Advertisement
Author: નોબત સમાચાર

યુએઈના સમર્થકો પર સાઉદી અરબે એરસ્ટ્રાઈક કરતા ર૦ ના મૃત્યુઃ તંગદીલી

યમનની મુશ્કેલીઓ વધીઃ યુદ્ધનો પ્રારંભ...?

                                                                                                                                                                                                      

સેયૂન તા. ૩: યમનમાં યુએઈના સમર્થકો પર સાઉદી અરબે એરસ્ટ્રાઈક કરતા ર૦ મોત થયા છે, અને તંગદીલી વધી છે.

ગઈકાલે સાઉદી અરબના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને યુએઈ-સમર્થિત સઘર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલના ઠેકાણાઓ પર જોરદાર હવાઈ હૂમલા કર્યા હતાં. રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ હુમલાઓમાં ઓછામાં ઓછા ર૦ અલગતાવાદી લડવૈયાઓના મોત થયાની પુષ્ટિ થઈ છે.

આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે સંયુક્ત અરબ અમીરાતએ યમનમાંથી પોતાની સેનાઓ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જેણે બન્ને દેશો વચ્ચેના તણાવને ખૂલ્લો પાડી દીધો છે. અહેવાલો અનુસાર આ હવાઈ હુમલા અલ ખાશા અને સેયૂનમાં આવેલા સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવ્યા હતાં. આ હુમલામાં સેયૂન શહેરના એરપોર્ટને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. જેના પછી ત્યાં હવાઈ પરિવહન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું. આ પહેલીવાર છે, જ્યારે સાઉદીના નેતૃત્વવાળા ગઠબંધને સીધા એસટીસીના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. યમનનું ભવિષ્ય ફરી એકવાર ગંભીર સંકટમાં ફસાયેલું દેખાઈ રહ્યું છે. કારણ કે, દેશના દક્ષિણ ભાગમાં થયેલી આ ઘટનાએ સાઉદી અરબ અને યુએઈને પહેલીવાર સામસામે લાવી દીધા છે.

યુએઈ સમર્થિત એસટીસીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હવે 'યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે', એસટીસીએ આરોપ લગાવ્યો કે, સાઉદી સમર્થિત જમીની દળોએ તેમના પર હુમલો કર્યો, જેને સાઉદી વાયુસેનાના હવાઈ હુમલાઓનું પણ સમર્થન મળ્યું.

હુમલાના થોડા સમય પહેલા જ સાઉદી સમર્થક દળોએ હદરમૌતમા સૈન્ય ઠેકાણાઓ પર નિયુત્રણ મેળવવા માટે એક અભિયાન શરૂ કર્યુ હતું. જેને શાંતિપૂર્ણ ગણાવાયું હતું. પરંતુ ગણતરીની મિનિટોમાં જ હવાઈ હુમલાઓએ પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખી.

આ હુમલાઓ બાદ યુએઈએ તણાવ ઓછો કરવાની વાત કરી અને દાવો કર્યો કે, તેની છેલ્લી સૈન્ય ટૂકડી યમન છોડી ચૂકી છે. એસટીસીના વિદેશી મામલાના પ્રતિનિધિ અમ્ર અલ બિધે સાઉદી અરબ પર આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, શાંતિપૂર્ણ અભિયાનની વાત કર્યાની મિનિટોમાં જ સાત હવાઈ હુમલા કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે, યમનમાં ગૃહયુદ્ધની શરૂઆતમાં ર૦૧૪ માં થઈ હતી. જ્યારે ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ રાજધાની સના સહિત ઉત્તરી યમનના મોટા ભાગ પર કબજો કરી લીધો હતો. ત્યારપછી ર૦૧પ માં, સાઉદી અરબ અને યુએઈની આગેવાની હેઠળના ગઠબંધને સરકારની સત્તા પુનઃસ્થાપિત કરવા માટે સૈન્ય અભિયાન શરૂ કર્યુ. આ યુદ્ધે યમનને વર્ષોની હિંસા, તબાહી અને દુનિયાના સૌથી ભીષણ ભૂખમરાના સંકટમાં ધકેલી દીધું. પરંતુ હવે હૂતીઓ વિરૂદ્ધ બનેલું સાઉદી સમર્થિત ગઠબંધન પોતે જ અંદરથી વિખેરાઈ રહ્યું છે. જેના કારણે યમનના ભાગલા પડવાનો ખતરો હવે વાસ્તવિક સંભાવના બની રહ્યો હોવાના સંકેતો મળી રહ્યાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh