Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી ઝાપટું: માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચનાઃ ૧૬ મે સુધી વરસાદની આગાહી
અમદાવાદ/જામનગર તા. ૧૪: ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યા પછી મોડી રાત સુધીમાં ઠેર-ઠેર આંધી, ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતા સંખ્યાબંધ વૃક્ષો-વીજપોલ ધશાસાયી થયા છે. આ ઉપરાંત ખેતીપાકને નુક્સાન અને ત્રણ મૃત્યુ થયા હોવાનું પણ જાણવા મળે છે.
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ૪૦-૪ર ડીગ્રી ગરમીની વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતને કારણે સોરઠ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ઘણાં ભાગોમાં ૪૦-પ૦ કિ.મી. ઝડપે ફૂંકાયેલા પવન સાથે ગાજવીજ માવઠું તૂટી પડ્યું હતું.
અમરેલીમાં સવા ઈંચ વરસાદ ખાબકતા અનેક સ્થળે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતાં. જ્યારે આણંદ-વડોદરા, હિંમતનગરમાં ઘણી જગ્યાએ વીજળી પડતા ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. લોકોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. માવઠાને કારણે કેરી અને ઉનાળુ પાકને નુક્સાન થયું છે. સુરેન્દ્રનગર અને હિંમતનગરમાં વીજળી પડતા બે યુવકના મોત થયા હતાંં, જ્યારે એક મહિલાનું ઝૂંપડા નીચે દટાઈ જવાથી મોત થયું હતું.
હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. સાથે જ ૪૮ કલાકમાં રાજ્યમાં આકાશમાં વાદળ ઓછા થતાં તાપમાનનો પારો ઊંચકાશે. ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની શક્યતા છે. ઉપરાંત ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ભેજયુક્ત ગરમ પવનો ફૂંકાવાથી બફારાનો અનુભવ થશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ પણ આજરોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને ડાંગમાં તથા સૌરાષ્ટ્રમાં બોટાદ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આ પ્રકારની આગાહી સામે ઉનાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને કેરીના પાકને મોટું નુક્સાન થઈ શકે છે. ભારે પવન ફૂંકાવાને કારણે આંબા ઉપર તૈયાર થયેલી કેરી પણ ખરી પડે તેવી શક્યતા છે. જેથી ખેડૂતોને ભારે નુક્સાન થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારે તૈયાર થયેલી પાક ખુલ્લામાં પડી રહ્યો હોય તેને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે પણ સૂચના આપી છે.
હાલારના હવામાનમાં પલટા સાથે માવઠું
હવામાનમાં પલ્ટો આવ્યા પછી વીજળીના ચમકારા, પવનના સૂસવાટા વચ્ચે ગઈકાલે વરસાદી છાંટ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરઉનાળે અને કાળઝાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગઈકાલથી વાતાવરણ પલ્ટાયું છે.
હાલાર પંથકમાં પણ ગઈકાલે એકાએક વતાવરણ પલ્ટાયું હતું. ધૂળની ડમળીઓ ઊડી હતી અને ભારે પવન ફૂંકાયો હતો અને રાત્રે ૧ર વાગ્યા પછી જામનગરમાં ભારે પવનના વંટોળિયા સાથે હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું. તેવી જ રીતે જિલ્લાના કાલાવડમાં પણ હળવા ઝાપટાના વાવડ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ખંભાળિયા પંથકમાં વીજળીના ચમકારા વચ્ચે ઝરમર વરસ્યો હતો. આજે તા. ૧૪ ના સૌરાષ્ટ્રમાં માવઠાની હવામાન વિભાગની આગાહી રહી છે. બીજી તરફ આગાહીના પગલે ખેડૂતો પોતાની જણસો સલામત સ્થળે ફેરવી રહ્યા છે.
દ્વારકાથી અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે, દરિયામાં કરંટ હોય, ભારે પવન ફૂંકાતો હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial