Advertisement
Author: નોબત સમાચાર

'હું જીવું છં ત્યા સુધી ધર્મના આધારે દેશના ભાગલાં પાડવા નહીં દંઉ': પીએમ નરેન્દ્ર મોદી

જામનગરમાં ભાજપની જાહેર સભા

જામનગર તા. ૩: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની તમામ બેઠકો પર આગામી ૭ મી મેના દિને મતદાન યોજાનાર છે અને હવે મતદાનને જ્યારે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિરાટ વિજય વિશ્વાસ જાહેર સભા યોજાઈ હતી. જેમાં હાલારના બન્ને જિલ્લાના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ તેમજ આમજનતા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. વડાપ્રધાનના પ્રવચનને સાંભળવા મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી 'મોદી... મોદી...' ફીર એકબાર મોદી સરકાર, અબકી બાર ૪૦૦ કે પારના જાહેર શોરથી નારા લગાવ્યા હતાં. તેમજ ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી પણ સમગ્ર સમિયાણો ગુંજી ઉઠયો હતો.

આ જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના પ્રચવનનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે સભાસ્થળે આવતા પહેલાં જામસાહેબ શત્રશલ્યસિંહજીની મુલાકાત લીધી અને તેમણે મને હાલારી પાઘડી પહેરાવી વિજયી ભવઃ ના આશિર્વાદ આપ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યું કે, આમ તો ગુજરાતમાં મત માંગવા આવવાનું જ ન હોય, હું પ્રચાર માટે નથી આવ્યો, પ્રેમનો આસ્વાદ લેવા આવ્યું છું. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં એ સમય યાદ કર્યાે. એ સમયને યાદ કરતાં જણાવેલ કે જામનગર ભૂચરમોરીમાં તેઓ પ્રથમ મુખ્યમંત્રી હતાં જેમણે મુલાકાત કરી હતી. ર૦૧૪ અને ર૦૧૯ કરતાં ર૦ર૪ના પ્રચારમાં વધુ ને વધુ પ્રેમ મળી રહ્યો છે. દેરક જગ્યાએથી એક જ અવાજ આવી રહ્યો છે. 'ફિર એક બાર મોદી સરકાર'.

કોંગ્રેસની રાજનીતિ ફૂટપ્રચારની છે. આજે આખી દુનિયામાં ભારતનું સન્માન વધુ છે. ત્યારે કોંગ્રેસના યુવરાજ વિદેશમાં ભારત વિરૂદ્ધ પ્રચાર કરે છે. ર૦૧૪માં દુનિયામાં ભારતનું અર્થતંત્રી ૧૧મા સ્થાને હતું આજે પાંચમા સ્થાને છે. સંકલ્પ ભારતને દુનિયાની પ્રથમ અર્થવ્યવસ્થા બનાવવાનો છે. ત્યારે ભારત આત્મનિર્ભર હશે, એ સમયે યુવાનોના સપના પુરા થશે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ છે. કોંગ્રેસના નેતા વોટ જેહાદની વાત કરે છે. કોંગ્રેસ જાતિના નામ પર સમાજના ભાગલા અને તૃષ્ટિકરણથી મત મેળવવા, આ બે વાત પર ચૂંટણી લડતાં હતાં અને કોંગ્રેસ મુસ્લિમ અનામતની વાત કરી છે.

તેમણે વધુમાં જણાવેલ કે, જ્યાં સુધી મોદી જીવી છે, ત્યાં સુધી દેશના ધર્મના આધારે ભાગલા પાડવા નહીં દઉં. કોંગ્રેસ રામ મંદિરની મજાક રે છે, હિન્દુ ધર્મની શક્તિને નકારે છે. સમુદ્રમાં ડૂબેલી દ્વારકાને માનવા તૈયાર નથી. એટલે જ કહું છું કે, કોંગ્રેસથી સાવધાન રહો. કોઈ તરફ નારાજગી હોય તો તે માટે કોંગ્રેસને મત આપવાની જરૂર નથી. કોંગ્રેસ પાસે ર૭ર ઉમેદવાર જ નથી, તો સરકાર ક્યાંથી બનાવશે ? આગામી દિવસોથી વિમા, એગ્રિકલચર, ઈલેકટ્રિક વાહનો ગુજરાતમાં બનશે. ગુજરાત ગ્રીનહાઈડ્રોજનનું હબ બનવા જઈ રહ્યું છે. સોલાર પેનલ માટે સબસિડી મળશે, તેઓ એ જણાવેલ કે મારૂ સપનું છે કે, ગુજરાતના તમામ ઘરોમાં વિજળીબિલ ઝીરો થાય. આ ઉપરાંત તેઓએ ૧ર લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને પ્રચંડ લીડથી વિજેતા બનાવવા અપીલ કરી હતી.

વડાપ્રધાનના આગામને પૂર્વ ભાજપના પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીઓ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે કોંગ્રેસમાં હાલ એવા લોકોના હાથમાં નેતૃત્વ છે જેઓ સોનાની ચમચી સાથે જનમ્યા છે. તેમનામાં જનતાની મુશ્કેલી સમજવાની સમજણ નથી.

ગુજરાતના પૂર્વ કેબીનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી. ફળદુએ ગુજરાતની ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ભાજપ સરકાર દ્વારા પાણી, વિજળી, સિંચાઈ, માર્ગ-રસ્તાના વિકાસ કામો વર્ણવી કોંગ્રેસની નીતિ-રીતિની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.

૧ર-જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સંસદ સભ્ય પૂનમબેન માડમે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણાં હાલારમાં પધાર્યા છે ત્યારે મોટા વીકાસ કામોની ભેટ ધરી છે. મારી દસ વર્ષની સંસદ સભ્ય તરીકેની યાત્રામાં મને હાલારના બન્ને જિલ્લાના તમામ વર્ગના લોકોનો અભૂતપૂર્વ સાથ સહકાર અને પ્રેમ મળ્યા છે અને કેન્દ્રમાં હાલારનું મહત્વ વધ્યું છે અને તેથી છેવાડાના ગણાતા આપણા વિસ્તારમાં આપ સૌના સૂચનો, સહકાર અને લાગણીથી મારી રજુઆતોને સફળતા મળી છે. આજે મોદી સરકારની અનેક લાભદાયી અને લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક ઘર સુધી પહોંચ્યો છે.

આ તકે ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં જનજનમાં નરેન્દ્રભાઈ પ્રત્યે અતૂટ વિશ્વાસ પેદા થયો છે. મોદી હૈ તો મુમકીન હૈ પૂરવાર થઈ રહ્યું છે. સૌનું કલ્યાણ, સૌની સુરક્ષા, સૌની સલામતિ, તે મોદીની ગેરેન્ટી છે. અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય નિર્માણ કરનારને દેશનું સુકાન સોંપવા દેશની જનતા આતુર છે.

આ સભામાં ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા, રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, પબુભા માણેક, ડો. વિનોદ ભંડેરી, બ્રિજરાજસિંહ, હરીશભાઈ મચ્છર, ગુજરાત પ્રદેશ સહપ્રવકતા જયેશભાઈ વ્યાસ, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, જિલ્લા મહામંત્રી દિલીપ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેક પટવા, રમેશભાઈ મુંગરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, રમેશભાઈ ઓડેદરા, ઈન્ચાર્જ, દેવભૂમિ દ્વારકા, મહેન્દ્રસિંહ સરવૈયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, વત્સલભાઈ ટાંક, યુવા સ્કોલરશીપ લાભાર્થી, ક્રિષ્નાબેન સોઢા, ડે. મેયર, જા.મ્યુકો. મણીબેન વસોયા, વિશિષ્ટ વ્યક્તિ, ગોલ્ડ મેડાલીસ્ટ, ચંદ્રિકાબેન રામાવત, પી.એમ.એ.વાય, જિગ્નાબેન ત્રિવેદી, ઉજ્જવળ યોજના લાભાર્થી, પ્રદીપભાઈ ખીમાણી, ઈન્ચાર્જ પોરબંદર ભાનુભાઈ મેતા, ઈન્ચાર્જ જામનગર જિલ્લો પરેશભાઈ પનારા અન્નદાતા કિશાન નિધી લાભાર્થી, ઉપરાંત આણંદાબાવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી, ખીજડા મંદિરના કૃષ્ણમણિજી, મોટી હવેલીના વલ્લભરાયજી, સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રીઓ સહિત સામાજિક સંસ્થાના હોદ્દેદારો, કોર્પાેરેટરો, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, સાધુ-સંતો, સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ, યુવાનો, વોર્ડ કાર્યકર્તા સહિત પેઈજ પ્રમુખો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh