Advertisement
Author: નોબત સમાચાર

બાર લાખની આવક પર ઈન્કમટેક્સ નહીં: નાણામંત્રી નિર્મલા સીતારમણ

મધ્યમ વર્ગ, નોકરિયાતો, વયસ્કો, ખેડૂતો, યુવા વર્ગને સંબંધિત જાહેરાતોઃ નવ જેટલી વસ્તુઓ સસ્તી થશેઃ એનર્જી-અર્બન ડેવલપમેન્ટ પર જોરઃ નવી યોજનાઓની ઘોષણા

નવી દિલ્હી તા. ૧: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો છે. સવારે ૧૧ વાગ્યાથી બજેટ રજૂ થવાની શરૂઆત થઈછે. કોર્પોરેટ જગત પણ મોદી સરકારના આ બજેટની રાહ જોઈ રહ્યું હતું. બજેટમાં ઈન્કમટેક્સના નવા બીલ આવતા અઠવાડિયે રજૂ થશે, તે સહિત કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતો થઈ રહી છે. બાર લાખ સુધીની આવક પર ઈન્કમટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત મુખ્ય છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચી દીધો છે. જેમાં ખાસ કરીને ૧ર લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાની જાહેરાત કરીને તેમણે સૌને ચોંકાવી દીધા છે. આ નિર્ણયનો ખાસ લાભ તો દેશના મધ્યમવર્ગ અને નોકરિયાતવર્ગને થશે. ખેડૂતો, શિક્ષણ, મત્સ્ય ઉદ્યોગ, ઈલેક્ટ્રોનિક ક્ષેત્ર માટે પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી.

નાણામંત્રીએ બજેટ સ્પીચમાં કહ્યું કે, સિનિયર સિટીઝન માટે પ૦ હજારથી ૧ લાખ સીમા કરાઈ છે. ટીડીએસ પ્રોસેસ સરળ કરાશે. વરિષ્ઠ નાગરિકો માટે કર કપાત છૂટમાં વધારો ટીડીએસ-ટીસીએસમાં ઘટાડાથી મોટી રાહત અપાશે. ટીસીએસમાં ૭ લાખથી ૧૦ લાખ મર્યાદા કરાઈ છે. કેન્સરની દવાઓ સસ્તી થશે. ભારતમાં બનેલા કપડાં સસ્તા થશે. વણકરો દ્વારા તૈયાર કરેલા કપડાં સસ્તા થશે. મેડિકલ ઉપકરણ અને સર્જીકલ ઉપકરણ તથા મોબાઈલ ફોન સસ્તા થશે. તે ઉપરાંત જીવન રક્ષક દવાઓ સસ્તી થશે. ચામડાનો સામાન સસ્તો થશે. બેટરીવાળી ગાડીઓ સસ્તી થશે. ઈલેક્ટ્રીક કાર સસ્તી થશે. ટીવી સસ્તુ થશે સાથે-સાથે એલઈડી, એલસીડી સસ્તુ થશે.

નાણામંત્રીએ કહ્યું કે, ઈશ્યોરન્સમાં ૧૦૦% એફડીઆઈને મંજૂરી અને વીમા ક્ષેત્રે વિદેશી રોકાણ ૭૪% થી વધીને ૧૦૦% થશે. વીમા ક્ષેત્ર માટે એફડીઆઈ મર્યાદામાં વધારો. તમામ સરકારી હોસ્પિટલોમાં ડે કેર સેન્ટર ખોલવામાં આવશે. પટના આઈઆઈટી હોસ્ટેલનું વિસ્તરણ કરવામાં આવશે. જીવનરક્ષક દવાઓના ભાવ ઘટશે. ૬ જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે. ૩૬ જીવનરક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવી લેવાશે.

યુરિયા ખાતરની સમસ્યા દૂર કરવા આમના નામરૂપમાં વાર્ષિક ૧ર.૭ લાખ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. પૂર્વીય ક્ષેત્રમાં ત્રણ બંધ યુરિયા પ્લાન્ટ ફરીથી ખોલવામાં આવ્યા છે. આ યુરિયા ઉત્પાદનમાં આત્મનીર્ભરતા તરફનું એક પગલું છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ-ર૦રપ-ર૬ રજૂ કરતી વખતે વધુમાં જણાવ્યું હતું કે, ડિજિટલ શિક્ષણ સંશાધનોની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય્ કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે. યુવા દિમાગમાં જિજ્ઞાસા, નવીનતા અને વૈજ્ઞાનિક વિચારને પ્રોત્સાહન આપવા માટે આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં પ૦,૦૦૦ અટલ ટિકરિંગ લેબની સ્થાપના કરવામાં આવશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, સ્ટાર્ટઅપ માટે સરકારના ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના યોગદાનથી ભંડોળની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, સરકાર પ્રથમ વખત પાંચ લાખ મહિલાઓ, એસસી અને એસટી ઉદ્યોગ સાહસિકોને ર કરોડ રૂપિયાની લોન આપશે.

મોટી જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે, આવતા અઠવાડિયે નવું ઈન્કમ ટેક્સ બિલ આવશે. સંસદમાં નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કરાશે. તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેન્સર સેન્ટર ખોલવામાં આવશે. સંશોધન માટે ર૦ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

બિહારમાં ૩ નવા એરપોર્ટ બનાવવામાં આવશે. જ્ઞાન ભારત મિશન શરૂ કરવામાં આવશે. લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પ૦ હજાર મકાનો બનાવવામાં આવશે. પ૦ પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવશે. ઉડાન યોજનામાં ૧૦૦ નવા શહેરો જોડાશે. મેડિકલ ટુરીઝમને વેગ મળશે. વિઝા નિયમો હળવા કરવામાં આવશે.

૧ર૦ નવા સ્થળો માટે એરપોર્ટ યોજનાની જાહેરાત. ઉડાન યોજના દ્વારા ૪ કરોડ નવા મુસાફરોને જોડવાનો લક્ષ્યાંક. બિહારમાં નવા ક્ષેત્રના એરપોર્ટ ખૂલશે. પહાડી વિસ્તારોમાં નાના એરપોર્ટ અને હેલિપેડ બનાવવામાં આવશે.

કેન્દ્રીય બજેટ - ર૦રપ-ર૬ રજૂ કરતા. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકાર વિશેષ આર્થિક ક્ષેત્રો અને ઉચ્ચ સમુદ્રોમાં મત્સ્યદ્યોગ ક્ષેત્રની ઉત્પાદકતા જાળવવા માટે સક્ષમ માળખું લાવશે. તેમણે કહ્યું કે, ઉત્પાદન મિશન મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને આગળ લઈ જવા માટે નીતિ સમર્થન અને વિગતવાર માળખા દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેશે.

બજેટમાં આઈઆઈટીની ક્ષમતા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. પ આઈઆઈટીમાં વધારાનું ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવામાં આવશે. તેમણ આઈઆઈટી પટનાનું વિસ્તરણ કરવામાં આવશે. તેમ જણાવી નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ઈન્ડિયા પોસ્ટને એક વિશાળ જાહેર લોજિસ્ટિક્સ સંસ્થામાં પરિવર્તિત કરવામાં આવશે. ભારતના ફૂટવેર અને લેધર સેક્ટર માટે સહાય ઉપરાંત નોન-લેધર ફૂટવેર માટેની પણ યોજના છે. રર લાખ રોજગાર એન રૂ. ૪ લાખ કરોડનું ટર્નઓવર અને રૂ. ૧.૧ લાખ કરોડથી વધુની નિકાસની અપેક્ષા છે.

નિર્મલા સીતારમણે બજેટમાં ગીગ વર્કર્સ માટે મોટી જાહેરાત કરી. ૧ કરોડ ગીગ વર્કર્સને સામાજિક સુરક્ષા મળશે. તેમની નોંધણી ઈ-શ્રમ પોર્ટલ પર કરવામાં આવશે.

ખેડૂતો માટેની જાહેરાતો કરતા તેણીએ કહ્યું કે, ૧૦૦ જિલ્લાઓને ધન-ધન યોજના સાથે જોડવામાં આવશે. પાક વૈવિધ્યકરણ, સિંચાઈ સુવિધાઓ અને લોન ૧.૭ કરોડ ખેડૂતોને મદદ કરશે. કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની યોજનામાં અડદ અને મસૂર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ધનજન યોજના હેઠળ નાફેડ અને એનસીસીએફ ખેડૂતો પાસેથી કઠોળ ખરીદશે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ૭.પ કરોડ લોકોને રોજગાર પ્રદાન કરી રહ્યાં છે. આ એમએસએમઈ, ઉત્પાદકો સાથે, ઉત્પાદનમાં ૪પ ટકા યોગદાન આપી રહ્યાં છે. તેમના વર્ગકરણને બમણું કરવામાં આવશે. ગેરંટી કવર સાથે તેને પ કરોડ રૂપિયાથી વધારીને ૧૦ કરોડ રૂપિયા કરવામાં આવી છે. ૧.પ લાખ કરોડ સુધીની લોન મળશે. સ્ટાર્ટ અપ માટે રકમ રૂ. ૧૦ કરોડથી વધારીને રૂ. ર૦ કરોડ કરવામાં આવશે. ગેરંટી ફી માં ઘટાડો થશે.

નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કરી છે. સરકાર આ યોજનાને રાજ્યો સાથે મળીને ચલાવશે. ૧.૭ કરોડ ખેડૂતોને મદદ મળશે. સીતારમણને કહ્યું કે, ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોની સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કૃષિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને ઉત્પાદન પર ફોક્સ છે. નાણાકીય ક્ષેત્રના સુધારા પર પણ ધ્યાન આપશે. ૧૦૦ જિલ્લામાં ધન-ધન યોજના શરૂ કરવામાં આવી રહી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને પ લાખ રૂપિયા થઈ ગઈ છે.

નાણામંત્રીએ કહ્યું કે, મેક ઈન ઈન્ડિયા, રોજગાર અને નવીનતા, ઊર્જા પુરવઠો, રમતગમતનો વિકાસ, એમએસએમપી નો વિકાસ આપણી વિકાસ યાત્રામાં સામેલ છે અને તેનું ઈંધણ રીફોર્મ્સ છે. આ કાર્યક્રમથી ૧.૭ કરોડ ખેડૂતોને મદદ થવાની સંભાવના છે. રાજ્યોની ભાગીદારીથી ગ્રામીણ સમૃદ્ધિનું નિર્માણ અને અનુકૂલન હાથ ધરવામાં આવશે. કૌશલ્ય અને રોકાણથી કૃષિ ક્ષેત્રે રોજગારમાં સુધારો થશે. તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં વિકલ્પો બનાવવાનો છે. યુવા ખેડૂતો, ગ્રામીણ મહિલાઓ, નાના ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં અમે અર્થવ્યવસ્થાને ગતિ આપીશું. મધ્યમ વર્ગ પર ધ્યાન આપીશું. અમારી પ્રાથમિકતા સ્વાસ્થ્ય અને રોજગાર પર દેશની પ્રગતિ નિશ્ચિત, બજેટમાં ગરીબ, યુવાનો, મહિલાઓને પ્રાથમિકતા, આગામી પ વર્ષ વિકાસના રહેશે. ૧૦૦ જિલ્લામાં ધન-ધાન્ય કૃષિ યોજના, કૃષિ વિકાસથી ગામડાઓને સમૃદ્ધિ મળશે.

આ જ્ઞાનનું બજેટઃ મોદી

સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ તેમના કેબિનેટ સહયોગીઓને કહ્યું કે આ બજેટ સામાન્ય માણસ માટે છે. ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોની આકાંક્ષાઓનું આ બજેટ છે. આ જ્ઞાન (ગરીબ, યુવાનો, અન્નદાતા અને સ્ત્રી શક્તિ)નું બજેટ છે.

આટલી વસ્તુ સસ્તી થશે

ભારતમાં બનેલા કપડા

મોબાઈલ ફોન

કેન્સરની દવા

સર્જીકલ ઉપરકરણો

હાથ વણાટના કપડા

એલઈડી-એલસીડી ટીવી

ઈલેકટ્રીક ગાડીઓ

૬ જીવનરક્ષક દવાઓ

મોબાઈલ બેટરી

ઈન્કમટેક્સનો નવો સ્લેબ

આવક            કેટલો સ્લેબ

૧૨ લાખ        કોઈ ટેક્સ નહીં

૧૨-૧૫ લાખ  ૧૫% ટેક્સ

૧૫-૨૦ લાખ  ૨૦% ટેક્સ

૨૦-૨૫ લાખ  ૨૫% ટેક્સ

૨૫ લાખથી વધુ            ૩૦% ટેક્સ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh