Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૂનો નશો કરવાની આદતવાળા યુવાનનું મૃત્યુઃ સુતારીયામાં શ્રમિક પર બેલુ ત્રાટક્યું:
જામનગર તા.૧ : જામનગરના ચેલા ગામ પાસે આવેલા પીટીસી તાલીમ ભવન નજીક રહેતા એક યુવાનના પત્ની રિસામણે ચાલ્યા જતાં આ યુવાને ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. દારૂ પીવાની આદત ધરાવતા એક યુવાન ગુરૂવારે રાત્રે સૂવા ગયા પછી ઉંઘની હાલતમાં જ કોઈ રીતે મૃત્યુ પામ્યા છે. રતનબાઈ મસ્જિદ પાસે મકાનની છત પડવાના બનાવમાં ગંભીર ઈજા પામેલા શ્રમિકનું સારવારમાં મૃત્યુ થયું છે અને ખંભાળિયાના સુતારીયા ગામમાં ખેતરમાં કડિયાકામ કરતા વૃદ્ધ પર મોત બનીને બેલું ત્રાટક્યું છે.
જામનગર-લાલપુર માર્ગ પર આવેલા દરેડ ગામથી આગળ ચેલા નજીક પીટીસી તાલીમ ભવન સ્થિત મારવાડી વાસમાં રહેતા દેવાભાઈ મોતીભાઈ ભાટી નામના ત્રીસ વર્ષના મારવાડી યુવાને ગઈકાલે બપોરે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ યુવાનને લટકતા જોઈ દોડી આવેલા તેમના પરિવાર જનોએ દેવાભાઈને નીચે ઉતારી તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા મૃતકના નાનાભાઈ વસંતભાઈ ભાટીએ પોલીસને વાકેફ કરી છે.
પોલીસ સમક્ષના તેઓના નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ દેવાભાઈના પત્ની થોડા સમયથી રિસામણે ચાલ્યા ગયા હતા. આ બાબતનું માઠું લાગી આવતા તેઓના મોટાભાઈએ ગઈકાલે આત્મઘાતી પગલું ભરી લીધુ છે. પંચકોશી બી ડિવિઝનના જમાદાર એમ.પી. મોરીએ મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ આરંભી છે.
જામનગરના ધરારનગર-૧ પાસે આવેલા સાતનાલામાં એક મકાનમાં ભાડેથી રહેતા મૂળ ઉત્તરપ્રદેશના ઝાલોના જિલ્લાના વતની સંદીપસિંગ નરેશભાઈ કુશવાહ (ઉ.વ.રપ) નામના યુવાન ગુરૂવારની રાત્રિના દસ વાગ્યાથી ગઈકાલની બપોરના બાર વાગ્યા દરમિયાન પોતાના રહેણાંકમાંથી કોઈ રીતે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે. આ યુવાનની સાથે વસવાટ કરતા વિનય ભગવાનદાસ કુશવાહએ પોલીસને જાણ કરી છે. તેણે પોલીસ સમક્ષ જણાવ્યા મુજબ સંદીપસિંગ દારૂનો નશો કરવાની આદત ધરાવતા હતા અને ગુરૂવારની રાત્રે દસેક વાગ્યે તેઓ સૂવા માટે ગયા પછી ગઈકાલે બપોર સુધી નહીં ઉઠતા વિનયને આ યુવાનના મૃત્યુની જાણ થઈ હતી. જમાદાર ડી.જે. જોષીએ તપાસ શરૂ કરી છે.
જામનગરના રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં આવેલી મતવા શેરી પહેલાં એક મકાનમાં કરવામાં આવી રહેલા બાંધકામમાં બુધવારે સવારે દુર્ઘટના સર્જાઈ હતી. તે મકાનની છતનો કેટલોક ભાગ ધડાકાભેર બાજુમાં આવેલા મેમુદાબેન નામના મહિલાના નળીયાવાળા મકાન પર ધસી પડ્યો હતો. આ અકસ્માતમાં મેમુદાબેન તથા કાટમાળ સાથે જમીન પર પટકાયેલા શ્રમિક-જામનગરમાં ચૂનાના ભઠ્ઠા પાસે બાઈકની વાડીમાં રહેતા કાનજીભાઈ લખુભાઈ ધ્રુવ ઉર્ફે પલ્લી (ઉ.વ.૪૦) ઘવાયા હતા. બંને ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ વ્યક્તિઓની શરૂ કરવામાં આવેલી સારવાર દરમિયાન કાનજીભાઈની હાલત નાજૂક જણાઈ આવતી હતી. તે દરમિયાન માથામાં ગંભીર ઈજા પામેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. સિટી એ ડિવિઝનના પીએસઆઈ એ.વી. સરવૈયાએ અપમૃત્યુ અંગે નોંધ કરી છે.
ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામમાં આવેલા હસમુખભાઈ નામના ખેડૂતના ખેતરમાં ચાલી રહેલા કડિયા કામમાં રાણાભાઈ ડોસાભાઈ ચૌહાણ (ઉ.વ.૬૧) નામના વૃદ્ધ ગઈકાલે સવારે કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે એક બેલુ (પથ્થર) ફસક્યો હતો અને રાણાભાઈના મ્હોં પર ત્રાટક્યો હતો. ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર જગદીશભાઈ ચૌહાણે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial