Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસે આપી સરપ્રાઈઝઃ માતાનો રાજકીય વારસો જાળવવાની જવાબદારી રાહુલનીઃ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
નવી દિલ્હી તા. ૩: કોંગ્રેસે આજે સસ્પેન્સનો અંત લાવીને રાયબરેલીથી રાહુલ ગાંધી અને અમઠીથી કિશોરીલાલ શર્માને ચૂંટણીના મેદાનમાં ઉતારીને માસ્ટરસ્ટ્રોક માર્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરેલા દાવા મુજબ જ ફોર્મ ભરવાના અંતિમ દિવસે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કરીને કોંગ્રેસે સરપ્રાઈઝ પણ આપ્યું છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અગાઉ કરેલા દાવા મુજબ જ સરપ્રાઈઝ આપ્યું છે, અને કોંગ્રેસે ઉત્તરપ્રદેશની રાયબરેલી સીટ પરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. સોનિયા ગાંધીની આ બેઠક પરથી કોંગ્રેસે તેના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર ર૦ મે ના પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે. આ સીટ માટે નોમિનેશનના છેલ્લા દિવસે કોંગ્રેસે રાયબરેલીથી રાહુલની ઉમેદવારીની જાહેરાત કરી હતી, જેથી સસ્પેન્શનો અંત આવ્યો છે. એવું કહેવાય છે કે આ બેઠક પાર્ટી અધ્યક્ષ સમકક્ષ પદ ધરાવતા નેતાઓ માટે વિચારવામાં આવી રહી હતી.
હવે રાહુલ ગાંધી પર તેમની માતા સોનિયા ગાંધીના વારસાને આગળ વધારવાની જવાબદારી રહેશે, જો કે રાહુલ ગાંધીને તેમની સીટ અમેઠીની જગ્યાએ રાયબરેલીથી ઉમેદવાર બનાવવા પાછળ બે ખાસ કારણો આપવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે રાહુલ ગાંધી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ હતાં અને તે પહેલા સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ હતાં, તેથી આ બેઠક પાર્ટી અધ્યક્ષ પદ ધરાવતા નેતાઓ માટે વિચારવામાં આવી રહી હતી.
બીજી તરફ પ્રિયંકા વાડ્રાએ ચૂંટણી લડવાનો કથિત ઈનકાર કર્યા પછી રાહુલને માતા સોનિયા ગાંધીનો રાજકીય વારસો સંભાળવા માટે આગળ મૂકવામાં આવ્યા છે. સોનિયા ગાંધી ર૦૦૪ થી ર૦૧૯ સુધી રાયબરેલી સીટથી સાંસદ હતાં. સાંસદ તરીકે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ હતાં. આ સિવાય તે યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સના પ્રમુખ પણ હતાં.
ઉલ્લેખનિય છે કે ફેબ્રુઆરી ર૦ર૪ માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભામાં ગયા છે. ગયા મહિને તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ પણ લીધા હતાં. આ વખતે તેઓ લોકસભા ચૂંટણી લડી રહ્યા નથી.
કોંગ્રેસના અમેઠીના નેતાઓની માંગ હતી કે રાહુલ ગાંધીને ઉમેદવાર તરીકે મોકલવામાં આવે, પરંતુ પાર્ટીએ કે.એલ. શર્મા પર દાવ લગાવ્યો છે. ર૦૧૯ માં રાહુલ કોંગ્રેસની ટિકિટ પર સ્મૃતિ ઈરાની સામે રાજકીય હરિફાઈમાં પપ,૦૦૦ મતોથી ચૂંટણી હારી ગયા હતાં. તેઓ ર૦૦૪ થી ર૦૧૯ સુધી આ બેઠક પરથી સાંસદ હતાં.
રાયબરેલી લોકસભા સીટની જાતિ અને સામાજિક સમિકરણો મુજબ તો અહીં લગભગ ૧૧ ટકા બ્રાહ્મણ, લગભગ નવ ટકા રાજપૂત અને સાત ટકા યાદવ જાતિના મતદારો છે. અહીં દલિત વર્ગના મતદારોની સંખ્યા સૌથી વધુ છે. રાયબરેલી લોકસભા ક્ષેત્રમાં લગભગ ૩૪ ટકા દલિત મતદારો છે. અહીં મુસ્લિમો લગભગ ૬ ટકા, લોધ ૬ ટકા અને કુર્મીઓ ૪ ટકા આસપાસ છે. અન્ય જ્ઞાતિના મતદારોની સંખ્યા પણ આશરે ર૩ ટકા હોવાનો અંદાજ છે. હિન્દી પટ્ટામાં ઉમેદવાર અથવા રાજકીય પક્ષની જ્ઞાતિના આધારે મત આપવાનો ટ્રેન્ડ રહ્યો છે, પરંતુ રાયબરેલીમાં ગાંધી પરિવારના કોઈ સભ્ય ચૂંટણી લડે ત્યારે જાતિનું પરિબળ શૂન્ય જોવા મળ્યું છે.
રાયબરેલી લોકસભા સીટના ચૂંટણી ઈંતિહાસ જોઈએ તો આ સીટ ૧૯પ૭ ની સામાન્ય ચૂંટણીઓથી અસ્તિત્વમાં છે. ૧૯પ૧-પર ની પ્રથમ ચૂંટણીઓમાં રાયબરેલી અને પ્રતાપગઢ બન્ને જિલ્લાઓનો સમાવેશ કરતી એક લોકસભા બેઠક હતી અને ત્યારપછી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતાં.
બીજી તરફ અમેઠી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્માને સોનિયા ગાંધીના નજીકના નેતા તરીકે ઓળખવામાં આવે છે. મૂળ પંજાબના લુધિયાણાના કે.એલ. શર્મા લાંબા સમયથી રાયબરેલીમાં સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. આખા દેશની નજર કોંગ્રેસની પરંપરાગત બેઠકો અમેઠી અને રાયબરેલી પર હતી. બન્ને બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવા આજે શુક્રવારે અંતિમ દિવસે કોંગ્રેસે માસ્ટરસ્ટ્રોક લગાવ્યો છે. સવારથી જ અમેઠી અને રાયબરેલીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પોસ્ટરો પણ લગાવવાની શરૂઆત થઈ હવે આજે ઉમેદવારી નોંધાવતા પહેલા ભવ્ય રોડ-શો યોજવાની કોંગ્રેસે તૈયારીઓ પણ કરી લીધી હતી, અને ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાનું જાણવા મળે છે.
છેલ્લા અહેવાલો મુજબ રાયબરેલીમાં રાહુલ ગાંધી આવેદન૫ત્ર ભરવા પહોંચ્યા ત્યારે તેની સાથે બહેન પ્રિયંકા ગાંધી તથા દિગ્ગજ કોંગી નેતાઓ પણ જોડાયા હતાં અને સ્થાનિક નેતાઓ-કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
સ્થાનિક નેતાઓ-કાર્યકરો-પ્રજાજનોમાં ભારે ઉત્સાહઃ
રાયબરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્ર
રાયબરેલી તા. ૩: આજે રાયબરેલીના કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીએ ફોર્મ ભર્યું ત્યારે અને તે પહેલા ઉમેદવારી ફોર્મ ભરવા જતી વખતે કોંગ્રેસના નેતાઓ-કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ તકે માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી, બનેવી રોબર્ટ વાડ્રા, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોત, રેવંત રેડ્ડી તથા સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial