Advertisement
Author: નોબત સમાચાર

સોમવારે લોકસભાની પાંચમા તબક્કાનું મતદાનઃ આજે સાંજથી પ્રચાર-પડઘમ થશે શાંત

રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, ઓમર અબ્દુલ્લા, પિયુષ ગોયલ, રાજનાથસિંહ સહિતના દિગ્ગજો મેદાનમાં

નવી દિલ્હી તા. ૧૮: સોમવારે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન થનાર હોઈ, આજે સાંજથી પ્રચાર-પડઘમ શાંત થઈ જશે. આ તબક્કામાં શાસક અને વિપક્ષના ઘણાં દિગ્ગજોનું ભાવિ નક્કી થશે.

લોકસભાની ચૂંટણીને લઈને હવે પાંચમા તબક્કાનું મતદાન છે. ર૦ મે ના ૪૯ બેઠકો પર મતદાન છે. છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન આ ૪૯ બેઠકો પર ભાજપની લહેર સ્પષ્ટપણે દેખાતી હતી. કોંગ્રેસ માત્ર એક બેઠક જીતવામાં સફળ રહી હતી અને ભાજપ તેના સાથી પક્ષો સાથે મળીને ૪૧ બેઠકો જીતવામાં સફળ રહી હતી.

ઉલ્લેખનિય છે કે, ર૦૧૯ ની ચૂંટણીમાં કોંગ્રેસ તેના ગઢ અમેઠીમાં હારી ગઈ હતી અને સોનિયા ગાંધીના કારણે માત્ર રાયબરેલી સીટ કબજે થઈ હતી. આ વખતે ફરી મતદાનના પાંચમા તબક્કામાં અમેઠી અને રાયબરેલી બેઠકો પર પણ મતદાન થવાનું છે. રાયબરેલીમાં કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે અમેઠીમાં દેશની સૌથી જુની પાર્ટી સ્મૃતિ ઈરાનીની સામે કેએલ શર્માને તક આપી છે.

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ ર૦ મે ને સોમવારે ૪૯ બેઠકો પર મતદાન થવાનું છે. તે દરમિયાન પ રાજ્યો અને ર કેન્દ્રશાસિત પ્રદેશોના ૬૯પ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં ૪૯ સીટો માટે પ્રચાર સાંજે સમાપ્ત થશે.

આ તબક્કો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાનીની પ્રતિષ્ઠા દાવ પર છે. ર૦ મે ના યોજાનારી લોકસભાની ચૂંટણીની સાથે લખનૌ પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી માટે પણ ચાર ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં મહારાષ્ટ્ર, બિહાર, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, લદ્દાખ, ઓડિશા, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતદાન થશે.

મુંબઈમાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ પર તેઓ અભિનેતામાંથી રાજકારણી બનેુલા ભૂષણ પાટીલ સામે ટક્કર આપી રહ્યા છે. ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ગોપાલ શેટ્ટીએ કોંગ્રેસના ઉમેદવાર અને અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને ૪.૬પ લાખ મતોથી હરાવ્યા હતાં. બારામુલ્લામાં ઓમર અબ્દુલ્લા અહીંથી નેશનલ કોન્ફરન્સ વતી ચૂંટણી લડી રહ્યા છે. સારણમાં લાલુપ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય આ બેઠક પરથી આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. તેમની સ્પૃધા વર્તમાન સાંસદ રાજીવ પ્રતાપ રૂડી સામે છે. જેમણે અહીં સતત બે ચૂંટણી જીતી છે.

લખનૌમાં રાજનાથસિંહ લખનૌથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ માટે પ્રમાણમાં સુરક્ષિત ગણાતી આ બેઠક પર રાજનાથસિંહનો મુકાબલો સમાજવાદી પાર્ટીના રવિદાસ મેહરોત્રા અને બસપાના સરવર મલિક સામે છે. કેસરગંજમાં તાજેતરમાં વિવાદોમાં ફસાયેલા સાંસદ બ્રિજ ભૂષણ સિંહના પુત્ર કરણ ભૂષણ સિંહને ભાજપે અહીંથી ઉમેદવાર બનાવ્યો છે. તેઓ સપાના ભગતરામ મિશ્રા અને બસપાના નરેન્દ્ર પાંડે સામે ચૂંટણી લડી રહ્યા છે, તો ફતેહપુરમાં કેન્દ્રિય મંત્રી

તો ફતેહપુરમાં કેન્દ્રિય મંત્રી અને વર્તમાન સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિ ફરી ભાજપ તરફથી મેદાનમાં છે. તે આ બેઠક પરથી બે વખત જીતી ચૂકી છે. અહીં તેમની સ્પર્ધા સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર ઉત્તમ પટેલ સામે છે.

મુંબઈ નોર્થ સેન્ટ્રલમાં ભાજપે પોતાના ઉમેદવાર તરીકે પ્રખ્યાત સરકારી વકીલ ઉજ્જવલ નિકમને મેદાનમાં ઉતાર્યા છે. અહીં તેમની સ્પર્ધા મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વર્ષા ગાયકવાડ સામે છે. છેલ્લી ચૂંટણીમાં આ સીટ પર ભાજપની પૂનમ મહાજને કોંગ્રેસની પ્રિયા દત્તાને ૧.૩૦ લાખ મતોથી હરાવ્યા હતાં. કલ્યાણમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના આ બેઠક પર શિવસેના સાથે સ્પર્ધા કરી રહી છે. આ સીટ પર શિંદેના પુત્ર અને વર્તમાન સાંસદ શ્રીકાંત શિંદે એમએનએસમાં રહી ચૂકેલા વૈશાલી દરેકર રાણે સામે ચૂંટણી લડી રહ્યા છે. ર૦૧૯ માં શિંદે ૩.૪૪ લાખ મતોથી જીત્યા હતાં.

અત્યાર સુધીમાં ચાર તબક્કમાં કુલ ૬૬.૯૫ ટકા મતદાન થયું છે. ચૂંટણી પંચએ ગુરુવારે જણાવ્યું હતું કે પ્રથમ ચાર તબક્કામાં લગભગ ૪૫.૧ કરોડ લોકોએ મતદાન કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh