Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓનો અવિરત પ્રવાહઃ ઠેર-ઠેર ઉભા થયા સેવા કેમ્પ

રાજયમાંથી દરરોજ હજારો પદયાત્રીઓના જૂથ નીકળે છે, જેને મદદરૂપ થવા માટે સેવાભાવિઓ ઉમટયા

ખંભાળિયા તા. ૬: દ્વારકા જિલ્લાના ચાર ધામ પૈકીના ભારતના યાત્રાધામ દ્વારકાધીશના મંદિરે હોળી ધૂળેટી તહેવારના દરમ્યાન વિશિષ્ટ ફૂલડોલ ઉત્સવ યોજાતો હોય તે સમયે પદયાત્રા કરીને જવાનું ખૂબ જ મહત્ત્વ હોય રોજ હજારો પદયાત્રીઓ રસ્તા પર ચાલીને દ્વારકા જતાં હોય તેમના માટે ઠેર ઠેર સેવા કેમ્પોનું આયોજન પણ શરૂ થયું છે.

ફૂલડોલ ઉત્સવમાં ચારથી પાંચ લાખથી વધુ પદયાત્રી સમૂહમાં છેક વડોદરા, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, પોરબંદર, જામનગર, ખંભાળિયાથી પગપાળા ભગવાનના નામ સાથે તથા ગાડીઓમાં ડીજેના ધમધમાટ સાથે નીકળે છે પણ આ વખતે સેવા કેમ્પ જે મોટાભાગે ૪-૫ માર્ચથી શરૂ થાય તેની પહેલા જ પદયાત્રી નાના સમૂહમાં શરૂ થઈ ગયા હતાં.

રાજકોટ જામનગર રોડથી દ્વારકા સુધી સતત સેવા કેમ્પ

હવે પદયાત્રીઓ શરૂ થતાં છેક જામનગરથી આગળ રાજકોટ રોડ પરના ગામોથી પદયાત્રી સેવા કેમ્પ શરૂ થાય છે જે ઠેર-ઠેર ચાલે છે તથા રીલાયન્સ જેવી કંપની પણ વિશિષ્ટ કેમ્પ રાખે છે તો ખંભાળિયા શહેરની નજીકના વિસ્તારો, દાંતા, સિંહણ, જોગવડ, ઝાખર પાટીયા, ચાર રસ્તા, ખોડીયાર મંદિર, પોરબંદર બાયપાસ, દાત્રાણા પાટીયા, વડત્રા પાટીયા, લીંબડી પાટીયા, રાણ પાટીયા રણજીતપુર, ચરકલા સહિતના ગામોમાં વ્યાપક સેવા કેમ્પો શરૂ થયા છે.

આ સેવા કેમ્પોમાં ચા, પીવાના પાણીથી માંડીને નાસ્તો, રાત્રિ તથા બપોરના ભોજન સાથે અનેક કેમ્પોમાં પદયાત્રીઓ માટે મેડિકલ સેવા, નાહવા ધોવાની વ્યવસ્થા પણ થાય છે તો તમામ કેમ્પો પર રાત્રે લોકો ટોળામાં ગોળ ઘુમતા ભગવાન શ્રીકૃષ્ણના ભજન સાથે ગરબા રમતા હોય છે તો અનેક સેવા કેમ્પો વર્ષોથી થાય છે. દ્વારકા જિલ્લા પોલીસ પણ વર્ષોથી સેવા કેમ્પ રાખે છે તથા મશીનો દ્વારા પદયાત્રીઓના થાક ઉતરે પગ દુઃખતા  મટે તેવા આયોજન પણ થાય છે.

સેવા કેમ્પ ઉપરાંત

મોબાઈલ વાહનો દ્વારા સેવા

દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતાં પદયાત્રીઓ માટે વિવિધ સેવા કેમ્પો તો હોય છે પણ સાથો સાથ લાઈવ મોબાઈલ વાહનોમાં વિવિધ સેવાઓ પણ પ્રશંસનીય બને છે. જીપ, ટ્રેકટર, ગાડીમાં આઈસ્ક્રીમ, શેરડી રસ, સરબત, છાશ તથા સુકો મેવો, ઠંડા પીણા, ફ્રુટ, તરબુચના ટીપળા લઈ કયાંય કયાંયથી ભાવિકો સ્વયં સેવકો સાથે રસ્તા પર ઉભા રહીને પદયાત્રીઓને આપીને સત્કાર્ય કર્યાનો સંતોષ માણે છે. રોજ ઢગલાબંધ આવા વાહનો સાથે પદયાત્રીઓની લાઈવ સેવા પણ અનેક લોકો કરે છે.  દ્વારકાધીશ યુવાગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે આઠ હોસ્પિટલોમાં વિનામૂલ્યે દવા-સારવાર વ્યવસ્થા

દ્વારકા જતાં પદયાત્રીઓ માટે ઈમરજન્સી સેવા સાથે આરોગ્ય મદદ પૂરી પાડવાના હેતુથી ખંભાળિયાના દ્વારકાધીશ યુવા ગ્રુપ દ્વારા ૬ વર્ષથી ૨૪ કલાક નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સાથે ખંભાળિયા શહેરની આઠ નામાંકિત હોસ્પિટલોમાં વિનામૂલ્યે દવા તથા સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh