલાક પાટીદાર નેતાઓની ધરી રચાઈ રહ્યાના નિર્દેશો અમરેલીથી સાંપડ્યા છે અને સહકારી ક્ષેત્રે મેન્ડેટ આપતી અને ઉમેદવારની પસંદગી કરતી પક્ષની નેતાગીરી સામે અવાજ ઊઠાવનાર રાદડિયા, સંઘાણીને સોમવારે જન્મદિવસની સભાના નામ પર મૂક સમર્થન અપાયાની ચર્ચા જાગી છે.
ભાજપના મેન્ડેટની વિરૂદ્ધ જયેશ રાદડિયાએ વટથી ઈફ્કોના ડાયરેક્ટરની ચૂંટણી જીતી બતાવી અને દિલીપ સંઘાણીએ એ જ સમયે પ્રદેશ ભાજપ પ્રમુખના ઈલુ ઈલુનો ખુલ્લો જવાબ આપી દીધા પછી આ બન્ને નેતા સામે શિસ્તભંગની કોઈ મજબૂત માંગ પક્ષમાંથી થઈ નથી બલ્કે બન્નેને પક્ષના નેતાઓનું પરોક્ષ સમર્થન મળી રહ્યું છે.
કાર્યક્રમમાં થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં આવેલા અને પાટિલે જેના માટે જગ્યા રાખી હતી તે અંબરીશ ડેર, અગાઉ ધારાસભા ચૂંટણી પૂર્વે પક્ષપલ્ટો કરનાર જે.વી. કાકડિયા, અમરેલી બેઠકના હાલના ઉમેદવાર સહિત નેતાઓની ગેરહાજરી પણ સૂચક ગણાતી હતી.
એક સમયે સૌરાષ્ટ્રના રાજકારણનું એપીસેન્ટર વિજય રૂપાણીના સમયમાં રાજકોટ રહ્યું છે અને હવે આ સેન્ટર અમરેલી બની રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં જો રાજકોટમાંથી ભાજપ જીતે તો રાજકોટના સત્તાના કેન્દ્રમાં ફેરફાર થવાના એંધાણ પણ મળી રહ્યા છે.
તદુપરાંત કેન્દ્રિય મંત્રી અને રાજકોટથી ચૂંટણી લડનાર પરસોત્તમ રૂપાલા અને ડો. કાનાબાર તેમજ અન્ય પાટીદાર નેતાઓની હાજરીને સૂચક માનવામાં આવે છે.
ઉલ્લેખનિય છે કે, ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને હાલ રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ જયેશ રાદડિયાએ કશું ખોટું નથી કર્યું તેમ જણાવી સમર્થન આપ્યું હતું, તો ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાએ પણ રાદડિયાને હરાવવાનો પ્રયાસ કરનાર ટ્રસ્ટીને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. ઉપરાંત રાજકોટ ડેરીના ચેરમેન તો રાદડિયાનો પડછાયો બનીને સાથે રહ્યા હતાં.
આમ ભાજપની સામે ભાજપમાં રહીંને અવાજ ઊઠાવનારને સૌરાષ્ટ્રમાંથી સમર્થન મળી રહ્યું છે, જે જોતા લોકસભાની ચૂંટણી પછી સી.આર. પાટીલના સ્થાને અન્ય કોઈ નેતાને મૂકવામાં આવે, તો નવાઈ જેવું નહીં હોય તેમ મનાય છે.
બીજી તરફ આજે સવારથી સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા અહેવાલો મુજબ કેટલાક નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવાની માંગ પણ ઊઠી રહી છે.
કડક પગલાં લેવાય તેવા એંધાણઃ
પાર્ટી વિરૂદ્ધ પ્રવૃત્તિઓ કરનારા નેતાઓની શોધખોળ?
સોશ્યલ મીડિયા, મીડિયા અને અંતરંગ વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ તાજેતરમાં ગુજરાતમાં સર્જાયેલા ઘટનાક્રમો, આંદોલનો, ભાજપ સામે મોરચો, સહકારી ક્ષેત્રની આંતરિક ખેંચતાણ વગેરેને લઈને ભાજપમાં રહીને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓની શોધખોળ પાર્ટી હાઈકમાન્ડના નિર્દેશો મુજબ થઈ રહી છે, અને આ પ્રકારના નેતાઓમાં પૂર્વ મંત્રી, ઉચ્ચ હોદ્દેદારો સહિત કેટલાક જાણીતાનામોની ચર્ચા થઈ રહી છે. આ યાદી બન્યા પછી જરૂરી પરામર્શ અને ચર્ચા પછી લોકસભાની ચૂંટણી સંપન્ન થયા પછી કડક પગલાં શિસ્તભંગના કારણે લેવાય, તેવા સંકેતો બતાવાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial