Advertisement
Author: નોબત સમાચાર

સ્માર્ટ મીટર નાખવાની જો હુકમી સામે ઉઠતો ઉગ્ર વિરોધ વંટોળ...!

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ઘરે સ્માર્ટ મીટર નાંખવાની આટલી ઉતાવળ શા માટે ?

જામનગર તા. ૧૮: વિકાસના નામે વિજતંત્રને સ્માર્ટ મીટરો નાખવાનો આદેશ મળ્યો... અને કમનસીબી તો જુઓ કે જાણે મોટી ઉપલબ્ધિ હોય તેમ સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર નાખવાની શરૂઆત આપણા જામનગર થી કરવાની જાહેરાતો થઈ...

જો કે ત્યાર પછી તો માત્ર જામનગર જ નહીં, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં અને આમ જુઓ તો સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર 'ધરાર' નાખવાની સરકાર/વિજતંત્રની જોહુકમી સામે ઉગ્ર વિરોધ વંટોળ ઉભો થયો છે.

સ્માર્ટ મીટર થી થતાં ફાયદા અંગે, તેની સમજણ માટે વિજતંત્રના અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે, પણ તેમના માર્ગદર્શન કે સમજાવટથી લોકોને કોઈ સંતોષ નથી... કારણ કે સ્માર્ટ મીટરથી ગરીબ, મધ્યમવર્ગ અને અજાણ પ્રજાને ભારે પરેશાની થવાની છે તે નક્કી છે.

સૌથી મહત્વની અને અતિ ગંભીર બાબત એ છે કે જ્યારે સ્માર્ટ મીટર નાખવાની જાહેરાત સાથે સૂચના બહાર પાડવામાં આવી હતી ત્યારે મોટા ઉપાડે સૌ પ્રથમ ઔદ્યોગિક એકમો, કોમર્શિયલ સ્થળોમાં ત્યાર પછી સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટરો લગાડવામાં આવશે... વિજતંત્રના કર્મચારીઓ/અધિકારીઓના ઘરે, સ્વતંત્ર આલીશાન બંગલા અને ટેનામેન્ટમાં સ્માર્ટ મીટરો લગાડયા પછી જ ગરીબ, પછાત વર્ગના નાના વર્ગના લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાડાશે તેવી જાહેરાતોથી બિલકુલ વિપરીત કામગીરી થવાથી સમગ્ર રાજ્યમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગમાં ઉગ્ર વિરોધ સાથે સરકાર/તંત્ર ઉપર ફીટકાર વરસાવી રહ્યા છે. હાલની અતિશય મોંઘવારીમાં આ પ્રકારની અગાઉથી ચાર્જ વસુલવાની જોહુકમીથી આમ પ્રજા સખત નારાજ થઈ છે.

સ્માર્ટ મીટરો જ્યાં જ્યા લાગ્યા છે ત્યાં પણ મીટરો ડબલ ઝડપે ચાલે છે. ફરિયાદ કરવા માટે ક્યા જવું, મોબાઈલ એપ્લીકેશનમાં કેવી રીતે નાણાં ભરવા, શું મેસેજ આવશે... કેટલા દિવસમાં નાણાં ભરી દેવા જેવી કોઈ સમજ કે વ્યવસ્થા આપવામાં આવતી નથી. એક ગ્રાહકે વીજતંત્રના ફરીયાદ વિભાગમાં ફરીયાદ કરી તો જવાબ મળ્યો કે સ્માર્ટ મીટરની એજન્સીને ફોન કરો... અમારી કોઈ જવાબદારી નથી...? તો પછી ખુલાસા, સમજણ આવાની પ્રસિધ્ધિ શુ કામ કરી રહ્યા છો...?

જામનગરની ઔદ્યોગિક વસાહતોમાં દસેક હજાર જેટલા નાના-મોટા/મેગા ઉદ્યોગો ધમધમે છે. થ્રી ફેઈઝના જોડાણો છે, ત્યાં સ્માર્ટ મીટર નાખવામાં આવે તો કારખાનાના માલિકો તો આર્થિક રીતે સધ્ધર હોય પ્રી-પેઈડ નાણાં ભરશે જ... શા માટે ત્યાં સ્માર્ટ મીટર નાખવામાં વિજતંત્ર ડરે છે...? કોની શરમ નડે છે...? જાણવા મળતી વિગતો પ્રમાણે સત્તાધારી રાજકિય પક્ષના દબાણના કારણે ઔદ્યોગિક એકમોનો વારો કદાચ સૌથી છેલ્લો રાખવામાં આવશે...?

વિજતંત્ર દ્વારા સાદા આંકડા ફરતા મીટરોના સ્થાને ડિજીટલ મીટરો નાખવામાં આવ્યા છે. તેમાં પણ હજુ કદાચ પ૦ ટકા કામગીરી વર્ષાે પછી પણ થઈ નથી... તો લાખોની સંખ્યામાં સ્માર્ટ મીટરો ક્યારે લગાડશો....?

સૌથી ગંભીર બાબત એ જ છે કે શરૂઆત ગરીબ અને મધ્યમવર્ગના લોકોથી જ શા માટે...?

જો આ કામગીરી લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા શરૂ થઈ હોત તો લોકોમાં ઉગ્રતા સાથે ચર્ચાઈ રહેલી વિગતો પ્રમાણે સત્તાધારી ભાજપ પક્ષને ચૂંટણીમાં મોટી નુકશાની થાત... તેથી જ મતદાન પુરૂ થયા પછી જ ઘોડા દોડયા છે...!

આ અતિ ગંભીર અને આમ જનતાના સ્પર્શતા પ્રશ્ન અંગે રાજકિય નેતાઓએ અને ખાસ કરીને સત્તાધારી પક્ષના ચૂંટાયેલા નેતાઓએ સરકાર તથા વિજતંત્રમાં દરમ્યાનગીરી કરી લોકોને રાહત અને સંતોષ થાય તેવી કાર્યવાહી કરવાની જરૂર છે... કોઈપણ વ્યવસ્થામાં ગ્રાહકને વિકલ્પ આપવામાં આવે છે.. ઈવન ખાનગી મોબાઈલ કંપની દ્વારા પણ મોબાઈલ ફોનમાં પ્રી-પેઈડ તેમજ પોસ્ટ પેઈડની વ્યવસ્થા છે તો વિજ બીલ ભરવામાં શા માટે પોસ્ટ પેઈડની વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી...?

કેટલાક લોકો તો રોષમાં એવું બોલી રહ્યા છે કે સરકાર લોકોને ચોર જ સમજે છે, તેથી અગાઉથી નાણાં વસુલ કરવાના કારસા કરે છે...

આ મામલે રાજ્યવ્યાપી આંદોલનો કે ઉગ્ર લડત થાય તે પહેલાં તમામ વર્ગના લોકોને રાહત થાય તે દિશામાં સરકારે વિચારણા કરવાની તાતી જરૂર છે...!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh