Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાલિકાના રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા હાઈકોર્ટના હુકમ સામે નગરપાલિકા કરશે અપીલ

ટ્રિબ્યુનલના ર૦૧૩ની તથા હાઈકોર્ટના ર૦ર૪ ના ચૂકાદાની તારીખ પહેલીએ મેઃ ગજબ યોગાનુયોગ!

ખંભાળિયા તા. ૩: ખંભાળિયા નગરપાલિકામાં સ્ટાફમાં ખાલી જગ્યાઓ હોવા છતાં પણ સ્થાનિક તંત્રની અણઆવડત અથવા નિયમો પ્રમાણે કામ ના કરવાની અજ્ઞાનતા કે જે હોય તે ખંભાળિયા પાલિકામાં કાયમી જગ્યાઓ ખાલી હોવા છતાં એ જ કામ માટે રોજમદાર કર્મચારીઓની ભરતી કરાઈ હતી છેક ૧૯૮૬ માં આજથી ૩૮ વર્ષ પહેલાથી નોકરીમાં રોજમદારો તરીકે લાગેલા આવા કર્મચારીઓને કાયમી કરવામાં ના આવતા તથા ૧૧ માસથી વધુ સમય હોવ, તો હાલ કાયમી માટે કોર્ટમાં જાય છે ત્યારે પાલિકામાં ર૦/રપ/૩૦ વર્ષ જુના રોજમદારો છે અને કેટલાક રોજમદાર તો રોજમદાર તરીકે કામ કરતા મૃત્યુ પામ્યા કે પ૮ વર્ષ થઈ જતા નિવૃત્ત થયેલા પણ છે.

આવા પાલિકાના રોજમદાર કર્મચારીઓ છોટાલાલ ધ્રુવ, દિલીપભાઈ બોડા, કિશોરસિંહ સોઢા, હેમેન્દ્ર બળભદ્ર, નિર્મળસિંહ ઝાલા સહીત ર૭ કર્મચારીઓએ રજૂઆતો કરતા ર૦૦ર માં આ કર્મચારીઓને કાયમી કરવા માટે રજૂઆતો થઈ હતી તથા ર૦૧૦ માં શહેરી વિકાસ વિભાગમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી જે પછી આ ર૭ કર્મચારીઓનો ન્યાયિક પ્રશ્ન હોય, તત્કાલિન ધારાસભ્ય સ્વ્. મેઘજીભાઈ કણઝારિયા તેમને બે વખત શહેરી વિકાસ વિભાગમાં લઈ ગયા હતાં જે પછી ટ્રીબ્યુનલમાં આ રોજમદારોએ કેસ કર્યો હતો જેમાં સમીક્ષા કરીને રોજમદારોએ તેમનો જુનો હક્ક-હિસ્સો ૧૦/૧ર વર્ષનો જતો કરવા તૈયારી બતાવી હતી અને ૧-પ-૧૩ ના તેમને કાયમી કરવા હુકમ થયો હતો.

ઓર્ડર તૈયાર થઈને

અપાયા પછી પરત ખેંચાયા

પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર શ્રી સોની દ્વારા જામનગર કોર્ટમાં સોગંદનામું કરીને તમામને હુકમ આપવા કહેવાયું હતું. તે પછી રાત્રે જ તમામ ર૭ ને કાયમી માટેના હુકમો પણ તૈયાર થઈ ગયા પણ તે પછી રાજકીય ડખલગીરીમાં આ તમામના હુકમો રદ્ થઈ ગયા હતાં. આથી આ કર્મચારીઓ દ્વારા હાઈકોર્ટનું શરણું લેવાયું હતું અને ગત્ ૧-પ-ર૦ર૪ ના ગુજરાત હાઈકોર્ટે હુકમ કરીને આ તમામ કર્મચારીઓને કાયમી કરી પગાર આપવા તથા ર૦૧૩ થી ર૦ર૪ સુધીનો તેમના તફાવતનો પગાર વાર્ષિક ૬ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કરતા ૧ર વર્ષથી કેસ કરેલા તથા ર૦/રપ વર્ષથી કાયમી થવાની રાહ જોતા અને વર્ષોથી ૧૦/૧પ હજાર માસિક ફીક્સ પગારમાં કામ કરનારા કર્મચારીઓ માટે લાપશીના આંધણ મૂકવા જેવું થયું હતું.

પાલિકા હાઈકોર્ટની ઉપલી બેંચમાં અપીલ કરશે

ખંભાળિયા પાલિકાના રોજમદાર ર૭ કર્મચારીઓને કાયમી ગણવા તથા ૧ર વર્ષનું એરીયર્સ પગાર તફાવત વ્યાજ સાથે આપવાના મુદ્દા અંગે પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે જણાવેલ કે આ હુકમ સામે હાઈકોર્ટમાં ઉપરની બેચમાં પાલિકા અપીલ કરશે.

કોર્ટ દ્વારા ર૦૧૩ થી ર૦ર૪ તફાવતની રકમનું એરીયર્સ ૬ ટકા વ્યાજે આપવા જણવેલું છે જે એક એક કર્મચારીઓને ર૦-રર લાખ થાય અને આ ર૭ કર્મીઓને ચૂકવવા માટે પાંચ-છ કરોડ રૂપિયા જોઈએ જે પાલિકા પાસે નથી તથા સરકાર દ્વારા આવા હુકમો સામે ઉપરની કોર્ટમાં જવા પરિપત્ર કરાયો હોય પાલિકા તેમ કરશે.

ર૭ માંથી બે કર્મચારી મૃત્યુ પામ્યા, ત્રણ નિવૃત્ત થયા

રોજમદાર ર૭ કર્મચરીઓએ આ લડત શરૂ કરી હતી જેમાં પ્રવિણ કણઝારિયા સહિત બે કર્મચારી મૃત્યુ પામ્યા છે, તો હેમેન્દ્ર બલભદ્ર, નિર્મળસિંહ ઝાલા, છોટાલાલ ધ્રુવ સહિત ત્રણ નિવૃત્ત થઈ ગયા છે.

હાઈકોર્ટના હુકમમાં મૃત્યુ પામેલાના વારસદારોને આ રકમ તફાવતની વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે, જો કે ખંભાળિયા ન.પા.ની આર્થિક સ્થિતિ હાલ ખરાબ છે તાજેતરમાં મહેકમ ખર્ચ વધી જતા સાતમા પગાર પંચને બદલે ૬ઠ્ઠા પગારપંચનો હુકમ થયેલો જે સામે કર્મચારીઓ હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ લાવેલા છે ત્યારે વર્ષોથી રોમજદારોમાં કામ કરતા કર્મચારીઓને હાઈકોર્ટના આદેશ છતાં અપીલ થવાથી હાલ આ લાભ ના મળે તેવી સંભાવના છે તો અપીલમાં હાઈકોર્ટ બેચમાં વધુ પાંચ-સાત વર્ષ જજમેન્ટ સુધીની પ્રક્રિયામાં નીકળી જાય તેમ હોય, વધુ બે-પાંચ કર્મચારીઓ નિવૃત્ત અને ભગવાન પાસે પહોંચી જાય ત્યારે તેમનો આ પ્રશ્ન હલ થાય તેવી સ્થિતિ થશે.

જો કે ૧-પ-૧૩ ના કર્મચારીઓને કાયમી કરવા ટ્રીબ્યુનલે હુકમ કરેલો અને હાઈકોર્ટે ૫ણ ૧-પ-ર૪ ના કાયમી માટે હુકમ કરેલો. જોગાનુજોગ બન્ને ગુજરાત રાજ્ય સ્થાપના દિનના દિવસો હતાં ત્યારે હવે આ રોજમદારોને ક્યા ગુજરાત સ્થાપના દિનના વર્ષે ન્યાય મળે તે જોવાનું રહે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh